ગાંધીધામ, તા. 7 : અંજાર તાલુકાના વરસામેડી ગામમાં
બનેલી ચકચારી અને હૃદય કંપાવનારી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો
છે. અનૈતિક સંબંધોના કારણે રચાયેલા આ લોહિયાળ ખેલમાં પ્રેમીએ પ્રેમિકાને પતિની ક્રૂરતાપૂર્વક
હત્યા કરી, લાશના બે ટુકડા કરી તળાવમાં
ફેંકી દીધા હોવાનું બહાર આવતાં પોલીસે આ શખ્સને ઝડપી પાડયો હતો. વરસામેડીની સરદાર સરોવર
સોસાયટીમાં રહેનાર લખુ રૂડા હુંબલ (આહીર) તે તેમનો દીકરો રવિ તા. 31/8ના ટોલનાકા નજીક ખેતરે ચોકી
કરવા મૂકી આવ્યો હતો. બાદમાં તેના પિતા ઘરે ન આવતાં તેની શોધખોળ કરાઈ હતી. દરમ્યાન
કેનાલ બાજુથી આ યુવાનનો મોબાઈલ મળી આવ્યો હતો. આ અંગે પોલીસ મથકે ગુમ નોંધ પણ કરાઈ
હતી. દરમ્યાન તા. પ/9ના ઢળતી બપોરે
ગામના તળાવમાંથી બે કોથળામાં બે કટકા કરાયેલી લાશ મળી આવી હતી, જેના કારણે પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી.
પોલીસે ખાનગી બાતમીદારો અને ટેકનિકલ વિગતોના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં લખુભાઈના પત્ની સાથે પાડોશમાં જ રહેતા મૂળ પલાંસવા - રાપરના દિનેશ રાયધણ
ઠાકોર સાથે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સને ઉપાડી તેની યુક્તિ-પ્રયુક્તિથી
ઊંડાણપૂર્વક પૂછપરછ કરાતાં આ શખ્સ ભાંગી પડયો હતો અને આ હત્યાકાંડની કબૂલાત તેણે પોલીસ
સમક્ષ આપી હતી. તેણે ખુલાસો કર્યો હતો કે, લખુભાઈને અમારા દોઢેક
વર્ષથી ચાલતા પ્રેમ સંબંધની શંકા ગઈ હતી અને તે મને મારી નાખશે તેવો ડર લાગતાં મેં
તેને પતાવી દેવાનું આયોજન કર્યું હતું. ગત તા. 31/8ના મોડી રાત્રે મેં લખુભાઈને
કામના બહાને મારા ઘરે બોલાવ્યા હતા અને વાતચીત દરમ્યાન પાછળથી લોખંડના રોડ વડે માથામાં
ઘા ઝીંકી દઈ તેની હત્યા નીપજાવી હતી. આ શખ્સે લખુ આહીરને પતાવી નાખ્યા બાદ આખી રાત
લાશ ઘરમાં જ પડી રહી હતી. તેણે લાશને ઘરેથી થોડે દૂર તળાવમાં નાખવાનું વિચાર્યું હતું, પરંતુ છ એક ફૂટ લાંબા લખુભાઈની લાશ આ શખ્સથી
ઉપડી નહોતી. આખી રાત લાશ ત્યાં પડી રહ્યા બાદ માથામાંથી લોહી નીકળી ગયું હતું તેમજ
સવારે આ શખ્સ રત્નમણિ કંપનીમાં કામે લાગી ગયો હતો. દરમ્યાન પોલીસને ગુમરાહ કરવાના હેતુથી
તેણે લખુભાઈનો ફોન ધોરીમાર્ગથી અડધો કિ.મી. દૂર સામેની બાજુ કાચા રસ્તા પર ફેંકી દીધો
હતો. કામેથી ઘરે આવ્યા બાદ લાશનો નિકાલ કરવા માટે આ શખ્સ ક્રૂર બની ગયો હતો અને લાશના
બે ટુકડા કરવા ઘરમાં રહેલ હેક્સો બ્લેડ (કરવત)થી તેણે લાશના બે ટુકડા કર્યા હતા અને
અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભરીને એક-એક કરી ગામના તળાવમાં મોડી રાત્રે ફેંકી દીધા
હોવાનું પોલીસવડા સાગર બાગમારે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું. હૃદય કંપાવનારી
અને દારૂણ હત્યાના આ પ્રકરણમાં ઝડપાયેલા શખ્સને આવતીકાલે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં
રજૂ કરાશે. આ કાર્યવાહીમાં અંજાર પી.આઈ. એચ.એ. જાડેજા, એલ.સી.બી.
પી.આઈ. જે.એમ. વાળા, પી.એસ.આઈ. એસ.જી. વાળા, ડી.જી. પટેલ તથા ટીમ જોડાઈ હતી.