• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

પાંચ તાલુકામાં વધુ 20,226 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત

ભુજ, તા. 25 : કચ્છમાં સરકારી જમીન પર અતિક્રમણ કરનારાં તત્ત્વો પર વહીવટી તંત્રની તવાઈ જારી રહી છે. સતત બીજા રવિવારે પાંચ તાલુકામાં હાથ ધરાયેલી વિવિધ તંત્રોની સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશમાં 3.13 કરોડની કિંમતની 20,226 ચો.મી. જમીનને દબાણમુક્ત કરાવાઈ હતી. દબાણ હટાવ ઝુંબેશ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જિલ્લા કલેક્ટર અનિલ રાણવસિયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સરકારી જમીન અને જાહેર મિલકતોને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરાવવાની ઝુંબેશના ભાગરૂપે  શનિ-રવિ દરમ્યાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી.  આ ઝુંબેશ હેઠળ દૂર કરાયેલાં આઠ દબાણોમાં બે ધાર્મિક, ચાર વાણિજ્યિક તથા બે અન્ય પ્રકારનાં દબાણોનો સમાવેશ થાય છે. દબાણમુક્ત કરાવવામાં આવેલી જમીનમાં 8,110 ચોરસ મીટર ધાર્મિક, 3,269 ચોરસ મીટર વાણિજ્યિક તથા 8,847 ચોરસ મીટર અન્ય પ્રકારની જમીનનો સમાવેશ થાય છે. તાલુકાવાર કામગીરીમાં અંજાર તાલુકામાં સૌથી વધુ ત્રણ દબાણો દૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાપર તાલુકામાં બે, જ્યારે ભુજ, નખત્રાણા અને અબડાસા તાલુકામાં એક-એક દબાણ દૂર કરવામાં આવ્યું છે. અંજાર તાલુકામાં કુલ 9,866 ચોરસ મીટર, રાપર તાલુકામાં  9,000 ચોરસ મીટર, ભુજ તાલુકામાં 450 ચોરસ મીટર, નખત્રાણા તાલુકામાં 400 ચોરસ મીટર અને અબડાસા તાલુકામાં 510 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રકારની ઝુંબેશ હજુ જારી રાખવામાં આવશે. - અસામાજિક તત્ત્વોનાં દબાણ પણ ઝપટે ચડયાં : વહીવટી અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરી અંતર્ગત ભુજ શહેર ઉપરાંત રાપર તાલુકાના ખીરઈમાં અસામાજિક તત્ત્વોનાં દબાણ પણ ઝપટે ચડયાં હતાં. ભુજની ઓધવવંદના સોસાયટીમાં સ્થાનિક ગુનાશોધક શાખા અને એ-ડિવિઝન પોલીસે નૂરમામદ ઈબ્રાહીમ અંજડિયા, અરમાન નૂરમામદ અંજડિયા અને ઈરફાન નૂરમામદ અંજડિયા તેમજ સબ્બીર હુશેન અંજડિયા દ્વારા કરાયેલ સર્વે નંબર 970/1વાળી જમીન પર કરાયેલું ગેરકાયદે દબાણ દૂર કરી 54 લાખની જમીન ખુલ્લી કરાવી હતી. રાપર તાલુકાના ખીરઈમાં હોટેલરૂપી કોમર્શિયલ, તો કીડિયાનગરમાં વેકરાપીરની દરગાહરૂપી ધાર્મિક દબાણ દૂર કરાયાં હતાં. તમામ સ્થળે દબાણ હટાવવાની કામગીરી સંબંધિત પ્રાંત અધિકારી, મામલતદારના માર્ગદર્શનમા પાર પડાઈ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd