હેતલ પટેલ દ્વારા : ભુજ, તા. 19 : શ્રાવણી માસની પૂર્ણિમાએ ઊજવાતા
ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધન તહેવારને હવે ગણતરીના દિવસો
બાકી છે, ત્યારે રાખડીના એ તાંતણા સાથે લાગણીના તાણાવાણા
વણીને સ્નેહની પરિભાષા વ્યક્ત કરવા બહેનો પોતાના ભાઈ માટે અવનવી રાખડી ખરીદવાનું પસંદ
કરે છે. કચ્છભરની બજારમાં દરેકની પસંદગી મુજબ અવનવી ડિઝાઇન અને વિવિધ કન્સેપ્ટ ધરાવતી
રાખડીઓનું કલેક્શન જોવા મળી રહ્યું છે.
વેપારીઓમાં ઉત્સાહ
બજારમાં મુક્તપણે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના ફેરિયાઓથી
લઈને મોટા શો-રૂમ્સ પર દિન-પ્રતિદિન રાખડીની ખરીદી માટે ગ્રાહકોની આવક વધી રહી છે.
પરંપરાગત રેશમી દોરા અને લૂમ્સ સિવાય આ વખતે `કસ્ટમાઇઝ્ડ રાખડીઓ'નો ભારે ક્રેઝ છે. બહેનો પોતાના ભાઈનાં નામ, ફોટો,
અથવા `ક્યૂટ બ્રધર' જેવા ખાસ મેસેજ પ્રિન્ટ કરાવીને સ્પેશિયલ રાખડીઓ
તૈયાર કરાવી રહી છે. આ સિવાય પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે તુલસી, બીજ, ગાયના છાણથી બનેલી વૈદિક અને ઇકો-ફ્રેન્ડલી રાખડીઓની
માંગ વધી છે. સાથે જ બાળકો માટે લાઈટિંગ, કાર્ટૂન કેરેક્ટર અને
પઝલ ગેમવાળી રાખડીઓ ધૂમ મચાવી રહી છે.
ભાવમાં વધારો
વેપારીઓના જણાવ્યા મુજબ કાચા માલ, ટ્રાન્સપોર્ટેશન અને માકિંગ ચાર્જિસમાં વધારો
થવાને કારણે ગયા વર્ષની સરખામણીએ પથી 10 ટકા સુધીનો વધારો આવ્યો છે. તેમ છતાં, ભાઈ-બહેનના પ્રેમ આગળ આ મોંઘવારી ફીકી સાબિત
થઈ રહી છે અને સાંજના સમયે માર્કેટમાં ખરીદી માટે મહિલાઓની ભારે ભીડ ઊમટી રહી છે. દર
વર્ષે રાખીનું ટ્રેન્ડી કલેક્શન લાવનારા ભુજની શિવમ ગિફટ શોપના જિગર ગોસ્વામીએ જણાવ્યું
હતું કે, આ વર્ષે સ્કેનરવાળી રાખીનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો
છે. આ સાથે એવીલ આઈ, ચાંદીની રાખી તેમજ બાળકો માટે કાર્ટૂન કેરેક્ટરમાં
લાઇટ મ્યુઝિક સાથેની રાખડી, કપલ રાખડી, એડી ડાયમંડ ટ્રેન્ડમાં છે. રૂા. 20થી કરીને 700 સુધી તેમજ
કપલ રાખી 200થી હજાર સુધીની રેન્જમાં ઉપલબ્ધ
છે. રાખડી વ્યવસાય સાથે જોડાયેલા દીપકભાઈ ગોર અને પુનિતાબેન જણાવે છે કે, ગ્રાહકોને નવું મળી રહે તે માટે રાજકોટ,
વડોદરા અને અમદાવાદ સહિતનાં શહેરોમાંથી વૈવિધ્યસભર સ્ટોક મગાવે છે. રૂા.
10થી 200 સુધીની વિવિધ રેન્જમાં રાખડીઓ જોવા મળે છે. ભુજ હોસ્પિટલ રોડ
ખાતે આવેલા રાજ સોની જણાવે છે કે, સિલ્વર
રાખીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. પર્વને પરંપરા સાથે જોડનારા ગ્રાહકો દ્વારા
આ વર્ષે ઓમ, સ્વસ્તિક, ત્રિશૂલ તેમજ રુદ્રાક્ષ
પર ત્રિશૂલ ડિઝાઇન પ્રથમ પસંદગી બની છે. પાંચ વર્ષથી `ખનક બાય અમી'નાં નામથી ક્રોસિયો સહિતની કળા માટે જાણીતા અમીબેન
દર વર્ષે નવીન ડિઝાઇન સાથે હસ્તનિર્મિત રાખડીઓ તૈયાર કરે છે. આ વર્ષે કિડ્સ માટે સસ્ટેનેબલ
ક્રોશિયા રાખડી ઉપરાંત ટ્રેડિશનલ વેર પર ખાસ શોભે તે હેતુથી ભાભી રાખડીમાં કાશ્મીરી
રાખી વિથ વોચ થીમ સાથે કલેકશન બનાવ્યું છે. જ્યારે પરંપરાગત રાખડી પસંદ કરનારા ગ્રાહકો
માટે રુદ્રાક્ષવાળી નાડાછડી રાખડી પણ ઉપલબ્ધ છે.
રાખડી સાથે ભેટ
રાખડીની સાથે ચોકલેટ, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈ, પરફ્યુમ,
નાની ગિફ્ટ અને ગિફ્ટ હેમ્પર આપવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. પરિણામે
બજારમાં રાખડીની સાથે રક્ષાબંધન માટેના તૈયાર ગિફ્ટ કોમ્બો અને થીમ આધારિત પાકિંગની
પણ માંગ જોવા મળી રહી છે.
ઓનલાઇન શાપિંગ અને ડિલિવરી
પરદેશ કે દૂરનાં શહેરોમાં વસતા ભાઈઓ માટે બહેનો ઓનલાઇન પ્લેટફોર્મનો
ભરપૂર ઉપયોગ કરી રહી છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર `રાખી હેમ્પર્સ', જેમાં રાખડી સાથે સૂકો મેવો, ચોકલેટ અને રોલી-ચોખાનું
પાકિંગ સામેલ હોય છે, તેની ખરીદી વધી છે. બજારમાં ચાઇનીઝ કે મશીનમેડ
રાખડીઓની સરખામણીએ સ્થાનિક મહિલા મંડળો અને ગૃહઉદ્યોગ દ્વારા હાથથી તૈયાર કરાયેલી રાખડીઓનો
દબદબો વધી રહ્યો છે. સ્થાનિક કાપડ, કચ્છી ભરતકામ અને મોતીકામથી
સજ્જ રાખડીઓ `વોકલ ફોર
લોકલ'નાં સૂત્રને સાર્થક કરી રહી છે.