મુંદરા, તા. 7 : અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ
ઇકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ) દ્વારા સંચાલિત મુંદરા પોર્ટે ઓગસ્ટ-2026 દરમિયાન અનેક ઓપરેશનલ સિદ્ધિઓ
હાંસલ કરી નવી ઉદ્યોગસાહસિક સિદ્ધિઓ સર્જી છે. મુંદરા પોર્ટે અત્યાર સુધીનો સર્વોચ્ચ
18.60 મિલિયન મેટ્રિક ટન માસિક કાર્ગો
થ્રૂપુટ નોંધાવ્યો. આ સાથે જ પોર્ટે ઓગસ્ટ મહિનામાં 8,19,046 ટીઈયુ કન્ટેનર હેન્ડલ કરીને અત્યાર સુધીનો સૌથી વધુ માસિક
કન્ટેનર થ્રૂપુટ નોંધાવ્યો.
રેલવે કામગીરીમાં પણ વિક્રમ
મુંદરા પોર્ટના રેલ લોજિસ્ટિક્સ નેટવર્કે પણ ઓગસ્ટ મહિનામાં
અનેક મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ નોંધાવી, જેના કારણે હિન્ટરલેન્ડ કનેક્ટિવિટી અને કાર્ગો ઇવેક્યુએશન ક્ષમતામાં વધુ વધારો
થયો છે. 29 ઓગસ્ટ-2026ના મુંદરા પોર્ટે એક જ દિવસમાં 63 કન્ટેનર રેક્સ મારફતે 7712 ટીઈયુ હેન્ડલ કરીને અત્યાર સુધીનું સર્વોચ્ચ દૈનિક કન્ટેનર
રેલ વોલ્યુમ નોંધાવ્યું, તેમાં 3476 ટીઈયુ નિકાસ અને 4244 ટીઈયુ આયાત કાર્ગોનો
સમાવેશ થાય છે. આ સિદ્ધિએ 26 જુલાઈ-2025ના નોંધાયેલા 7332 ટીઈયુના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો. તે જ દિવસે પોર્ટે
31 ટ્રેન મારફતે 4244 આયાત ટીઈયુ હેન્ડલ કરીને એક જ દિવસમાં સૌથી વધુ આયાત કન્ટેનર
હેન્ડાલિંગનો પણ નવો રેકોર્ડ સ્થાપ્યો. આ અગાઉ 26 જુલાઈ-2025ના 32 રેક્સ દ્વારા નોંધાયેલા 3992 ટીઈયુના રેકોર્ડ કરતાં વધુ
છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણથી વધશે ક્ષમતા
અન્ય એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિરૂપે 1 ઓગસ્ટ-2026ના મુંદરા પોર્ટના આર. એન્ડ ડી. યાર્ડની લાઇન નંબર 12 અને 13 ઉપરથી પ્રથમ લાંબા અંતરની ટ્રેનનું
સફળ સંચાલન કરવામાં આવ્યું. આર. એન્ડ ડી. યાર્ડમાં લાઇન નંબર 12 અને 13ના વિસ્તરણથી ટ્રેન હેન્ડાલિંગ ક્ષમતામાં
નોંધપાત્ર વધારો થશે તેમજ ટ્રેનોના ટર્નઅરાઉન્ડ સમયમાં ઘટાડો થશે. પરિણામે કામગીરી
વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે તથા ગ્રાહકોને વધુ ઉત્તમ સેવાઓ પ્રદાન કરી શકાશે. આ તમામ
સિદ્ધિઓ મુંદરા પોર્ટને ભારતના વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના મહત્ત્વપૂર્ણ એન્જિન
તરીકે વધુ મજબૂત બનાવે છે તેમજ ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચારિંગ અને લોજિસ્ટિક્સ હબ
બનાવવા માટેના દેશના વિઝનને આગળ ધપાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.