અમદાવાદ, તા. 26 : સ્વામિમારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અમદાવાદ શિક્ષણ અને અધ્યાત્મનું કેન્દ્ર છે. આ સંસ્થા
દ્વારા અનેકવિધ શૈક્ષણિક તથા અધ્યાત્મથી ભરેલાં આયોજનો થતાં રહે છે, જેના ભાગરૂપે હિમાલયના દ્વાર સમાન ઋષિકેશ ખાતે
સત્સંગ સાધના શિબિરનો પ્રારંભ કરાયો હતો. સંસ્થાના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામી, સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા મોટી
સંખ્યામાં સંતોની ઉપસ્થિતિમાં આ સાધના શિબિર યોજાઈ રહી છે. ઋષિકેશ ખાતે આવેલ વિશ્વવિખ્યાત
આશ્રમ પરમાર્થ નિકેતન ખાતે ચિદાનંદ સરસ્વતીજી મહારાજ (મુનિજી)ના સાંનિધ્યમાં સાત દિવસ
સુધી આ સાધના શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગંગામૈયાના પાવન તટે નવા વર્ષના નવલા
દિવસોમાં શિબિરનો પ્રારંભ થયો. પૂજ્ય સ્વામીજી તથા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઠાકોરજીનું
પૂજન કર્યું. દેશ-વિદેશથી ઉપસ્થિત આગેવાન -ભક્તજનોના હસ્તે દીપપ્રાગટ્ય કરી સાધના શિબિરનો
પ્રારંભ કરાયો હતો. બાલકૃષ્ણદાસજી સ્વામીએ
સૌને આ સાત દિવસ સુધી મળેલા ગંગાજી સાંનિધ્યને, પવિત્ર અવસરને
વધાવી લેવાની ભલામણ કરી હતી. આ પ્રસંગે સ્વામીજીએ
પ્રથમ સત્રનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, હિમાલયને ભગવાનનું
ધામ કહેવામાં આવે છે. આ ઋષિકેશ જેનું દ્વાર છે ત્યારે આપણા હૃદયના દ્વાર ખૂલે અને ભગવાન
હૃદયમાં બિરાજે એવી શુમકામના સાથે કથાવાર્તાનો પ્રારંભ કર્યો હતો. માનવજીવનનું સાચું
લક્ષ્ય છે - પરમાત્માની પ્રસન્નતા. એ પ્રસન્નતા મેળવવાનો માર્ગ છે સાધના-સ્વાધ્યાય,
સ્મરણ, સેવા અને સમર્પણનો પવિત્ર સમન્વય. આ શિબિર
સાધકો માટે એક આધ્યાત્મિક પ્રયોગશાળા સમાન છે, જ્યાં મનને સંયમિત
કરી ભગવાન સાથે જોડાવાનું છે. આ શિબિરનો ઉદ્દેશ માત્ર પ્રવચનો સાંભળવાનો નથી,
સાંભળેલું આત્મસાત કરાવાનો છે. સ્વામીજી સાત દિવસ સુધી ગંગાજીના કિનારે
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત સારસિદ્ધિ ગ્રંથના રહસ્યોનું પાન કરાવી રહ્યા છે.