ભુજ, તા. 27 : છેલ્લા કેટલાક સમયથી ચર્ચાની
એરણે ચડેલા તાલુકાના મિરજાપર ગામની સરકારી પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવા જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારી દ્વારા કરાયેલા આદેશને પગલે શુક્રવારે ગામના વાલીઓ અને શાળાની એસ.એમ.સી.
દ્વારા જિલ્લા પંચાયત ખાતે વિરોધ કરી નવી શાળામાં સ્થળાંતર કરવા અસંમતિ દર્શાવતાં ફરી
આ મુદ્દો ગરમાયો છે. મિરજાપર ગામે નવી બનાવાયેલી કુમાર પ્રાથમિક શાળા તૈયાર થઈ ગઈ હોવા
છતાં નાની-નાની અધુરાશોના કારણે શાળાના એસ.એમ.સી. સભ્યો અને આચાર્યા દ્વારા તેનો કબ્જો
લેવાનો ઈન્કાર કરાતાં શાળાના આચાર્યા અને જિલ્લા વિકાસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી
બાદ મામલો બિચક્યો હતો અને આ અધિકારીને બદલવા સહિતની માગણીઓ સાથે અનેક સંગઠનો દેખાવો કરી કલેકટરને રજૂઆતો કરાઈ હતી.ત્યાં
ફરી આ શાળામાં સ્થળાંતર કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરેલા આદેશને પગલે શાળામાં
અભ્યાસ કરતા બાળકોના વાલીઓ અને એસ.એમ.સી. સભ્યોએ
સ્થળાંતરની અસંમતિ દર્શાવી શાળાની નબળી ગુણવત્તાની થર્ડ પાર્ટી દ્વારા તપાસ કરાવવી, નવી જગ્યાએ વીજળી, પાણી,
બાળકોની બેસવાની વ્યવસ્થા, કબાટો, શૈક્ષણિક સાધનોની આપૂર્તિ કરવી, શાળાની સુરક્ષા નિશ્ચિત
કરવી સહિતની માગણીઓ સાથે આજે જિલ્લા પંચાયત ખાતે શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપવા ઉમટયા
હતા. આ આવેદનમાં જણાવ્યા મુજબ નવી બિલ્ડિંગ બાળકો માટે સુરક્ષિત છે એ બાબતે વાલીઓને
વિશ્વાસમાં લેવા, વાલીઓની હાજરીમાં વોટર ટેસ્ટિંગ કરવા અથવા ચોમાસા
સુધી રાહ જોવા સહિતની માંગ કરાઈ છે.