• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

એક જ નંબરપ્લેટની બોગસ બસ આરટીઓએ પકડતાં દોડધામ

ભુજ, તા. 19 : માર્ગ પરિવહનમાં પ્રવાસીઓ સામે જોખમ સર્જાય તેમ એક જ નંબરવાળી બે ખાનગી લક્ઝરી બસ દોડતી હોવાનું આરટીઓ ભુજના અધિકારીઓએ ઝડપી પાડતાં ખાનગી પરિવહનક્ષેત્રમાં દોડધામ મચી છે. એક તરફ આરટીઓએ બંને વાહનને ડિટેઈન કર્યા બાદ નંબરપ્લેટ વિનાની ગાડીના માલિક સહિતની શોધખોળ આદરી છે, તો બીજીતરફ મામલાને ગંભીર ગણીને ફોજદારી પગલાં સુધીની તૈયારી કરાતાં આગામી દિવસોમાં આ પ્રકરણમાં કાંઈક નવું ખૂલે તેવી સંભાવનાઓ જાણકારો જોઈ રહ્યા છે. આ પ્રકરણમાં નંબરપ્લેટને સાંકળતું કોઈ કૌભાંડ છે કે નહીં તેની કડીઓ પણ આ પ્રકરણની સઘન તપાસની ખૂલે તેમ હોવાનો જાણકારોનો મત છે. એક જ નંબર બે વાહનને ફાળવાયા હોય તેવા તંત્રના પોતાના છબરડા તો ભૂતકાળમાં સામે આવતા હતા, પરંતુ વાહન નંબર ઓનલાઈન થયા બાદ બનેલી આ ઘટનાએ આરટીઓ તંત્રને પણ વિચારમાં મૂકી દીધૃ છે કેમ કે જે ગાડી નંબરપ્લેટ વિના ઝડપાઈ હતી, તેના ચાલકે વાહનના નંબર સહિતની જે વિગતો આપી તે નંબર સાથે બીજી બસ દોડતી હોવાનું સામે આવતાં તંત્રે તે બસને પણ ડિટેઈન કરી હતી જો કે, નંબરપ્લેટ સાથેની બસના ચેસિસ નંબર-એન્જિન નંબર સહિતની વિગતોની ખરાઈ થઈ જતાં તેને જવા દેવામાં આવી હતી, પણ હવે ગૃંચ નંબરપ્લેટ વિનાની ગાડી કોની છે તેના પર આવીને અટકી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી આરટીઓ કચેરીમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી આ ઘટનાની મળતી વિગતો અનુસાર રોજિંદી તપાસ દરમ્યાન આરટીઓ ઈન્સ્પેક્ટરે એક લક્ઝરી ગાડીને થોભાવી હતી. નંબરપ્લેટ વિનાની ગાડી અંગે તેના ચાલકે આપેલી વિગતો સંદિગ્ધ જણાતાં આ ગાડીને ડિટેઈન કરવામાં આવી હતી. દરમ્યાન, આ ચાલકે જે નંબર સહિતની વિગતો આપી તે ગાડી પણ પ્રવાસીઓનું વહન કરતી દોડતી જ હતી. તેને પણ ડિટેઈન કરીને કચેરીમાં લાવવામાં આવી હતી અને બંને વાહનોની ખરાઈ કરવામાં આવતાં નંબરપ્લેટ વાળી ગાડીની વિગતો સાચી જણાઈ હતી, જ્યારે નંબરપ્લેટ વિનાની ગાડી સંદિગ્ધ જણાતાં તેની વધુ વિગતો ચાલક પાસે માગવામાં આવી છે. આ સંદિગ્ધ બસની વિગતો ચકાસાય તે પછી જ આગળની કાર્યવાહી થાય તેવું ચિત્ર હાલઘડી ઊપસી રહ્યું છે. દરમ્યાન, જાણકારો અનુસાર જો તંત્ર સઘનતાથી તપાસ કરે, તો એક જ નંબરપ્લેટથી દોડતી ગાડીઓ મળી આવે તેવી પણ સંભાવના છે.

Panchang

dd