નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમકોર્ટે
બુધવારે કેન્દ્ર સરકારને ટકોર કરતાં કહ્યું હતું કે,
નીટ પરીક્ષામાં સુધારાઓને માત્ર કાગળો સુધી સીમિત નહીં રાખતાં સ્થાયી
વ્યવસ્થાના ભાગ બનાવવાની જરૂર છે. નીટ પરીક્ષામાં સુધારા માટે લેવાયેલાં પગલાંઓની જાણકારી
પણ સુપ્રીમે સરકાર પાસેથી માગી હતી. ખાસ તો રાધાકૃષ્ણન સમિતિ અને નંદન નીલેકણી સમિતિની
ભલામણો લાગુ કરવા માટે શું કર્યું, તેની વિગતો આપવા પણ અદાલતે
નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને આલોક અરાધેની ખંડપીઠે સોલિસિટર જનરલ
તુષાર મહેતાને આ મામલે ત્રણ સપ્તાહમાં સોગંધનામું દાખલ કરવા જણાવ્યું હતું. બીજી તરફ, કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ
તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે, નીટ પરીક્ષા સિસ્ટમ સંપૂર્ણપણે
સુરક્ષિત છે. તેમાં કોઈ ગાબડું પાડી નહીં શકે. પ્રશ્નપત્રો છાપવાથી માંડીને છાત્રો
સુધી પહોંચાડવા સહિત દરેક તબક્કે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા છે. નીટનાં પેપર્સ લઈ જતાં
વાહનોમાં જીપીએસ લાગેલાં હોય છે. સુપ્રીમકોર્ટે ત્રણ મહિના બાદ આજે ફરી કહ્યું હતું
કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ યુપીએસસી જેવી મજબૂત સિસ્ટમ
બનાવવી જોઈએ. સુપ્રીમની ખંડપીઠે રાધાક્રૃષ્ણ સમિતિના અહેવાલનો ઉલ્લેખ કરતાં કહ્યું
હતું કે, સમિતિએ યોગ્ય રીતે જ આ વ્યવસ્થા સાથે જોડાયેલી સમસ્યા
માની છે.