ગાંધીધામ, તા. 26 : અહીંથી ભચાઉ તરફ જતા છ માર્ગીય માર્ગ ઉપર અજાણ્યા વાહન પાછળ ગાડી ઘૂસી
જવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતા-પુત્ર વિજયભાઈ
ચંદુભાઈ ગોહિલ (ઉ.વ. 40) તથા દીપ વિજયભાઈ ગોહિલ (ઉ.વ. 7)નું મૃત્યુ થયું હતું. આ બનાવમાં બે જણને
ઈજા પહોંચી હોવાના અહેવાલ સાંપડયા હતા. ગાંધીધામમાં લોડર (ટેક્ટર)એ હડફેટે લેતાં ગંભીર
રીતે ઈજાગ્રસ્ત મોટર સાઈકલચાલક હિતેશ બીજિયા
કટારાનું અવસાન થયું હતું. ભચાઉ નજીક અણુશક્તિ કંપનથી ગોલ્ડન હોટલ વચ્ચે વેલોરા પ્લાય
કંપની સામે આજે બપોરે 1.30 વાગ્યાના
અરસામાં આ કરુણાંતિકા સર્જાઈ હતી. ભચાઉ તાલુકાના
નંદગામના વિજયભાઈ તેમના પરિવાર સાથે મારુતિ સ્વીફ્ટ ડિઝાયર ગાડી નં. જીજે-12-બીઆર-2048 લઈને લલિયાણાથી પરત ફરી રહ્યા હતા. દરમ્યાન
અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગાડી ચલાવતા વિજયભાઈ
અને તેમના પુત્ર દીપને ગંભીર પ્રકારની ઈજા પહોંચતાં મૃત્યુ થયું હોવાનું પોલીસે હોસ્પિટલ
નોંધને ટાંકીને જણાવ્યું હતું તેમજ ગાડીમાં બેઠેલા ભાવનાબેન વિજયભાઈ ગોહિલ (ઉ.વ. 35) તથા કાવ્યા વિજયભાઈ ગોહિલ
(ઉ.વ. 13)ને ઈજા પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તની સારવાર તળે હોવાનું પોલીસે
ઉમેર્યું હતું.ગાડી કોઈ અજાણ્યા વાહનની પાછળ ઘૂસી જતાં અકસ્માત થયો હોવાનું પ્રાથમિક
તારણ પોલીસે વ્યક્ત કર્યું હતું. લાભપાંચમના દિવસે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના
બે સભ્યનાં મૃત્યુ લઈને ગમગીની પ્રસરી હતી. ગાંધીધામમાં ઝોન પુલિયા પાસે બંશલ હોટલ
સામેના રોડ ઉપર ગત તા. 19/10ના રાત્રિના
8.48 વાગ્યાના અરસામાં અકસ્માતનો
બનાવ બન્યો હતો. લોડર (ટેક્ટર) નં. જીજે-39-સી-0078ના ચાલકે
હિરો હોન્ડા મોટરસાઈકલ નં. જીજે-12-એએફ-3896ને ટક્કર મારી હતી. મોટરસાઈકલ
ચાલક હિતેશભાઈને લોડરના બકેટના દાતા વાગવાથી તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે
આંખો મીંચી લીધી હતી.