• સોમવાર, 02 નવેમ્બર, 2026

નાની ખાખરમાં કંપની સામે વિરોધ ઉગ્ર બન્યો

નાની ખાખર (તા. માંડવી), તા. 1 : આ ગામે એક કંપનીના બાંધકામ સામે સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો હતો. ગ્રામજનોએ ગેટમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતાં ઘર્ષણ સર્જાયું હતું અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ગ્રેવિટા કંપની સાથે બે કલાકની બેઠકમાં કોઇ નિર્ણય નહીં આવતાં આંદોલનને ઉગ્ર બનાવવાની તૈયારી દર્શાવાઇ હતી, તે સાથે તા. 4 નવેમ્બરના ભુજ ખાતે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરાશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓએ દરમ્યાનગીરી કરી યુવાનોને સંયમ જાળવવા, ઉશ્કેરાટથી દૂર રહેવા અને લોકશાહી ઢબે શાંતિપૂર્ણ આંદોલન ચાલુ રાખવા અપીલ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં માંડવી - મુંદરા તાલુકાના આગેવાનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ખેડૂતો, મોટી સંખ્યામાં જોડાયા હતા. ગ્રેવિટા કંપની સાથે આશરે બે કલાક સુધી બેઠક યોજાઈ હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે, 4 નવેમ્બરે ભુજ ખાતે કચ્છના વહીવટી તંત્ર સમક્ષ  ખેડૂતો દ્વારા રજૂઆતમાં ગ્રેવિટા કંપનીનું બાંધકામ બંધ કરાવવા તેમજ સ્થાનિક લોકોની વેદના, ખેતી અને પર્યાવરણને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરાશે. આંદોલનનું સંચાલન નાની ખાખર ગ્રામ રક્ષા અને વિકાસ સમિતિ તેમજ માંડવી-મુંદરા એકતા મંચ દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિજયભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર નહીં, પરંતુ સરકારના પ્રચ્છન્ન આશીર્વાદથી કંપનીઓને સસ્તા ભાવે જમીનો આપવામાં આવી રહી છે. કચ્છના તમામ લોકોએ જાગૃત થઈને આવી કંપનીઓને રોકવા માટે આગળ આવવું જોઈએ. સારા ખેતીલાયક વિસ્તારોમાં આવી કંપનીઓના પ્રવેશથી ખેતી અને પર્યાવરણને નુકસાન થવાની ભીતિ છે. ગજેન્દ્રાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છમાં ઝેરી કંપનીઓ આવી રહી છે, જેના કારણે આવનારી પેઢી માટે ગંભીર પ્રશ્નો ઊભા થશે. રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ લડત સરકાર સામે નહીં, પરંતુ કંપની સામેની છે. આ સંમેલનમાં ડાયાભાઈ ભગત, પુનશીભાઈ ગઢવી,મહિપતસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા,ખુશાલ દેઢિયા, મીત ગઢવી, રમેશ ચંદે, વલ્લભભાઈ વેલાણી, ખેરાજભાઈ ગઢવી, ડાયાભાઈ ગઢવી, સિદ્ધરાજસિંહ જાડેજા, ડો. યુવરાજસિંહ જાડેજા, નાનજી મહેશ્વરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રામદેવસિંહે અને આભારવિધિ મહિપતસિંહ જાડેજાએ કર્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd