ભુજ, તા. 1: માંડવી સાગરકાંઠે હિન્દુ સમાજના સ્મશાન માટે
10 લાખથી વધુની રકમ ફાળવાઈ હતી પરંતુ ત્યારબાદ
દિવાલનું કામ શરૂ હતું,
જે છેલ્લા 3 માસથી
બંધ છે. માંડવીના દીપક પ્રભુલાલ સોનીએ ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, માંડવી હિન્દુ સમાજ દ્વારા
અંતિમ સંસ્કાર કરવા હયાત સ્મશાન આગળ દરિયા કિનારે વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકા મુજબ
અંતિમ વિધિ કરાય છે. અંતિમ વિધિ બાદ અસ્થિનું વિસર્જન દરિયામાં વીર આવવાના કારણે થઈ
જતું હોય છે. તાજેતરમાં સ્મશાન પાસે અંતિમ વિધિ ચાલતી હતી ત્યારે ત્યાંથી ઘોડા,
ઉંટ, તેમજ બાઈક, જેમાં જોર-જોરથી
ફિલ્મી ગીતો વગાડી માત્ર દસ ફૂટના અંતરેથી પ્રવાસીઓની આવન-જાવન ચાલુ રહી હતી. તો વળી
પ્રવાસીઓ સેલ્ફી લેતા ફરતા હતા. એકબાજુ કોઈને સ્વજન ગયાનું દુ:ખ છે તો બીજી તરફ આ પ્રકારે
પ્રવાસીઓની અવર-જવર રહી હતી. આ બાબતે ધારાસભ્ય, પાલિકા પ્રમુખ,
ચીફ ઓફિસરને વખતો વખત રજૂઆતો કરાઈ છે. જેના અનુસંધાને માંડવી પાલિકા
તરફથી દસ લાખથી વધુની ગ્રાન્ટ ફાળવાઈ હતી. ત્યારબાદ દિવાલનું થોડુક કામ ચાલુ કરાયું
હતું અને છેલ્લા 3 મહિનાથી
આ કામ બંધ છે. હાલે માત્ર ફેન્સિંગ કરી ત્યાં હિન્દુ સ્મશાન છે તેવું બોર્ડ લગાવી દેવાય
તો સ્મશાન તરફ પ્રવાસીઓ આવતા બંધ થઈ જાય તેમ છે. સ્મશાનની દિવાલથી પવનચક્કી બાજુ જતા
ખુબ જ વિશાળ દરિયા કિનારો છે, જયાં પાયાની સુવિધાઓ ઉભી કરી બીચનો વિકાસ થાય તેમ છે,
આ માટે ધંધાર્થીઓ માટે અલગથી જગ્યા ફાળવવી જરૂરી છે. હયાત સ્મશાનમાં
પાલિકા દ્વારા અંતિમ સંસ્કાર માટે ગેસ આધારીત સુવિધા ઉભી કરાઈ છે પરંતુ તેનો મોટા ભાગે
ચોમાસામાં ઉપયોગ કરાય છે. બાકીના દિવસોએ દરિયા કિનારે જ અંતિમક્રિયા કરાય છે.