ગાંધીધામ, તા. 25 : રેલવે દ્વારા કચ્છને પ્રથમ નમો ભારત રેપિડ રેલની ભેટ અપાઈ હતી અને તાજેતરમાં દિલ્હીની બે ટ્રેનની સુવિધા શરૂ કરવામાં
આવી છે, ત્યારે લાંબા સમયથી ઉત્તરભારતને જોડતી ટ્રેન દોડાવવાની માંગ હતી
તે પૂર્ણ થઈ છે. રેલવે મંત્રાલય દ્વારા બિહાર અને ઉત્તરપ્રદેશને સાંકળતી કચ્છની પ્રથમ અમૃતભારત ટ્રેન સેવાને શરૂ
કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન સેવાની જાહેરાત થતાં કચ્છને કર્મભૂમિ બનાવનારા
હજારો શ્રમિકમાં આનંદની લાગણી પ્રસરી છે. રેલવેના
સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભારતીય રેલવેએ ગુજરાતના ભુજ અને બિહારના બરૌની
વચ્ચે નવી ત્રિ-સાપ્તાહિક અમૃતભારત એક્સપ્રેસ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ નવી સેવા
ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારનાં
મહત્ત્વનાં સ્થળોને જોડતી આ ટ્રેન 2,532 કિ.મી.નો
રૂટ આવરી લેશે. ટ્રેન નં. 19427 ભુજ-બરૌની
અમૃતભારત એક્સપ્રેસ ભુજથી 5:30 વાગ્યે ઉપડશે
અને 04:05 વાગ્યે બરૌની પહોંચશે. વળતી
દિશામાં, ટ્રેન નં. 19428 બરૌની-ભુજ અમૃતભારત એક્સપ્રેસ
બરૌનીથી 11:55 વાગ્યે ઉપડશે અને 1:15 વાગ્યે ભુજ પહોંચશે. બંને દિશામાં
આ ટ્રેન સામખિયાળી, અમદાવાદ,
રતલામ, કોટા, સવાઈ માધોપુર,
ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા,
હાથરસ, બરેલી, ઇજ્જતનગર,
પિલીભીત, લખીમપુર, ગોંડા,
ગોરખપુર, સિવાન, છાપરા,
હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સહિત અનેક મહત્ત્વનાં
સ્ટેશનો પર વ્યવસાયિક સ્ટોપેજ ધરાવશે. ભુજ-બરૌની સોમ, બુધ અને શનિવારે ચાલશે,
જ્યારે બરૌની-ભુજ સેવા મંગળ, ગુરુ અને શનિવારે
ચાલશે. આ નવી ટ્રેન સેવા દેશના પશ્ચિમ અને પૂર્વ ભાગો વચ્ચે રેલ મુસાફરીનો વધારાનો
વિકલ્પ પૂરો પાડશે અને ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહાર વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે કનેક્ટિવિટીમાં સુધારો
કરશે. વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ
કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ અને માનદમંત્રી મહેશ તીર્થાણીએ આનંદની
લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઉત્તરભારતની ટ્રેન સેવા શરૂ કરવા માટે ચેમ્બર દ્વારા સતત રજૂઆતો
કરવામાં આવી રહી હતી. આ ટ્રેન શરૂ થવાથી કંડલા અને મુંદરા
બંદર ખાતે તેમજ કચ્છમાં અન્યત્ર કામ કરતા હજારો શ્રમિકને વતન સુધી પહોંચવામાં
એક સારી સુવિધા મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. દરમ્યાન ટ્રેનની સમયસારણી અને સ્ટોપેજ
જાહેર થયા છે, પરંતુ
ક્યારથી આ સેવા શરૂ થશે તે હજુ સુધી
નક્કી થયું નથી.