• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

દુકાળના ઓછાયા વચ્ચે પ્રશાસને રેલવે રેકની કરી તૈયારીઓ

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 7 : હવે શ્રાવણ પણ વિદાય લઈ રહ્યો છે ને કચ્છમાં ક્યાંય વરસાદના વાવડ મળી નથી રહ્યા, ત્યારે સંભવિત દુકાળના ડાકલા વાગી રહ્યા છે, તેની વચ્ચે ફરી કચ્છમાં આઠ વર્ષ પછી અછત મંડરાય છે અને આવનારી ગંભીર સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. રાહતના સમાચાર એ છે કે, ઘાસનો જથ્થો છેક નલિયા સુધી રેલવેની રેક મારફતે પહોંચાડવા અધિકારીઓએ રેલવે સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. બીજી બાજુ પોતાના માલને બચાવવા માલધારીઓએ કચ્છમાંથી પશુઓને લઈ હિજરતનો દોર શરૂ કર્યો છે.

ઘાસની માંગ વધી

રાપર સિવાય કચ્છના અમુક ભાગોમાં વાવણીલાયક વરસાદ થયો હોવાથી ખેડૂતોએ વાવણી તો કરી લીધી, પરંતુ ત્યારબાદ વરસાદનો છાંટો નહીં પડતાં પેદાશ સૂકાય છે ને પશુધનને ચરવા સીમાડામાં ચરિયાણ પણ સૂકાઈ જતાં હવે ગામે-ગામમાંથી ઘાસની માંગ ઊઠી છે.

બાવન ડેપો શરૂ

કચ્છમાં ઘાસ ડેપો શરૂ કરાયા છે કે નહીં એ જાણવા કલેક્ટર અનિલ રાણાવસિયા અને અધિક કલેક્ટર પ્રણવ વિઠાણીનો સંપર્ક સાધતાં તેઓએ કહ્યું કે, આવતીકાલે કચ્છના નવા આઠ ઘાસ ડેપો શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી બાવન ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં બે રૂપિયે કિલો કચ્છના વનતંત્ર દ્વારા ઉત્પાદન કરાયેલા ઘાસનું વિતરણ ચાલુ છે.

16.37 લાખ કિલો

અત્યાર સુધી ઘાસનું કેટલું વેચાણ કરાયું એ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું કે, 16,37,242 કિલો ઘાસનું વિતરણ કરી દેવાયું છે અને જ્યાં માંગ આવે છે ત્યાં ઘાસ વિતરણ ચાલુ કરી દેવામાં આવે છે અને નવા ડેપો પણ શરૂ કરાય છે.

તમામ પ્રાંતને જવાબદારી

તાત્કાલિક ધોરણે ઘાસની માંગને ધ્યાને લઈ કચ્છના તમામ પ્રાંત અધિકારીઓને સત્તા સોંપવામાં આવી છે. માગણી મુજબ નવા ડેપો શરૂ કરી ઘાસનો જથ્થો રવાના કરવામાં આવે છે.

રેલવેની રેક મગાવાશે

કલેક્ટર રાણાવસિયાના જણાવ્યા પ્રમાણે અત્યારે કચ્છમાં જે સ્થાનિકનો જથ્થો ઉપલબ્ધ છે તે વિતરીત કરાયા બાદ નજીકના જિલ્લાઓમાંથી ઘાસ મગાવવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી મગાવવા માટે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને વલસાડ કે દૂરના જિલ્લાઓમાંથી ભૂતકાળમાં પણ કચ્છમાં ઘાસનો જથ્થો મગાવવામાં આવ્યો છે. એ રીતે રેલવેની ખાસ રેક આવે તે રીતે રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ છે.

કુકમા અને નલિયા

રેલવેની રેક ક્યાં ઠાલવશે આ સવાલ સામે તેમણે જણાવ્યું કે, ભુજ, ગાંધીધામ સહિતના વિસ્તારો માટે કુકમા રેલવે યાર્ડમાં જથ્થો ભરી ત્યાંથી ટ્રક મારફતે વિતરણ વ્યવસ્થા તેમજ અબડાસા, લખપત જેવા વિસ્તારોમાં જથ્થો પહોંચાડવા હવે નલિયા ખાતે રેક પહોંચાડી શકે છે. રેક નલિયા સુધી પહોંચે તો ત્યાંથી અબડાસા, લખપત, નખત્રાણા અને માંડવી તાલુકામાં ટ્રકો મારફતે ઘાસ સરળતાથી પહોંચી શકે છે. આવી વ્યવસ્થા ગોઠવવા અધિકારીઓએ સંયુક્ત પરામર્શ કર્યો છે, એમ કલેક્ટરે જણાવ્યું હતું.

હિજરત શરૂ થાય છે

લખપત તાલુકાના અમુક ગામોમાંથી પશુપાલકોએ પોતાની ગાયો-ભેંસોને લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં હિજરત કરવાની તૈયારી આદરી છે. બીજી બાજુ પચ્છમમાંથી કાઠિયાવાડ તરફ ગાયોને લઈ ઢોરોના ત્યાં પડાવ લગાવી બચાવવાનો પ્રયાસ કરાશે અને આવું ખુદ માલધારીઓએ જણાવ્યું છે. આ વાત સાંભળી કલેક્ટર પણ ચોંકી ઊઠયા હતા અને તેમણે અધિકારીઓને આ બાબતે સૂચના પણ આપી હતી. અછત સમિતિ રચાઈ સરકારે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ડી.ડી.ઓ., પ્રાંત, બન્ને અધિક કલેક્ટર, આર.ટી.ઓ., વનતંત્રના અધિકારીઓની સંયુક્ત અછત સમિતિ સરકારે બનાવી છે અને અછત માટે જે નિર્ણય લેવા હોય તે બાબતે સત્તા પણ સ્થાનિકે આપી હોવાનું જણાવ્યું હતું.

Panchang

dd