ભુજ, તા. 27 : ગત તા. 21/1ના બુધવારે મુંદરાના લુણી પાસે
ગણેશ મંદિરે પગે જતી ગુંદાલાની ચાર મહિલાને અજાણ્યા વાહને હડફેટે લેતાં માનબાઇ લીલાધરભાઇ
દાફડાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે લાલબાઇ કાયાભાઇ દાફડાનું
ગઇકાલે સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. આ કરુણ બનાવ અંગે આજે મુંદરા મરિન પોલીસ મથકે
ગુંદાલાના 60 વર્ષીય લક્ષ્મીબેન ઉર્ફે લખમાબાઇ
ખમુભાઇ દાફડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 21/1ના તે તથા તેના જેઠાણી માનબાઇ અને બહેન લાલબાઇ તથા ભત્રીજી ધનબાઇ
વેલજી દાફડા (રહે. ચારે ગુંદાલા) લુણીના ગણેશ મંદિરે દર્શન કરવા ગુંદાલાથી રિક્ષામાં
બેસીને લુણી ચાર રસ્તા પાસે ઉતર્યા હતા. ત્યાંથી ગણેશ મંદિર જવા પગપાળા નીકળ્યા હતા
અને અડધો કિ.મી. ચાલતા ચારેય બહેનોને પાછળથી પૂરપાટ આવતા સફેદ ટેમ્પા જેવા જેની અંદર
વાસડા ભરેલા હતા તે અજાણ્યા વાહને ચારેને હડફેટે લેતાં જેઠાણી માનબાઇને માથામાં ગંભીર
ઇજા પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ફરિયાદી લક્ષ્મીબેન અને ધનબાઇને
મુઢમાર જેવી ઇજા પહોંચી હતી અને તેમની બહેન લાલબાઇને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા
પહોંચી હતી. લાલબાઇને વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયા હતા જ્યાં ગઇકાલે સારવાર દરમ્યાન
તેમનું મોત નીપજ્યું હતું. આ ફરિયાદના આધારે મુંદરા મરિન પોલીસે અજાણ્યા સફેદ ટેમ્પાચાલક
વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.