ભુજ, તા. 25 : ભુજ સર્કલ ઓફિસના યજમાનપદે
19મી પીજીવીસીએલ ઈન્ટરસર્કલ ક્રિકેટ ટૂર્નામેન્ટ-2026નો પ્રારંભ તા. 24/10/2026ના સવારે પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ-ભુજ
ખાતે કરાયો હતો. આ ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કચ્છના પોલીસ અધીક્ષક વિકાસ
સુંડા, ભુજના ડીવાય.એસ.પી. એમ.જે. ક્રિશ્ચિયન તેમજ
કચ્છ ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું
પીજીવીસીએલના અધીક્ષક ઈજનેર જે.સી. ગોસ્વામી દ્વારા સ્વાગત અભિવાદન કરાયું હતું. ટૂર્નામેન્ટના
પ્રથમ દિવસે બે મેચ રમાઈ હતી, જેમાં પ્રથમ મેચ પોરબંદર સર્કલ
વિ. બોટાદ સર્કલ વચ્ચે રમાઈ હતી. પોરબંદર સર્કલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય
લીધો હતો. પોરબંદરની ટીમે નિયત 25 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 200 રનનો સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી બોટાદ
સર્કલની ટીમ 22.4 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 102 રન જ બનાવી શકી હતી. આમ, પોરબંદર સર્કલનો 98 રને વિજય થયો હતો. પોરબંદર
સર્કલના દિલીપ ખુટીએ 36 બોલમાં 47 રન તેમજ પાંચ ઓવરમાં 11 રન આપી બે વિકેટ મેળવી હતી.
બીજી મેચ મોરબી સર્કલ વિ. ભુજ સર્કલ વચ્ચે રમાઇ હતી,
જેમાં પ્રથમ બેટિંગ કરતાં મોરબી સર્કલની ટીમ 22.5 ઓવરમાં 153 રન બનાવી ઓલઆઉટ થઇ હતી. મોરબીએ
આપેલા લક્ષ્યાંકનો પીછો કરતાં ભુજ સર્કલની ટીમ 23.1 ઓવરમાં 129 રન બનાવી
ઓલઆઉટ થઇ ગઇ હતી, જેથી મોરબી
સર્કલનો 24 રને વિજય
થયો હતો. મોરબી સર્કલના નિખિલ મેરજાએ 23 બોલમાં 28 રન તેમજ 4.1 ઓવરમાં 117 રન આપી 4 વિકેટ ખેરવી હતી.