• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

સિરક્રીકમાંથી નૌકા સાથે ચાર પાકિસ્તાની જબ્બે

નલિયા, તા. 25 : કચ્છની સંવેદનશીલ દરિયાઈ સરહદે સીમા સુરક્ષા દળ (ઇજિ) દ્વારા રાખવામાં આવી રહેલી બાજ નજર વચ્ચે લખપત તાલુકાના સંવેદનશીલ સીરક્રીક વિસ્તારમાંથી વધુ એક વખત પાકિસ્તાની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલી એક પાકિસ્તાની ફાઈબર ફાશિંગ બોટ સાથે ચાર પાકિસ્તાની નાગરિકોને બીએસએફના જવાનોએ શનિવારે ઝડપી લીધા હતા. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સરહદી ક્રીક વિસ્તારમાં બીએસએફની પેટ્રાલિંગ ટીમ તહેનાત હતી તે દરમિયાન એક શંકાસ્પદ બોટ ભારતીય જળસીમામાં હલચલ કરતી નજરે પડી હતી. જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને બોટને ઘેરી લીધી હતી અને તેમાં સવાર ચાર પાકિસ્તાની માછીમારોની અટકાયત કરી, બોટ કબજે લીધી હતી. ઝડપાયેલા શખ્સોની પ્રાથમિક ઓળખ (1) કાદિર થાઇમોર, (2) મુહમ્મદ મુસા, (3) અઝગર થાઇમોર અને (4) અહસાન જાટ (તમામ રહેવાસી : ચાચા જાન ખાન, જિલ્લો સિંધ, પાકિસ્તાન) તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં તેઓ કરચલા પકડવાના બહાને ભારતીય જળસીમામાં ઘૂસ્યા હોવાનું રટણ કરી રહ્યા છે. સુરક્ષા દળો દ્વારા બોટ તેમજ તમામ શખ્સોની સઘન તલાશી લેવામાં આવી હતી, જો કે, હાલ તેમની પાસેથી કોઈ શંકાસ્પદ કે વાંધાજનક સામગ્રી મળી આવી નથી.  - સતત બીજા સપ્તાહે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ : અત્રે ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે શુક્રવારના પણ ચૌહાણ નાડા, અડાલા અને પબેવારી ક્રીક વિસ્તારમાંથી બીએસએફે બે પાકિસ્તાની બોટ સાથે એક પુખ્ત અને એક સગીર વયના નાગરિકને દબોચી લીધા હતા. આ ઘટના બાદ સરહદે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવાઈ હતી અને અવિરત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સતત પેટ્રાલિંગનાં પરિણામે જ બીએસએફ ને ગણતરીના દિવસોમાં ફરી એક બોટ અને ચાર ઘૂસણખોરને ઝડપી લેવામાં મોટી સફળતા સાંપડી છે. પકડાયેલા ચારેય પાકિસ્તાની નાગરિકોને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે લખપત તાલુકાનાં નારાયણ સરોવર પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારબાદ તેમને સંયુક્ત પૂછપરછ કેન્દ્ર ખાતે ખસેડી ગુપ્તચર એજન્સીઓ દ્વારા તેમની આ ઘૂસણખોરી પાછળનો ચોક્કસ ઈરાદો જાણવા વધુ પૂછપરછ કરવામાં આવશે. આ ઘટના બાદ પણ સરહદે બીએસએફ દ્વારા દરિયાઈ અને ક્રીક ક્ષેત્રમાં અવિરત પેટ્રાલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd