ભુજ, તા. 30 : અહીં ડો. નિનાદ ડાયાબિટીસ એન્ડ
ઓબેસિટી ક્લિનિક, કચ્છીયત ફાઉન્ડેશન,
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સર્વમંગલ આરોગ્ય ધામના સંયુક્ત પ્રયાસથી
યોજાયેલા મેદસ્વિતા, લીવર પરની ચરબી અને લીવર ફાઇબ્રોસિસ અંગેના
નિદાન કેમ્પમાં અમદાવાદથી ઉપલબ્ધ કરાયેલા ફાઇબ્રો સ્કેન મશીન દ્વારા 90થી વધુ લોકોની તપાસ કરાઇ હતી. આવા આરોગ્યલક્ષી
ઉપક્રમો દ્વારા જનજાગૃતિ વધે અને લોકો સમયસર તપાસ કરાવી સ્વસ્થ જીવન જીવવા પ્રેરાય
તેવો સૂર વ્યક્ત કરાયો હતો. આ કેમ્પમાં ઉપસ્થિત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના મોવડી અને
પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઇ દેશમુખે લીવરની વધતી જતી બીમારીઓ વચ્ચે આવા આરોગ્યલક્ષી
ઉપક્રમો દ્વારા જનજાગૃતિ વધતી રહે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશન
ટ્રસ્ટ-સર્વમંગલ આરોગ્યધામના ટ્રસ્ટી રજનીભાઇ પટવાએ આ પ્રકારની સ્વાસ્થ્ય જાગૃતિ માટેની
પ્રવૃત્તિઓ માટે સંસ્થા તરફથી સહયોગની તૈયારી દર્શાવી હતી. ડાયાબેટોલોજિસ્ટ ડો. નિનાદ
ગોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન
નરેન્દ્રભાઇ મોદી પણ ઓબેસિટી (સ્થૂળતા) પર ધ્યાન આપવા પર ભાર મૂકી રહ્યા છે. ખૂબ વધુ
માત્રામાં લીવરની બીમારી વધતી જાય છે, ત્યારે લીવર ફેઇલર ઓછું
થાય અને લીવરની જરૂરિયાત જ ન પડે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું હોવાનું ઉમેર્યું
હતું. આયુર્વેદાચાર્ય અને ચીફ મેડિકલ ઓફિસર (સર્વમંગલ આરોગ્યધામ) ડો. આલાપ અંતાણીએ
સ્વસ્થ જીવન જીવવા અને લીવરની બીમારીઓ અટકાવવા આહાર વિષયક માહિતી આપી હતી. ફિઝિયોથેરાપિસ્ટ
ડો. પૂજા શાહ તથા નિલયભાઇ ત્રિવેદીએ કેમ્પમાં સેવા-સહયોગ પૂરા પાડયા હતા. સર્વમંગલ
આરોગ્યધામ ખાતે યોજાયેલા આ કેમ્પમાં ફેટી લીવર
અને તેનાથી થતા રોગોના આ નિદાન કેમ્પમાં અમદાવાદથી ઉપલબ્ધ કરાયેલા ખાસ અત્યાધુનિક ફાઇબ્રો
સ્કેન મશીન દ્વારા 90થી વધુ લોકોની
તપાસ કરાઇ હતી. આ સાથે ઇન બોડી સ્કેન દ્વારા શરીરમાં રહેલી ચરબીની પણ તપાસ કરાઇ હતી.
કેમ્પમાં બી.પી. અને રેન્ડમ બ્લડ શુગરની પણ તપાસ કરી અપાઇ હતી. સામાન્ય રીતે હજારથી
વધુ કિંમતના ટેસ્ટ નિ:શુલ્ક કરાવી અપાયા હતા.