ભુજ, તા. 27 : ઘણીવાર એવા બનાવો સામે આવે જે આક્રોશની સાથોસાથ રમૂજ પણ ઉપજાવે.... આવો જ એક બનાવ માધાપરની એક સોસાયટીમાંથી સામે આવ્યો છે, જેમાં બે બંધ ઘરના અડધી રાત્રે તસ્કરો (મોંઘેરા મહેમાન) આવ્યા હતા. ઘરને વેરવિખેર કર્યાં પણ કંઇ ખાસ ન મળતાં સ્વેચ્છાએ મહેમાનગતિ મારી હોય તેમ અડદિયા ખાધા અને ગેસ ઉપર દૂધ ગરમ કરી તેમાં ડ્રાયફ્રૂટ નાખી પીધું હોવાનું સામે આવ્યું છે. ભુજ-માધાપરને જોડતા વિસ્તારની કચ્છમિત્ર કોલોનીમાં બનેલા આ બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ 26મી જાન્યુઆરીની રજા હોવાથી 25મીના સાંજે માધાપરની એક સોસાયટીમાં સામસામેના બે મકાનના પરિજનો ઘર બંધ કરી બહારગામ ગયા હતા. સવારે બંને ઘરમાં ચોરી થયાનું સામે આવતાં પાડોશીઓએ ઘર માલિકોને જાણ કરી હતી. એક ઘરમાં સામાન વેરવિખેર હતો, ઘરમાલિકોએ ચકાસણી કરતાં ચાંદીની મૂર્તિ, થોડી રોકડ સિવાય કંઇ ન ગયાનું સામે આવ્યું હતું, પરંતુ રસોડામાંથી અડદિયા ગૂમ હતા તેમજ છાશ અને દહીં પણ આ તસ્કરો ગટગટાવી ગયા હતા. આ બાદ બીજા ઘરમાલિક પણ પોતાનો પ્રવાસ અધવચ્ચે ઘરે દોડી આવ્યા અને હાશકારો અનુભવ્યો. કંઇ નથી ગયું પણ તસ્કરોએ દૂધ ગરમ કરી ડ્રાયફ્રૂટની લિજ્જત કહો કે સ્વેચ્છાએ મહેમાનગતિ માણીને ચાલ્યા ગયા હતા. આ બનાવ બાદ પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી, પરંતુ ભોગ બનનારાઓનું કંઇ ખાસ ન જતાં ફરિયાદ ટળાઇ હતી.