ભુજ, તા. 9 : ગઈકાલે
નલિયાનો પરિવાર તેના અન્ય સંબંધી અને મિત્રો સાથે માંડવી ફરવા જવાનું ગોઠવી નલિયાથી
ઈકો ગાડી લઈ નીકળ્યા બાદ પરત થતી વેળાએ બાયઠ પાસે ઊભેલી ટ્રકમાં ઈકો ગાડી ઘૂસી જતાં
ચાર વર્ષીય માસૂમ ખુશનૈન મોહમદ શકલૈન મોહમદ સતાર નડાફ (નલિયા)ને માથામાં ગંભીર ઈજા
થતાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે ખુશનૈનની માતા અને મોટી બહેન
ઘાયલ થયા હતા તેમજ અન્યોને ઓછી - વત્તી ઈજાઓ પહોંચી હતી. આ અંગે કોડાય પોલીસ મથકે આજે
નલિયા રહેતા મોહમદ શકલૈન મોહમદ સતાર નડાફે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે સવારે તે તથા
તેના પત્ની રુબીના ખાતુન તથા દીકરી યાસ્મીન ખાતુન અને દીકરો ખુશનૈન તેમજ તેમનો સાળો
તથા કામ કરતા મિત્રો પરિવાર સાથે માંડવી ફરવાનું નક્કી કરી નલિયાના બસ સ્ટેશન પાસે
ઈકો ગાડી નં. જી. જે. 12 એફ.ડી.
9904વાળી ચાલક ઉમર હુસેન મોકરશી (રહે. ભદ્રાવાંઢ, તા. અબડાસા) સાથે ભાડું નક્કી કરી માંડવી ફરવા ગયા હતા. માંડવી ફરી સાંજે ચારેક
વાગ્યે માંડવીથી પરત નલિયા આવવા નીકળ્યા હતા. ચાલકનું ધ્યાન સતત ફોનમાં હતું અને ફોન
ચાર્જિંગ કરવા તેણે બન્ને હાથ સ્ટેયરિંગ પરથી લઈ લીધા હતા. તેનું ધ્યાન ચાર્જિંગ પર
જ હતું. માંડવી-નલિયા ધોરીમાર્ગે બાયઠ પાસે રોડની કિનારે ટ્રક ઊભી હતી અને ફરિયાદીનું
ધ્યાન ટ્રક પર જતાં રાડ કરતાં ચાલક ગભરાઈ ગયો અને બ્રેક પણ ન મારતાં ઈકો ગાડી ટ્રકના
ઠાંઠાંમાં ઘૂસી ગઈ હતી. ચાર વર્ષીય દીકરા ખુશનૈનને માથાંમાં ગંભીર ઈજા પહોંચી હતી.
પત્ની રુબીનાને હાથના કાંડા તથા સાથળમાં ગંભીર ઈજા તથા દીકરી યાસ્મીનને મોઢામાં દશેક
ટાંકા આવ્યાની અને અન્યોને ઓછી-વત્તી ઈજાઓ થઈ હતી. 108 મારફત ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલ ખસેડાયા હતા. ખુશનૈનને
તબીબે મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડયું હતું. આ ગમગીન બનાવ અંગે ઈકો ગાડીચાલક
વિરુદ્ધ કોડાય પોલીસે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.