• સોમવાર, 02 નવેમ્બર, 2026

દુષ્કાળ યોજનાના અમલ માટે તંત્ર પરિપત્રની રાહમાં

ભુજ, તા. 1 : કચ્છમાં આ વર્ષે ચોમાસાંમાં અપૂરતો વરસાદ વરસતાં આઠ વર્ષ બાદ દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે. રાજ્ય સરકારે કચ્છ સહિત ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, ત્યારે દુષ્કાળ રાહત કામોની અમલવારીમાં વિલંબની સ્થિતિ સર્જાઇ છે. રાજ્ય સરકારે પહેલી નવેમ્બરથી આ તમામ રાહતોનો અમલ શરૂ થશે તેવી જાહેરાત કરી હતી, પણ હજુ સુધી પરિપત્ર જાહેર ન થતાં તંત્રવાહકો અસમંજસમાં મુકાયા છે. કલેક્ટર અનિલ રાણાવસિયાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, આ વર્ષે અપૂરતી મેઘવૃષ્ટિનાં કારણે આમેય તંત્ર દ્વારા બે રૂપિયે રાહતભાવે ઘાસનું વિતરણ અગાઉથી શરૂ કરી દેવાયું હતું, હવે જ્યારે દુષ્કાળની જાહેરાત થઇ ચૂકી છે, ત્યારે પરિપત્રમાં સરકાર કેવા પ્રકારની માર્ગદર્શિકા બહાર પાડે છે તેના ઉપર આગળની કામગીરીનો મદાર રહેવાનો છે. રાજ્ય સરકારે ખેડૂતોને પ્રતિ બે હેક્ટરની મર્યાદામાં 8500ની ખેડૂત સહાય તો પશુ દીઠ દૈનિક 80 રૂા.ની સહાય તેમજ જી રામ જી યોજના હેઠળ 150 માનવદિન રોજગારી આપવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ સહાય કઈ પાત્રતાના આધારો અપાશે તેની માર્ગદર્શિકા આપવામાં આવી ન હોવાના કારણે હાલ તો તંત્રવાહકો પરિપત્રની રાહ જોઇ રહ્યા છે. સત્તાવાર વર્તુળોના મતે સંભવત: દિવાળી પહેલાં પરિપત્ર આવી જશે અને દુષ્કાળ રાહત યોજનાનો અમલ શરૂ થઇ જશે તેવું હાલના તબક્કે દેખાઇ  રહ્યું છે. નોંધનીય છે કે, ખેડૂતોને પશુસહાયને લઇ અસંતોષ જોવા મળી રહ્યો છે, વળી આ તમામ રાહતો એસડીઆરએફમાંથી બે મહિના માટે મળવાની છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd