વિશ્વનાથ
જોશી દ્વારા : દયાપર
(તા. લખપત), તા. 1 : રાજ્ય
સરકાર દ્વારા મોડે મોડે અછત જાહેર કરાઇ છે અને સરકારી રાહતદરે ઘાસ આપવાની પણ જાહેરાત
થઇ છતાં લખપત તાલુકાના માલધારીઓની હિજરત વણથંભી ચાલુ છે. હાલમાં ભેખડા-ચામરામાંથી ત્રણ
ટ્રક પશુની ભરાઇ રવાના થઇ છે. રાહતદરે ઘાસ તો મળશે પણ ક્યારે ? તે મોટો પ્રશ્ન છે. માલધારીઓ
કહે છે કે, સરકારે જાહેરાત કરી, પણ ઘાસનો
જથ્થો આવશે ક્યારે ? તાલુકાના ડેપોમાં તો ઘાસ નથી. વાપી,
વલસાડથી ઘાસ આવે, આપવાનું ચાલુ થાય તેમાં સમય લાગી
જાય. પશુઓને તો રોજ ખાવા જોઇએ...! ભેખડાના અગ્રણી આરબ જતએ કચ્છમિત્ર સાથે વાત કરતાં કહ્યું હતું કે, આજે જ ત્રણ
ટ્રક પશુઓની ભરાઇને સુરેન્દ્રનગર બાજુ ગઇ છે. માલવણ પાસે પણ હવે ઘાસ નથી. સ્થાનિક સેવાભાવીઓ
પાણી, રહેવાની વ્યવસ્થા કરી આપે છે, પણ
ઘાસ ત્યાંય નથી. પોતે થોડા દિવસ પહેલાં સ્થળ પર ગયેલ, મચ્છરોનો
પણ ભારે ત્રાસ છે. પશુઓ બેસી શકતા નથી, એટલા મોટા કદના મચ્છર
છે. માલવણની સીમમાં ઘાસ ખૂટતાં તેથી આગળ 60 કિ.મી. દૂર જવાની જરૂર પડી છે. અમુક માલધારીઓએ અમદાવાદથી
77 કિ.મી. આગળ ધામા નાખ્યા છે. હિજરત કરી ગયેલા
પશુપાલકો રોજ ફોન કરી પૂછે છે, પાંજે તાલુકે મેં ઘા જો વિતરણ ચાલુ થ્યો ? પાનધ્રો-સુભાષપર વિસ્તારના પશુપાલકો પણ સુરેન્દ્રનગર બાજુ પહોંચ્યા છે. ચામરા
ગામમાંથી બુધવારના ચાર ટ્રક પશુઓની ભરાઇ અમદાવાદ બાજુ રવાની થઇ છે. - પાણી સમસ્યા : ભેખડા, ચામરા, ચકરાઇ વિસ્તારમાં વારંવાર રજૂઆતો
કર્યા પછી પણ પીવાનાં પાણીની વ્યવસ્થા થઇ નથી.
ક્યારેક જીએમડીસી ટેન્કર મોકલાવે, પરંતુ માનવ અને પશુની સંખ્યા
જોતાં પાણી પૂરું થતું નથી. મંત્રીઓ પ્રવચનમાં છ હજાર કરોડની ગ્રાન્ટ પાણી માટે મંજૂર
થઇ હોવાનું કહે છે, પણ પાણી પીવા મળે ત્યારે સાચું. વરસાદ નહીંવત
પડતાં ડેમ-તળાવોમાં પાણી પીવાલાયક રહ્યું નથી. - પશુ દવાખાનું 105 ગામ વચ્ચે એક : લખપત તાલુકાના 105 ગામડાં
છે. માનવથી પશુઓની સંખ્યા વધારે છે, ત્યારે પશુઓની પૂરી સંભાળ લેવાતી નથી. માલધારીઓ કહે છે,
સામાન્ય દવા તો અમે પણ જાણતા હોઇ કરી નાખીએ છીએ, પણ ખાસ કિસ્સામાં તબીબ અહીં સુધી આવતા નથી. ભેંસની પ્રસૂતિમાં ઘણા બનાવ એવા
બન્યા છે કે અશક્તિનાં કારણે અડધું બાળ બહાર આવતાં મૃત્યુ પામે છે. દયાપર ખાતે પશુ
ચિકિત્સક રવિરાજ પ્રજાપતિનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, બે મહિના પહેલાં ભેખડા, ચામરા વિઝિટ કરી હતી. માલધારીઓ
કહે છે વિઝિટ અને દવાના પૈસા લઇ લેવાય છે તે સાચું છે ? તેવા
પ્રશ્નના જવાબમાં પશુ ચિકિત્સકએ કહ્યું હતું કે, ખાનગી તબીબો અમારી સાથે કેમ્પમાં આવતા હોય છે, જ્યારે તેમને પશુપાલકો બોલાવે તો ચાર્જ લે છે. અમે કોઇ ચાર્જ લેતા નથી. પહેલાં
ફરતું પશુ દવાખાનું હતું. તે ગાંધીનગરથી વહીવટ
ચાલતો, તેમના વહીવટ અંગે કોઇ ખબર નથી. જો કે, આ ફરતું પશુ દવાખાનું પણ બંધ થઇ ગયું છે. 92,000 જેટલા પશુ છે, ત્યારે કેમ્પમાં ત્રણ જણનો
સ્ટાફ મોટાપાયે રસીકરણ ન કરી શકે, ત્યારે ખાનગી તબીબોની સહાયથી
કેમ્પ કરાય છે. દવાખાનાં દ્વારા કોઇ ચાર્જ લેવાતો નથી, તેવી સ્પષ્ટતા
આ પશુ ચિકિત્સકે કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, 92,000 પશુની સામે એક ચિકિત્સક શું કરી શકે, ફરતું પશુ દવાખાનું ફરીથી ચાલુ
કરવું જોઇએ, જેથી માલધારીઓને સુવિધા મળે. લખપત તાલુકાનાં ઘણા
ગામોમાં પશુપાલકોએ ઘાસચારો ન હોતાં છૂટા મૂકી દીધા છે. મોટાભાગના હાઇ-વે, બસ સ્ટેશન, શેરીઓમાં પશુઓએ અડિંગો જમાવ્યો છે. દૂધ પીધા
પછી જ્યારે દુષ્કાળ આવ્યો ત્યારે દગો દેનાર પશુપાલકો પણ એટલા જ જવાબદાર છે,
જ્યારે આ પશુઓ દૂધ આપતા ત્યારે તેના દૂધ વેચી ઘર ચલાવતાં અને હવે છૂટા
મૂકી દેતા આ પશુઓ પ્લાસ્ટિક ખાઇ રહ્યા છે. ખરેખર છૂટક પશુઓના માલિકો પશુઓને ગૌશાળામાં
છોડી દે તો પણ પશુ સુખી થાય, પરંતુ સામાન્ય ટ્રાન્સપોર્ટનો ખર્ચ
કરવા પણ સ્વાર્થી લોકો તૈયાર નથી... દુષ્કાળના દિવસોએ ભલભલાની કસોટી કરી લીધી છે.