ભુજ, તા. 26 : શહેરનાં સુરલભીટ મંદિર પાછળ સીમમાં ખુલ્લા
પ્લોટના વાડામાં પ્લાસ્ટિકના કોઈન સાથે તીનપત્તીનો જુગાર રમતા સાત ખેલીને રોકડા રૂા.
60,200 સહિત 2.75 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દરોડો પાડી
ઝડપી પાડયા હતા. ગઈકાલે રાતે બી - ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી
મળતાં રાત્રે એક વાગ્યાના અરસામાં દરોડો પાડયો હતો. સુરલભીટ મંદિર પાછળ આવેલા સીમ વિસ્તારમાં
ખુલ્લા પ્લોટના વાડામાં છાપરાં નીચે ગોળકુંડાળું કરી ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર
રમતા લતીફ જુસબ કુંભાર, ઉમર ઈસ્માઈલ સોઢા, મોસીન આદમ સાડ, કાસમ હાજી કુંભાર, સલીમભાઈ જુસબ કુંભાર,
મોહંમદશરીફ સીધીક મુતવા અને રિયાઝ સીદીક
કુંભાર (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 60,200, સાત મોબાઈલ કિં. રૂા. 65,000, છ ટુ - વ્હીલર્સ કિં. રૂા. 1,50,000 તથા 420 પ્લાસ્ટિકના કોઈન એમ કુલ્લે રૂા. 2,75,200નો મુદ્દામાલ દરોડા દરમ્યાન પોલીસે હસ્તગત
કરી સાતે ખેલીઓ વિરુદ્ધ જુગારધારા તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.