• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

ભુજમાં નવા-નવા માર્ગો શોધતા લારી-ગલ્લારૂપી દબાણો

ભુજ, તા. 25 : નગરપાલિકાની દબાણહટાવ ઝુંબેશ બાદ અનેક ધંધાર્થીઓએ ભુજમાં નવી-નવી જગ્યા, માર્ગો ગોતી ફરી દબાણ કર્યાં છે. આવો જ એક રસ્તો શ્યામજી કૃષ્ણવર્મા હાઇટ્સથી ત્રિમંદિર સુધીનો છે. આ માર્ગે કૂંડાં, ફૂલ-ઝાડ, શાકભાજીના ધંધાર્થીઓએ તથા લારી-ગલ્લાવાળાઓએ દબાણો કરતાં વિવિધ કોલોનીઓના રહેવાસીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઊઠી છે. ભુજમાં જાહેર માર્ગો અને ફૂટપાથ પર સુધરાઇ દ્વારા દબાણહટાવ ઝુંબેશ હાથ ધરાયા બાદ અમુક ધંધાર્થીએ વેચાતી દુકાનો લઇ લીધી, તો અમુકે પહેલેથી જ દુકાન ખરીદી રાખી ભાડે આપી હતી, ત્યાં ચાલ્યા ગયા તો અમુક માર્ગ પરના નાના ધંધાર્થીઓએ હવે અન્ય માર્ગો-ફૂટપાથ પર ડેરા-તંબુ તાણ્યા છે. જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર હવે ધંધાર્થીઓ શ્યામજી કૃષ્ણવર્મા હાઇટ્સથી ત્રિમંદિર માર્ગ નજરાવ્યો છે. ખાસ કરીને રઘુવંશી ચાર રસ્તાથી ત્રિમંદિર જતા માર્ગે કોલોનીઓની દીવાલના ઓઠે ફુલ-ઝાડ, કૂંડાં, શાકભાજીની લારીઓ સહિતના ધંધાર્થીઓ ગોઠવાઇ રહ્યા છે, તો અનેક કેબિનો પણ માર્ગની બાજુએ ગોઠવાઇ ગઇ છે. દિવસાદિવસ આવા દબાણોની સંખ્યા વધતાં કોલોનીઓના રહેવાસીઓએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે, થોડા સમય બાદ રહેવાસીઓને ટ્રાફિક સમસ્યાનો રોજિંદો સામનો કરવો પડે છે. ભુજમાં વ્યાપક પ્રમાણમાં દબાણો હજુ મોજૂદ છે. સુધરાઇ દ્વારા માત્ર ત્રણ-ચાર સ્થળ જ દબાણમુક્ત કરાવાયા છે, તેમાં પણ અનેક ધંધાર્થીઓ ફરીને એ જ સ્થળે ગોઠવાઇ ગયા છે. અમુક ધંધાર્થીએ ફૂડકાર્ટ અથવા તો હંગામી ધોરણે ધંધો શરૂ કરી દીધો છે, જેથી સમસ્યા ફરી જૂનું રૂપ ધારણ કરી રહી છે. - દુકાન ખરીદી એટલે ફુટપાથ પર અઘાટ હક્ક મળી જાય ? : બસ સ્ટેશન, છઠ્ઠીબારી રિંગરોડ સહિત ભુજમાં તમામ સ્થળોએ માર્ગો પર ધંધાર્થીઓએ દુકાન ખરીદી છે. તમામ ધંધાર્થીઓએ દુકાન આગળની ફૂટપાથ પર દબાણ કરી લીધું છે. ખાસ કરીને નાસ્તાની દુકાન ધરાવનારાઓએ દુકાન સાથે ફુટફાથ પણ ખરીદી લીધી હોય તેવો તાલ છે. આવા ધંધાર્થીઓઁ સાથે કલેક્ટર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઊઠી છે. - ટ્રાફિક પોલીસની કડક ઝુંબેશ પણ જરૂરી : ભુજમાં ટ્રાફિક અવેરનેશ માટે પોલીસ તંત્ર દ્વારા અનેક કાર્યક્રમે યોજે છે, પણ ભુજમાં આ બાબતે લોકો તસુભાર જાગૃત થતા નથી અને ટ્રાફિકના નિયમો પણ સ્વીકારતા નથી. આડેધડ મનફાવે ત્યાં વાહનો ઊભા રાખી દેવાં સામાન્ય બની ગયું છે. ભુજમાં પાર્કિંગની જગ્યા નથી, ત્યારે માર્ગો પર વટથી ગોઠવાતા ધંધાર્થીઓ સામે ટ્રાફિક પોલીસની ધાક બેસાડતી કાર્યવાહી પણ હવે જરૂરી બની હોવાનું જાગૃત નાગરિકો કહી રહ્યા છે. માત્ર મેગાસિટીમાં જ ટ્રાફિક કડક બને એવું જરૂરી તો નથી. શહેરજનો ટ્રાફિક સમસ્યાથી પીડાઇ રહ્યા છે, ત્યારે હવે આ પ્રશ્નમાંથી પોલીસ લોકોને છોડાવે તેવી લોકમાંગ ઊઠી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd