મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 21: દેશની શાન ગણાતા કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં આવેલી વિવિધ
કંપનીઓ પૈકી અમુક કંપનીઓમાં કામ કરતા ગરીબ શ્રમિકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. સેઝ
વિસ્તારમાં કાર્યરત આવી અમુક કંપનીઓમાં કાયદાકીય નિયમોનું કોઈ જ પાલન ન થતું હોવાની
અને શ્રમિકોનું આર્થિક, શારીરિક શોષણ
થતું હોવાની ગંભીર ફરિયાદો સપાટી ઉપર આવી છે. આવી અમુક કંપનીઓ મજૂરોના શોષણનો ટોર્ચર
બોમ્બ સમાન હોવાનું ગણાવાઈ રહી છે. અહીંના કાસેઝમાં આવેલી અમુક કંપનીઓ સરકારી ચોપડે
લાખો, કરોડોનો ટર્નઓવર બતાવતી આ કંપનીઓ પાછળ ખુલ્લેઆમ કાયદાના
ધજાગરા ઉડી રહ્યાં હોવાનું જાણવા મળે છે. - સુરક્ષાના સાધનોનો અભાવ : કાસેઝની અમુક
કંપનીઓમાં રાત-દિવસ જીવના જોખમે કામ કરતા મજુરો માટે પાયાના સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં
આવતા નથી. શ્રમિકોને માસ્ક, સેફ્ટી શુઝ,
સેફ્ટી બેલ્ટ, આઈ ગોગલ્સ (ચશ્મા) જેવા જરૂરી સુરક્ષાના
સાધનો ન અપાતા હોવાની ફરિયાદ ઉઠી છે. - અકસ્માત વેળાએ પ્રાથમિક સારવાર પણ મળતી નથી : કાસેઝમાં આવેલી અમુક કંપનીઓમાં પડી જવાના
કે આગ લાગવાના બનાવો સમયાંતરે બનતા આવ્યા છે. હજારોની સંખ્યામાં શ્રમિકો અહીં દિવસ
રાત કામ કરતા હોય છે. આવો કોઈ અકસ્માત થાય તો રક્ત ત્રાવ રોકવા ફર્સ્ટ એઈડ બોક્સનો
પાટો પણ હાજર રખાતો નથી. બીજી બાજુ કાસેઝની હોસ્પિટલમાં વર્ષોથી એક જ તબિબ હોય છે.
જે પણ સાંજ સુધી રહેતા હોય છે. રાતના સમયે જો કોઈ આપાતકાલિન સ્થિતિ ઉભી થા ય તો સ્થાનિકે
કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી હોતી અને ઘવાયેલા, પિડીત લોકોને ન છુટકે ગાંધીધામ, આદિપુરની હોસ્પિટલોમાં
લઈ જવાતા હોય છે. - આર્થિક શોષણ
અને પાયાના હક્કો પર ત્રાપ : કામદારોને તેમનો વ્યાજબી હક્ક આપવાના બદલે
ભારે આર્થિક શોષણ કરવામાં આવી રહ્યો હોવાનો ગણગણાટ પણ શ્રમિકોમાં છે. અગાઉ આજ મુદ્દે
અમુક કંપનીના કામદારોએ હડતાલ સુદ્ધા કરી હતી અને લડત પણ ચલાવી હતી જે પૈકીના કામદારોને
જે-તે વખતે છુટા કરી દેવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. અમુક કંપનીઓમાં શ્રમિકોને
પુરતો પગાર પણ આપવામાં આવતો નથી. કાયદા મુજબ મળવા પાત્ર પીએફ સ્કીમ અને ઓવરટાઈમનું
ચુકવણું ન કરીને શ્રમિકોના લોહી ચુસણા કરવામાં આવતા હોવાના આક્ષેપ છે. અમુક કંપનીઓમાં
પાયાની સુવિધા પિવાનું પાણી કે શૌચાલયની સુવિધા
પણ નથી
જેના કારણે મહિલાઓને ભારે હાલાકી ભોગવવાનો
વારો આવે છે. - ખરાબ વાતાવરણમાં કામ કરવા શ્રમિકો
મજબૂર : કાસેઝમાં વાતાવરણ ખરાબ બન્યું છે. હાલમાં
અમુક કંપનીઓ સામે લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ ગાંધીધામમાં ગેસ જેવી કે અન્ય
અત્યંત દુર્ગંધ મારતી વાંસ પણ આવી અમુક કંપનીઓમાંથી જ આપતી હોવાનું જાણકારોએ કહ્યું
હતું. આવા ખરાબ વાતાવરણ વચ્ચે શ્રમિકો કામ કરવા મજબુર બનતા હોય છે. જેનાથી તેમના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો હોય છે. કંપનીઓમાં કામ કરનારા શ્રમિકો મોટા ભાગના પરપ્રાંતીય
હોવાથી તેનો લાભ લઈને અમુક કંપનીઓ તેમના લોહી ચુસણા કરતી હોવાના પણ આક્ષેપ છે. આવી
અમુક કંપનીઓમાં શ્રમ અધિકારીઓ ક્યારેય ફરકતાં જ નથી જેના કારણે કંપનીઓ બેફામ બની હોવાનું
જણાય છે. અહીં સરકારી નિયમોની કોઈ જ અમરવારી થતી નથી અને મધપુડામાંથી મધ પાડવાનો ખુલ્લો
ખેલ ચાલી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો શ્રમિકો કરી રહ્યાં છે. કંપનીઓમાં કામ કરતા શ્રમિકોની
ગેટ પર કડક તપાસ કરવામાં આવે છે. જ્યારે ભેજાબાજો
કરોડોનો ગોટાળો કરીને ઓહીંયા પણ કરતા નથી. તંત્રની આંખ નીચે જ આ તમામ ખેલ કરાતો હોવાના
પણ આક્ષેપ કરાયા હતા. શ્રમિકોને થતાં અન્યાયના આવા બનાવોમાં ન્યાય અપાય અને તમામ સુવિધાઓ
પુરી
પાડવામાં આવે તેવી માંગ મજુરોમાં ઉઠી છે. - કાસેઝનાં અધિકારીઓએ ફોન ન ઉંચકતા તેમનો પક્ષ જાણી ન શકાયો : શ્રમિકોની આ સમસ્યા અંગે કાસેઝના અધિકારીઓ, જન સંપર્ક અધિકારીનો સંપર્ક કરાતા તેમણે ફોન
ન ઊચક્તા આ સમસ્યા અંગે કાસેઝનો પક્ષ જાણી શકાયો ન હતો. અલબત અમુક કર્મીઓએ અમુક કંપનીઓમાં
સુવિધાઓનો અભાવ હોવાનું છુપી રીતે સ્વીકાર
કર્યો હતો.