મુંદરા, તા. 30 : આજના ઝડપી અને તણાવભર્યાં જીવનમાં
શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સુખાકારીની દિશામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા
તાલુકામાં વેલનેસ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ હાઈસ્કૂલો અને ગામોની બહેનો સાથે
જાગૃતિ સત્ર યોજાઈ રહ્યા છે. આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં 2500થી વધુ વિદ્યાર્થી અને બહેનો
જોડાઈ ચૂક્યા છે. આ સત્રોમાં ધ્યાન, શ્વાસ પર એકાગ્રતા, સકારાત્મક વિચારસરણી, તણાવ ઘટાડવાના વ્યવહારુ ઉપાયો, પોતાની ઊર્જા વધારવા અને
ખુશહાલ જીવન જીવવા અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવે છે. આ કાર્યક્રમનું મહત્ત્વનું
પરિણામ એ છે કે, હવે વિદ્યાર્થીઓની વોલિન્ટિયર ટીમ તૈયાર થઈ રહી
છે. વિદ્યાર્થીઓ દ્વારા સેશનમાં શીખેલી બાબતોને પોતાનાં જીવનમાં અમલમાં મૂકવાની સાથે
પરિવાર અને ઘરમાં પણ તેનો અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં ડો.
આર્યવ્રત દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સકારાત્મક અભિગમ અને પોતાની સાથે
પરિવારના વેલનેસ માટે જવાબદારીની ભાવના વિકસે તે દિશામાં માર્ગદર્શન આપવામાં આવે છે.
અદાણી ફાઉન્ડેશન દ્વારા આગામી તબક્કામાં મુંદરા તાલુકાના વધુમાં વધુ ગામો, શાળાઓ અને પરિવારો સુધી પહોંચીને વેલનેસ, માનસિક સુખાકારી
અને સકારાત્મક જીવનશૈલીનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ રાખવામાં આવ્યો છે.