આદિપુર, તા. 30 : વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીજી
આજથી એક સદી પૂર્વે કચ્છમાં જ્યાં-જ્યાં ગયા હતા તે સ્થળોએ ગત એપ્રિલથી શરૂ થયેલી ગાંધી
કચ્છયાત્રા શતાબ્દીની ઉજવણીનું અહીંની ગાંધી સમાધિ ખાતે વિવિધ સ્તરિય સમાપન થયું હતું.
આ પ્રસંગે ગાંધી કચ્છયાત્રા સમિતિના સંયોજક રમેશભાઇ સંઘવીએ કહ્યું હતું કે, આખું વિશ્વ ગાંધીજીને યાદ કરે છે. કારણ કે,
ગાંધીજી જે વિચારતા એ બોલતા અને એવું જીવતા હતા. ગાંધીજી કહેતા કે,
મારું જીવન જ મારો સંદેશ છે. આ પ્રસંગે તેમણે અહીંના ભાઇપ્રતાપ,
દાદા દુખાયલ, આચાર્ય ક્રિપલાણી, ક્રિષ્ના ભંભાણી વિ.ને પણ યાદ કર્યા હતા. કાર્યક્રમના દીપ પ્રાગટય સાથે ઉદ્ઘાટન
બાદ કચ્છયાત્રા સમિતિના સભ્ય અને કટારલેખક સંજય ઠાકરે જણાવ્યું હતું કે, કચ્છમાં ખાદીનો પ્રચાર, કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ સહિતના સંકલ્પો સાથે સદી પૂર્વે ગાંધીજી કચ્છના છ તાલુકામાં
ફર્યા હતા અને હજારો લોકોને મળ્યા હતા. ગાંધી સ્મૃતિ વંદના અંતર્ગત ગાંધીજી વિશે તેમને
ગમતા, તેમના માટે લખાયેલા વિવિધ ગીતોનું સિંક્રો અકાદમીના કલાવૃંદના
કાજલ છાયા, કૌશલ છાયા, દક્ષ છાયા તેમજ અમદાવાદના
જાણીતા કલાકારો નરેન્દ્ર શાત્રી, ડિમ્પલ વ્યાસ, બેબી સ્વરાએ સબ સે ઊંચી પ્રેમ સગાઇ, પાયોજી મૈંને રામ
રતન ધન પાયો, ગાંધીબાણ વાગ્યા હોય તે જાણે, બંદે મેં થા દમ, વૈષ્ણવજન તો તેને રે, સત્ય પ્રેમ કરુણા સહિતના સંગીતીય રસપાન સાથે ઉપસ્થિતોને ડોલાવ્યા હતા. વાદ્યો
પર હાનિદ, સાજિદ, ચિન્મય પુરાણિક,
પંકજ ભાનુશાલીએ સંગત કરાવી હતી જેમનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં
સમિતિના સંયોજક રમેશભાઇ સંઘવી સાથે મહેશ ગોસ્વામી, સંજય ઠાકર,
ધર્મભાઇ, નિરૂપમ છાયા, ગીતાબેન
જગાણી, રેખાબેન, નેન્સીબેન ઉપરાંત પૂર્વ
સાંસદ ઉષાબેન ઠક્કર, પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ દનિચા, મૈત્રીમંડળના હીરુબેન ઇસરાણી, વિરાજબેન દેસાઈ,
ચિંતનભાઇ મહેતા, જોગેશ્વરીબેન છાયા, હરિ આશરો ટ્રસ્ટના મંત્રી ડો. મહેન્દ્ર ચૌહાણ, રામકૃષ્ણ
મઠના મંત્રેશ્વરાનંદજી મહારાજ, સુરેશભાઇ શુક્લ, ઘનશ્યામ ઠક્કર, દાદા દુખાયલ બી.એડ. કોલેજના કા. આચાર્યા
જશોદાબેન મહેશ્વરી, ઉત્પલા વૈદ્ય, હાર્દિકાબેન
ગઢવી, આર્ટસ-સાયન્સ કોલેજના આચાર્ય સુશીલ ધર્માણી સહિતના અગ્રણીઓ
ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં સિંક્રો અકાદમી અને ગાંધી કચ્છયાત્રા શતાબ્દી સમિતિ સાથે
સ્થાનિકે ગજવાણી ગ્રુપ ઓફ એજ્યુકેશન એન્ડ કોલેજ, ડો. મહિપતરાય
મહેતા અખિલ કચ્છ કેળવણી પ્રોત્સાહક ટ્રસ્ટ, ભારતીય સિંધુ સભા,
સૂરસંગમ ફાઉન્ડેશન સંસ્થાઓ ઉપરાંત મીડિયા પાર્ટનરની જવાબદારી કચ્છમિત્રએ
નિભાવી હતી, જેનો આભાર માનવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય સેનાની
જેઠાલાલ રાયશી કન્નરના પુત્ર મગનભાઇએ ગાંધીજી વિશેના લેખો રમેશભાઇને આપ્યા હતા. વાલજીભાઇ
દનિચાએ ગાંધીજીને માનકૂવામાં શિવાભાઇ ભારમલભાઇ સીજુએ અને મુંદરામાં વેલજીભાઇ મોથારિયાએ
સૂતરની આંટી પહેરાવી હતી, તે પ્રસંગો સાથે કાંતિપ્રસાદભાઇ અંતાણીની
દૂરંદેશીની પ્રશંસા કરી હતી. સંચાલન પ્રો. રમજાન હસણિયા અને કૌશલ છાયાએ કર્યું હતું.