• બુધવાર, 28 જાન્યુઆરી, 2026

અબડાસાના મિયાણીમાં લીઝ પર જવાના રસ્તા મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

ભુજ, તા. 27 :  અબડાસા તાલુકાના  મિયાણી ગામે લીઝ પર જવાના રસ્તા બાબતે બે જૂથો વચ્ચે હથિયારો સાથે હિંસક અથડામણ સર્જાતાં પંથકમાં  ચકચાર મચી હતી. આ ઘટનામાં બંને પક્ષો દ્વારા સામસામી  ફરિયાદ નોંધાવવામાં આવી છે.  આ  બનાવ અંગે કોઠારા પોલીસ મથકમાં ફરિયાદી અલ્તાફ મોહમ્મદહુશેન જતે લખાવેલી ફરિયાદ મુજબ  મિયાણી ગામની સીમમાં આવેલી લીઝ પાસે આરોપીઓએ હિટાચી મશીન વડે રસ્તો બંધ કરી દીધો હતો. આ બાબતે સમજાવવા જતાં આરોપીઓએ ઉશ્કેરાઈને લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિને પાઈપના ફટકા મારી હાથમાં અસ્થિભંગ જેવી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આ મામલે આરોપી હનીફ જાકબબાવા પઢિયાર, હાફિઝ કાસમ પઢિયાર, ગફુર પઢિયાર, અજીમ પઢિયાર, સલીમ પઢિયાર અને કારા મામદ  સાડ (રહે. બધા નુંધાતડ) અને અન્ય અજાણ્યા પંદરેક જેટલા લોકો સામે ગુનો નોંધાવ્યો હતો. જ્યારે સામા પક્ષે હમીદ જાનમામદ હિંગોરાએ પણ નોંધાવેલી ફરિયાદમાં તેમણે આક્ષેપ કર્યો, કે માટીનો પાળો કરવા બાબતે બોલાચાલી કરી આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી હુમલો કર્યો હતો.  આરોપીઓએ ફરિયાદીના ખિસ્સામાંથી રોકડા રૂપિયા દસ હજારની લૂંટ ચલાવી હતી અને હિટાચી મશીનની ચાવી પણ ઝૂંટવી લીધી હતી. એટલું જ નહીં, પથ્થરમારો કરીને હિટાચી મશીનના કાચ તોડી અંદાજે દોઢ લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડયું હતું અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આરોપીઓ રિયાઝ મામદહુસેન હિંગોરા, અલ્તાફ મામદહુસેન હિંગોરા, જાવેદ મામદહુસેન હિંગોરા, મામદહુસેન હિંગોરા, નાનાડો હિંગોરા તેમજ અન્ય પાંચ ઈસમો સામે ગુનો નોંધાવ્યો હતો. મહાવ્યથા સહિતની વિવિધ કલમો તળે ગુના દાખલ કરી કોઠારા પોલીસે તપાસ હાથ ધરી છે. બે દિવસ પૂર્વેના આ બનાવના પગલે વિસ્તારમાં ચકચાર પ્રસરી હતી. 

Panchang

dd