• શનિવાર, 17 મે, 2025

ગાંધીધામમાં ઘરવિહોણા લોકો માટે બનાવેલું આશ્રય સ્થાન સાત માસથી બંધ

ગાંધીધામ, તા. 13 : ગાંધીધામ મહાનગરપાલિકાએ તત્કાલીન સમયે લાખો રૂપિયાના ખર્ચે વાહન પાર્કિંગ પ્લોટમાં શહેરમાં ઘરવિહોણા લોકો માટે આશ્રયસ્થાન બનાવ્યું હતું અને તેનું સંચાલન સંસ્થાને સોંપવામાં આવ્યું હતું ને દર મહિને 40 હજાર રૂપિયાનું ચૂકવણું કરવામાં આવતું હતું. જવાબદારોએ સંસ્થા બદલી અને ભુજની સંસ્થાને સંચાલન સોંપવામાં આવ્યું હતું, તેની નવેમ્બર-2024માં સમયમર્યાદા પૂર્ણ થતાં પાલિકાને સોંપવાના બદલે ચાવી આપી નહીં જેના પગલે મહાનગરપાલિકાના જવાબદારોએ રોજકામ કરીને તાળું તોડયા બાદ સીલ મારી દીધું છે. આ આશ્રયસ્થાન છેલ્લા સાત મહિનાથી બંધ અવસ્થામાં છે, તો તત્કાલીન સમયે તો સંસ્થાના જવાબદારો મહાનગરપાલિકાનો સામાન ભરીને પણ જઈ રહ્યા હતા, ત્યારે અધિકારીઓ આવી જતાં તે સામાન પરત રખાવ્યો  હતો. ચાવી માગી હતી, પરંતુ ચાવી આપ્યા વગર જ સંસ્થા પોતાનો સામાન ભરીને લઈ ગઈ હતી અને ત્યાર પછીથી આ શેલ્ટર હોમ બંધ અવસ્થામાં છે. આ અંગે સંબંધિત વિભાગે આ વાતને સમર્થન આપ્યું હતું અને સૂત્રોએ કહ્યું હતું કે, થોડા સમયનું ચૂકવણું બાકી છે. તત્કાલીન સમયે રોડ ઉપર તેમજ અન્ય ખુલ્લી જગ્યાઓમાં સૂતા લોકોને આશ્રયસ્થાનમાં રાખીને તેમને સૂવાની અને જમવા સહિતની સુવિધા આપવાનો હેતુ હતો, પણ તે હેતુ સાર્થક થતો ન હતો. ઉપરાંત ફરિયાદો પણ હતી, જેના કારણે તે સંસ્થાનો કાર્યકાળ પૂર્ણ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર હવે આ આશ્રયસ્થાનને કાયમી આશ્રયસ્થાનમાં રૂપાંતરિત કરવા માટે પાંચ કરોડ રૂપિયા ખર્ચવાનું છે. અંદાજપત્રમાં ખર્ચની જોગવાઈ પણ કરવામાં આવી છે.  સૂત્રોનું માનીએ તો જે-તે સમયે આશ્રયસ્થાનમાં લોકો માટે વ્યવસ્થાઓ કરવાની હતી, પણ સંચાલન કરતા જવાબદારોએ દાન ભંડોળ ઊઘરાવવાનું શરૂ કર્યું હતું, તે બાબતે ઘણી ફરિયાદો પણ આવી હતી. આ ઉપરાંત અંદર પણ લોકો ઝઘડતા હતા અને અસામાજિક પ્રવૃત્તિ પણ થઈ હોવાનું સામે આવ્યું હતું. આ બધી બાબતોને ધ્યાને રાખીને નવેમ્બરમાં સંસ્થાનો કાર્યકાળ પૂર્ણ કરાયો હતો. સાત મહિના જેટલો સમય થઈ ગયો છે. આશ્રયસ્થાન બંધ અવસ્થામાં છે. ડિવાઈડર, રસ્તાઓ ઉપર તથા અન્ય ખુલ્લી જગ્યાઓમાં સૂતા લોકો તથા ભિક્ષાવૃત્તિ કરતા લોકોને રાખવા માટેનું આશ્રયસ્થાન હતું. તંત્ર આગામી ચોમાસાંને ધ્યાને લઈને આ બધા લોકોને ત્યાં રાખવા માટે આશ્રયસ્થાન ફરી કાર્યરત કરે, તે જરૂરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd