નલિયા,તા 27 : અબડાસા તા.ના ડુમરા ગામ પાસે
સ્થિત પૌરાણિક આણંદેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા 25 વર્ષથી નિવાસ કરી સેવા-પૂજા કરતા મહંત પ્રેમગીરીબાપુ ગુરુવારે
બ્રહ્મલીન થયા છે. બાપુના દેવલોક પામવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ અબડાસા અને માંડવી
તાલુકાના 80થી વધુ ગામોમાં રહેતા તેમના અસંખ્ય ભક્તો
અને સેવક સમુદાયમાં શોકની લાગણી વ્યાપી હતી. પ્રેમગીરીબાપુ પ્રખર અને ઉર્ધ્વબાહુ તપસ્વી
હતા, તેઓએ પોતાનો એક હાથ આજીવન ઉપર રાખવાની કઠિન
તપશ્ચર્યા કરી હતી, જે તેમની આગવી ઓળખ બની હતી અને આ અજોડ સિદ્ધિના
કારણે તેઓ સમગ્ર પંથકમાં લોકપ્રિયતા અને આદર
ધરાવતા હતા. વર્ષ 2001ના વિનાશક
ભૂકંપ બાદ ક્ષતિગ્રસ્ત થયેલા આણંદેશ્વર મહાદેવ મંદિરનું નવનિર્માણ કાર્ય પણ તેઓના માર્ગદર્શન
હેઠળ કરવામાં આવ્યું હતું. આ ધામ ખાતે દર વર્ષે નવરાત્રીમાં વિશેષ અનુષ્ઠાન, હવન તેમજ મહાશિવરાત્રીના પર્વે પાટોત્સવ અને
ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેઓના સાનિધ્યમાં ઉજવાતા હતા, જેમાં તેમના એક ભાવિક ભક્તનો આર્થિક સહયોગ વિશેષ રહેતો હતો. પ્રેમગીરીબાપુ
હંમેશા લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહી સનાતન ધર્મના માર્ગે ચાલવા, સામાજિક એકતા જાળવવા અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવો સંદેશ આપતા હતા. ગુરુવારે
તેમના નિધનના સમાચાર મળતા જ ડુમરા ગામે અંતિમ દર્શન માટે શ્રદ્ધાળુઓના ટોળેટોળા ઉમટી
પડ્યા હતા. મોડી રાત્રે તેમના શિષ્યો ડુમરા પહોંચ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ બાપુના
સમાધિ સ્થળ અંગેનો નિર્ણય લેવામાં આવશે. બાપુના અવસાનથી સમગ્ર અબડાસા અને માંડવી પંથકે
એક સિદ્ધ સંત ગુમાવ્યાની લાગણી દર્શાવી હતી.