• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

3000 કરોડનાં ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાની પકડાયા

અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને ભારતીય કોસ્ટ ગાર્ડે અરબ સમુદ્રમાં સંયુક્ત રીતે પાકિસ્તાની ડ્રગ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને રૂ. 3,000 કરોડની કિંમતના 526 કિલો હેરોઈન તથા મેથામ્ફેટામાઈનનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ બોટમાં પાંચ પાકિસ્તાની નાગરિકોને પણ ઝડલી લેવામાં આવ્યા છે. ચોક્કસ બાતમીને આધારે લક્ષદ્વીપ ખાતે હાથ ધરાયેલા આ અત્યંત ગુપ્ત ઓપરેશનમાં ડ્રગની હેરાફેરી માટે ઈરાની બોટનો ઉપયોગ કરાયો હતો. બોટ સાથે ભારતીય જળસીમામાં ઘૂસેલા પાંચ પાકિસ્તાની ડ્રગ પેડલરોને ઝડપી લઈને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીના ગુનાહિત કાવતરાને એજન્સીઓએ ઊંઘુ વાળી દીધું હતું. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ ખાતે એક નાની બોટ મારફતે આ ઈરાની બોટમાં ડ્રગનો જથ્થો લોડ કરાયા બાદ તેને ભારતમાં તામીલનાડુ ખાતે ઉતારવાનું નક્કી થયું હતું. ગુજરાત એટીએસેને મળેલી આ માહિતીને આધારે ભારતીય કોસ્ટ ગાર્ડના દિલ્હી સ્થિત મુખ્યાલયનો સંપર્ક કરાયો હતો અને સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભારતીય ધરતી પર નોંધપાત્ર ડ્રગના જથ્થાને ઉતારવાના મનસુબાને નિષ્ફળ બનાવ્યો હતો.   પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં 10 સપ્ટેમ્બરના રોજ એટીએસના અધિકારીને બાતમી મળી હતી કે એક નાઇજીરિયન શખસે કોઈ  વ્યક્તિની મધ્યસ્થીથી ડ્રગ્સની લેવડદેવડ માટે માટિંગ કરી છે. જે માટિંગમાં આઝાદ નામની ઈરાની 'ધો' (લાકડાની બોટ)માં ડ્રગ્સનુ 500 કિલોથી વધુનું મોટું કન્સાઈન્મેન્ટ જેમાં હેરોઈન તથા મેથામ્ફેટામાઈન જેવા માદક પદાર્થો સામેલ છે તેનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. આ જથ્થાની ડીલિવરી મુંબઈ-કોચીન-લક્ષદ્વીપ નજીક ભારતીય જળસીમામાં એક તામીલનાડુની બોટમાં કરવાના છે. આનું એડવાન્સ પેમેન્ટ થયું છે અને બાકીના નાણાં માલ પહોંચ્યા બાદ હવાલા મારફતે મોકલવાના હોવાનું જણાયું હતું.  આ બાબતની જાણ કોસ્ટ ગાર્ડના દિલ્હી સ્થિત મુખ્યાલાયમાં ઉચ્ચ અધિકારીઓને કરાઈ હતી. ગુજરાત એટીએસના પોલીસ અધીક્ષક કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ ગુજરાતની એજન્સીના પીએસઆઈ બે. એચ. કોરોટ અને પી.એ.આઈ. વી. એન. વાઘેલા સહિતના અધિકારીઓની એક ટીમ કોચી ખાતે રવાના કરાઈ હતી. 16 સપ્ટેમ્બરથી લઈને 25 સપ્ટેમ્બર સુધી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના જવાનોએ દરિયામાં રહીને શંકાસ્પદ બોટની ઓળખ કરવાની કામગીરી કરી હતી. 25 સપ્ટેમ્બરના રોજ બાતમી મુજબની ઈરાનની આઝાદ નામની બોટ લક્ષદ્વીપથી 160 નોટિકલ માઈલ ઉત્તરપશ્ચિમ તરફ અને મુંબઈથી 490 નોટિકલ માઈલ દક્ષિણપશ્ચિમ તરફ મળી આવી હતી, જેને કોસ્ટગાર્ડની શીપ મારફતે આ બોટને રોકવામાં આવી હતી અને તેમાં હોટ પર્સ્યુટ બાદ તેની અંદર સુરક્ષા જવાનોએ ટેક્ટિકલ બોર્ડિંગ કરીને સર્ચ કરતા પાંચ પાકિસ્તાની મૂળના શખસો મળી આવ્યા હતા. બોટમાં તેમના કબજામાં રહેલો 526 કિલોગ્રામ હેરોઈન તથા મેથામ્ફેટામાઈનના જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત રૂ.3,000 કરોડ થાય છે. ભારતના ગુપ્તચર એજન્સીઓની સતર્કતા અને એટીએસ તથા કોસ્ટગાર્ડની સક્રિયતાથી માદક દ્રવ્યોના દુષણને નાથવામાં મોટી સફળતા મળી છે.  ઝડપાયેલી બોટને મુંબઈ તરફ લઈ જવાઈ હતી અને તેમાં રહેલો ડ્રગ્સનો જથ્થો પણ જપ્ત કરી પાંચેય પાકિસ્તાની શખસોની વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાનીઓને મુંબઈથી અમદાવાદ લાવવાની કામગીરી એટીએસ દ્વારા હાથધરાઈ રહી છે. ગુજરાત એટીએસએ આ સમગ્ર મામલે ઝડપાયેલા પાંચેય પાકિસ્તાની ઈસમો તથા ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટમાં વધુ કોણ કોણ સામેલ છે અને નાણાંની હેરફેર સહિતની તમામ વિગતો મેળવવાની કવાયત હાલ ચાલુ છે. - પંજાબમાં કોઈ નાઈજીરિયનને ડ્રગની ડિલિવરી કરવાની હતી : અમદાવાદ, તા. 30 : લક્ષદ્વીપ ખાતે ભારતીય જળસીમામાં 526 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ પાકિસ્તાનીઓની પ્રાથમિક પૂછપરછમાં જણાયું છે કે, આટલા મોટાપાયે ડ્રગ્સનો જથ્થો તામીલનુડુના દરિયાકાંઠે ઉતારી અન્ય વાહન મારફતે ટુકડે ટુકડે પંજાબ ખાતે કોઈ નાઈજીરિયનની ડીલિવરી કરી પહોંચાડવાનો હતો. બોટમાં રહેલો ટંડેલે યુએસના ઈલોન મસ્કની કંપનીએ તૈયાર કરેલા સ્ટારાલિંક ડિવાઈસનો ઉપયોગ કરવાનો હોવાની માહિતી મળી હતી. આ ડિવાઈસનો ઉપયોગ સેટેલાઈટથી સિગ્નલ મેળવવા માટે થતો હોય છે. - બોટ ઈરાનના કોનારકથી રવાના થઈ હતી : અમદાવાદ, તા. 30 : ઈરાનની બોટમાં ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ ખાતે એક નાનકડી બોટ દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો. સર્ચ દરમિયાન પૂછપરછ કરાતા 400 કિલો મેથામ્ફેટામાઈન અને 126 કિલોગ્રામ હેરોઈન હોવાનું સામે આવ્યું છે. આઝાદ નામની બોટ નોકારક, ઈરાન ખાતેથી રવાના થઈ હતી. તામીલનાડુની બોટમાં આ જથ્થો પહોંચાડવાનો હતો અને બાદમાં તેને ભારતમાં અન્ય શહેરોમાં મોકલવાનું કાવતરું ઘડાયું હોવાનું એટીએસની પ્રાથમિક તપાસમાં જણાયું છે. - ઝડપાયેલા પાંચ પાકિસ્તાનીઓ : 1. મોહમ્મદ યાકુબ બચુલી, રહે. પેશાવર, પાકિસ્તાન  2. શકિરુલ્લાહ રહે. પેશાવર, પાકિસ્તાન  3. ફરિદુલ્લાહ રહે. પેશાવર, પાકિસ્તાન  4. અહમદ ખાન રહે. પેશાવર, પાકિસ્તાન  5. વાહિદુલ્લાહ ખાન રહે. પેશાવર, પાકિસ્તાન 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd