ભુજ, તા.16 : ભારતીય એરપોર્ટ ઓથોરીટી દ્વારા ભુજ વિમાન મથકે વિવિધ કારણોસર
મુસાફરી કરવાની ક્ષમતામાં મર્યાદા ધરાવતા પ્રવાસીઓ (પીઆરએમ) માટે સંવેદનશીલતા વધારવાના
હેતુથી પીઆરએમ સેન્સિટાઈઝેશન તાલીમ યોજાઈ હતી. લોકોમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા લોકો
માટે ભૌતિક તથા ડિજિટલ એક્સેસિબિલિટી અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાતા વૈશ્વિક
સુલભતા જાગૃતિ દિવસ અંતર્ગત તાલીમ યોજાઈ હતી. વ્યક્તિગત જરૂરીયાત તથા સઘન સહાયક વાતાવરણ
ઊભું કરવાના હેતુથી સીએચક્યુના માર્ગદર્શન હેઠળ યોજાયેલી તાલીમનું આયોજન સ્થાનિક એરપોર્ટ
મેનેજર પ્રશાંત ગઢવી દ્વારા કરાયું હતું. તાલીમ દ્વારા ભુજ વિમાન મથક સમાવિષ્ટ એરપોર્ટ
વાતાવરણ તરફ ભરાયેલા પગલાં અંતર્ગત પીઆરએમ મુસાફરો માટે એસઓપી, પોસ્ટર વિતરણ તથા રિયલ ટાઈમ પ્રેક્ટિકલ ડેમો
અપાયો હતો. દિવ્યાંગ લોકો માટે કાર્યરત એનજીઓના સંચાલક હિમાંશુ સોમપુરા મુખ્ય ટ્રેનર
રહ્યા હતા. હિતેશ વ્યાસે પણ તાલીમ આપી હતી. તાલીમમાં વિમાનમથકના વિવિધ વિભાગોના સ્ટાફ,
એરલાઈન્સ તથા સીઆઈએસએફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.