• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

ગુજરાતની ધરતી પરથી મોદીનો મજબૂત નિર્ધાર

કેન્દ્રમાં એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ એકસો દિવસ નિમિત્તે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ટાંકણે હાથ ધરાયેલી રાષ્ટ્રનિર્માણ અને ઉજ્જવળ ભવિષ્યને લગતી યોજનાઓ ભારે મહત્ત્વ ધરાવે છે. ત્રીજીવાર પીએમ બન્યા પછી પહેલીવાર ગુજરાત આવેલા નરેન્દ્રભાઇએ શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભાગ લીધો. આગામી વર્ષો માટે લાંબાગાળાનાં આયોજનનું વિઝને પેશ કર્યું. સાથોસાથ ઘરઆંગણે પોતાના લોકો વચ્ચે મન ખોલ્યું હોય તેમ વિરોધપક્ષો દ્વારા તેમને વ્યક્તિગત રીતે નિશાન બનાવીને કરાતા ઉપહાસ વિશે ખેદ પણ પ્રગટ કર્યો. અલબત્ત, મોદી કદી કોઇને ગાંઠતા નથી, તેમની નિસ્પૃહિતા કાબિલેતારીફ છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, હું કદી કોઇ?દબાણમાં આવતો નથી. હા, દબાણ દેશના કરોડો લોકોનાં સપનાં સાકાર કરવાનું, યુવાનોના મનોરથ પાર પાડવાનું, ભારતને મહાશક્તિ બનાવવા માટેનું અવશ્ય છે. પહેલાં ગુજરાત યાત્રાની વાત કરીએ તો તેમણે ગાંધીનગર-અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. ભુજ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ નમો રેપિડ ટ્રેનની શરૂઆત કરાવી. જીએમડીસી મેદાન ખાતેની વિશાળ સભામાં રૂા. 8000 કરોડની વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું. એ કાર્યક્રમમાં તેમણે સરકારના એકસો દિવસની કામગીરીનો હિસાબે આપ્યો. શ્રી મોદીએ કહ્યું કે, 100 દિવસમાં 11 લાખ નવી લખપતિ દીદી બની છે, ખેડૂતો માટે શ્રેણીબદ્ધ પગલાં લેવાયાં છે, દેશના લાખો ગરીબો માટે પોતીકા આવાસનો કાર્યક્રમ ધમધોકાર ચાલી રહ્યો છે, 12 નવાં ઔદ્યોગિક શહેર, હાઈસ્પીડ કોરિડોર, આરોગ્ય ક્ષેત્રે 70 વર્ષથી મોટી વયના વડીલોને વર્ષે રૂા. પાંચ લાખ સુધીની આરોગ્ય સેવા નિ:શુલ્ક આપવાનીએ જોગવાઇ કરાઇ છે. એ સિવાય જમ્મુ-કાશ્મીરમાં લોકતંત્રની પુન:સ્થાપના માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે. મોદીએ વિરોધ પક્ષોને આડકતરો જવાબ આપતાં કહ્યું કે, તેમને ક્ષુલ્લક રાજનીતિ રમવા સિવાય દેશની કોઇ બાબતમાં રસ નથી. મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ મીટમાં વડાપ્રધાને આંકડાકીય વિગતો અને દાખલા, દલીલો સાથે દેશ-દુનિયાને સંદેશ આપ્યો છે કે, ભારત ધસમસતું આગળ વધી રહ્યું છે. આખી દુનિયા એ સ્વીકારતી થઇ છે કે, ભારત 21મી સદીનું સર્વશ્રેષ્ઠ દાવેદાર છે. તેમણે કહ્યું કે, ભારત ટોચ પર પહોંચવા માટે જ નહીં, પરંતુ ટોચ પર સતત ટકી રહેવા માટે પુરુષાર્થ કરી રહ્યું છે. એ માટે બધું લાંબું વિચારીને રસ્તો પકડયો છે. આપણી પાસે તેલ-ગેસના ભંડારો નથી, એટલે જ દુનિયાની જરૂરત અને બીજા દેશોની પરિસ્થિતિ નજર સમક્ષ રાખીને સૌરઊર્જા, પવનઊર્જા, પરમાણુ અને જળ વિદ્યુત યોજના પર તમામ શક્તિ લગાડી દીધી છે. 2030 સુધી ભારતની રિન્યૂએબલ એનર્જી કેપેસિટી 500 ગિગાવોટ સુધી પહોંચાડવા માટે હરિત ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે આક્રમકતાથી કામ કરવામાં આવી રહ્યું છે. ભારત ન માત્ર પાંચમું સૌથી મોટું અર્થતંત્ર જ છે, સાથે દુનિયાનો ઝડપથી વિકસતો દેશ છે. ભવિષ્યનાં કોઇ પણ સપનાં સાકાર કરવા માટે સૌ પ્રથમ દેશને ઊર્જાક્ષેત્રે સ્વાવલંબી બનાવવો પડશે. સરકારે એવાં 17 શહેરની પસંદગી કરી છે, જેને સોલાર સિટી - સૌરઊર્જા શહેર તરીકે વિકસિત કરવામાં આવશે. પહેલા 100 દિવસમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે લેવાયેલા નિર્ણય આવકાર્ય છે. 31 હજાર મેગાવોટ હાઇડ્રો પાવર ઉત્પાદન માટે 12 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે. રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે મૂડીરોકાણ આકર્ષવા માટે રાજધાની દિલ્હીની બહાર આટલો વિશાળ હાઇ પ્રોફાઇલ કાર્યક્રમ પહેલીવાર યોજાયો. આંધ્રના ચંદ્રાબાબુ નાયડુ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, ડેન્માર્કના ઉદ્યોગ અને નાણાકીય બાબતોના મંત્રી, જર્મનીના આર્થિક સલાહકારની ઉપસ્થિતિ દર્શાવે છે કે, મોદી અને તેમની સરકાર આવાં આયોજનોને માત્ર તાયફા નથી બનાવવા માગતી, બલ્કે પરિણામલક્ષી કામગીરી માટે પૂરી દરકાર લેવાય છે. અહીં એ નોંધનીય છે કે, બેંકો, નાણાં સંસ્થાઓએ ગ્રીન એનર્જી ક્ષેત્રે 32.45 લાખ કરોડનું ભંડોળે ફાળવવાની તૈયારી દર્શાવી છે. અદાણી ગ્રુપ નવીનીકરણીય ઊર્જાક્ષેત્રે 4.05 લાખ કરોડની મૂડી ઠાલવવા જઇ રહ્યું છે. કચ્છના રણ વિસ્તારમાં અદાણીનાં મહાકાય કામો ચાલી રહ્યાં છે. આ મૂડીરોકાણથી 70 હજાર રોજગારીની તકો ઊભી થશે. આવાં આયોજન અને તેનાં સુરેખ અમલીકરણથી ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે એવો મોદીનો સંકલ્પ આશા જગાવનારો છે. વિરોધ પક્ષોએ પ્રથમ 100 દિવસનાં શાસનને નિષ્ફળ લેખાવીને પોતાનો ધર્મ નિભાવ્યો છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પેટ્રોલ-ડીઝલ પર ભારે કર લાદીને જનતાને લૂંટવાનો આરોપ લગાવ્યો છે. આમજનતાને ખડગેની આ વાત ગમે તેવી છે. દેશને આગળ વધારવા માટે સૌ નાગરિકોએ પોતાનું કર્તવ્ય નિભાવવું પડે. લોકો ઊંચા આવકવેરાથી લઇને ખરીદી, સેવા, આર્થિક વ્યવહાર.. ડગલે ને પગલે ઊંચો કર ભરી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલમાં તો ખૂબ ઊંચો વેરા દર છે.. મોદી સરકારે આ દિશામાં રાહત આપવા વિચારવું જોઇએ. સંસાધન ઊભાં કરવા માટે બીજા સ્રોત તરફ જોવું જોઇએ. સરકારી યોજનાઓનાં અમલીકરણમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરીને સંસાધનો બચાવી શકાય તેમ છે. આમ નાગરિકના, વ્યવસાયીઓનાં નાનાં - મોટાં કામ સુગમતાંથી થવાં ંજોઈએ. સારું કાર્ય વાતાવરણ બનશે તો તેનો ફાયદો દેશને થશે. વડાપ્રધાનને ત્રીજી મુદ્દતનાં શાસનના સફળ 100 દિવસ અને જન્મદિવસનાં અભિનંદન. 140 કરોડની જનતા તેમની વ્યવહારકુશળતા અને અણધાર્યાં પગલાં લેવાની કુનેહ પર મીટ માંડી બેઠી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang