ગાંધીધામ, તા. 3 : દીપાવલિના તહેવારોમાં બજારોમાં ખરીદીની રોનક
વચ્ચે છૂટા નાણાંની અછત વેપારીઓ તેમજ ગ્રાહકો માટે અગવડતાનું કારણ ન બને તે હેતુથી
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એક રાહતલક્ષી પહેલ હાથ ધરવામાં આવી હતી. ચેમ્બર દ્વારા
હાલ ઉપલબ્ધ રૂા. 3,39,000ના
વિવિધ મૂલ્યના સિક્કાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ વિતરણમાં રૂા. 20ના કુલ રૂા. 1,50,000, રૂા. 5ના કુલ રૂા. 1,50,000 તથા રૂા. 1ના
કુલ રૂ. 39,000ના સિક્કાઓનો સમાવેશ થાય છે. આમ, કુલ રૂા. 3,39,000 ના સિક્કાઓ વેપારીઓ અને નાગરિકોને વિતરિત કરાયા
હતા. સિક્કાઓની માંગ વધુ હોવાના કારણે ચેમ્બર
દ્વારા વધુ જથ્થો ઉપલબ્ધ કરાવવા માટેના પ્રયાસો પણ ચાલુ રાખવામાં આવ્યા છે. ગાંધીધામ
ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, દીપાવલિનો તહેવાર વેપાર-વાણિજ્યની
દૃષ્ટિએ વર્ષનો અત્યંત મહત્ત્વનો સમયગાળો છે. આ સમયે બજારોમાં ખરીદીનું પ્રમાણ વધતું
હોય છે અને છૂટા નાણાંની ઉપલબ્ધતા વેપારીઓ તથા ગ્રાહકો બંને માટે અનિવાર્ય બને છે.
સિક્કાઓની તંગીને ધ્યાનમાં રાખીને ચેમ્બર દ્વારા સંબંધિત સ્તરે વધુ સિક્કાઓની માંગ
કરવામાં આવી હતી. ગાંધીધામ ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે,
તહેવારોના માહોલમાં નાની-નાની વ્યવહારિક સુવિધાઓ પણ વેપારની ગતિ અને
ગ્રાહકોના સંતોષમાં મહત્ત્વનો ફાળો આપે છે. છૂટા નાણાંના અભાવે ખરીદી કે વેચાણમાં વિઘ્ન
ન સર્જાય તે માટે ગાંધીધામ ચેમ્બરે ઉપલબ્ધ સિક્કાઓનું વ્યવસ્થિત વિતરણ હાથ ધર્યું છે.
અગાઉ પણ સમયાંતરે ચેમ્બર દ્વારા સિક્કાઓ તેમજ નાની ચલણી નોટોનાં વિતરણના કાર્યક્રમો
યોજીને વેપારી આલમને સહાયરૂપ થવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ સમગ્ર વિતરણ વ્યવસ્થામાં
ગાંધીધામ ચેમ્બરના ખજાનચી કૈલેશ ગોરની આગેવાનીમાં,
સભ્યો જગદીશ પટેલ અને રાજુભાઈ પંડયા તથા ચેમ્બરના સ્ટાફની ટીમે સહયોગ આપ્યો હતો.