• બુધવાર, 04 નવેમ્બર, 2026

રણોત્સવમાં દોડશે અત્યાધુનિક `વિસ્ટાડોમ કોચ'

ભુજ, તા. 3 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સંયુક્ત રીતે દેશની સૌપ્રથમ અત્યાધુનિક `એસી વિસ્ટાડોમ કોચ' (AC Vistadome Coach બસ સેવા શરૂ કરવામાં આવી છે, આ અત્યાધુનિક કોચ દિવાળી બાદ કચ્છના રણોત્સવ દરમ્યાન ધોરડો, ધોળાવીરા સહિતના પ્રવાસન સ્થળોએ દોડાવાય તેવી સંભાવના છે. આ ખાસ બસ સેવાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતાનગર) ખાતે કરવામાં આવ્યું હતું. આ લક્ઝરી પ્રવાસી બસનો મુખ્ય ઉદ્દેશ મુસાફરોને સફર દરમિયાન કુદરતી સૌંદર્ય અને ખુલ્લા આકાશનો અદ્ભુત નજારો પૂરો પાડવાનો છે. - વિસ્ટાડોમની સુવિધાઓ  : આ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ધરાવતી પ્રિમિયમ બસની કિંમત અંદાજે 2.19 કરોડ છે, જેમાં મુસાફરો માટે  બસની છત ગુંબજ આકારની (Dome-shaped) અને સંપૂર્ણ પારદર્શક કાચની બનેલી છે, જેથી એસી કેબિનમાં બેઠા-બેઠા જ મુસાફરો ખુલ્લા આકાશ અને આસપાસના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકે, આ લક્ઝરી બસમાં માત્ર 23 પ્રિમિયમ સીટ રાખવામાં આવી છે. આ સીટોને ચારેય તરફ (360 ડિગ્રી) ફેરવી શકાય છે (Revolving) અને ગમે તે રીતે એડજસ્ટ (Reclining) કરી શકાય છે, બસની અંદર પ્રિમિયમ LED સ્માર્ટ ટીવી, દરેક સીટ પર મોબાઈલ ચાર્જિંગ સુવિધા અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, મુસાફરો માટે બસની અંદર જ એક મિની રેફ્રિજરેટર (ફ્રિજ) અને ચા-કોફી બનાવવાનું ઓટોમેટિક મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, બસમાં એડવાન્સ ફાયર ડિટેક્શન (આગ સુરક્ષા) સિસ્ટમ અને કટોકટીના સમય માટે ઇમર્જન્સી હેમર સાથે મજબૂત ટફન ગ્લાસ વાપરવામાં આવ્યા છે, બસની બહારના ભાગ પર ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળો જેવા કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા, અડાલજની વાવ, ગીર નેશનલ પાર્ક અને કચ્છના ધોરડો રણના સુંદર ગ્રાફિક્સ ચિત્રિત કરવામાં આવ્યા છે. - વર્તમાન રૂટ (સ્ટેચ્યૂ ઓફ યુનિટી)  : હાલમાં નિગમ દ્વારા એકતાનગર (કેવડિયા) ખાતે `વિસ્ટાડોમ ટૂર પેકેજ' શરૂ કરવામાં આવ્યું છે. આ બસ એક `સર્ક્યુલર રૂટ' (રાઉન્ડ ટ્રીપ) પર ચાલે છે, જે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલા `પાર્કિંગ 1-શ્રેષ્ઠ ભારત ભવન'થી ઉપડે છે અને આસપાસના તમામ પ્રવાસન સ્થળોની સફર કરાવીને અંદાજે બે કલાકમાં પાછી ત્યાં જ આવી જાય છે. આ ટૂર પેકેજની ટિકિટની કિંમત 500 પ્રતિ વ્યક્તિ (GST  અલગથી) રાખવામાં આવી છે, જ્યારે કચ્છના રણોત્સવમાં 800 રૂપિયા ટિકિટ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રથમ તબક્કામાં મંજૂર થયેલી 5ાંચ બસમાંથી હાલ બે બસ કાર્યરત કરાઈ છે. આગામી સમયમાં બાકીની બસો સાથે આ સુવિધા કચ્છના રણોત્સવ(Rann Utsav)તેમજ ગુજરાતના અન્ય હેરિટેજ અને પ્રવાસન રૂટો પર પણ તબક્કાવાર શરૂ કરવામાં આવનાર છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd