ભારે મજબૂત લોકશાહી વ્યવસ્થા ધરાવતા ભારતમાં ન્યાયપાલિકાની ગરિમા
અને વિશ્વાસનું મહત્ત્વ અનોખું રહ્યંy છે. લોકશાહીના તમામ સ્તંભોના કામકાજમાં પારદર્શકતા અને પ્રામાણિક્તાની
અનિવાર્યતા સતત સામે આવતી રહી છે. બંધારણીય સંસ્થાઓની કામગીરી સામે ન્યાયપાલિકા સતત
નજર રાખતી રહી છે, પણ છેલ્લા
થોડા સમયથી ન્યાયપાલિકાની સામે ભ્રષ્ટાચારના નાના - મોટા આરોપો સામે આવતા સામાન્ય નાગરિકોથી
માંડીને વરિષ્ઠ ન્યાયાધીશો અને ધારાશાત્રીઓ તમામની સામે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ રહી
છે. આમ તો દેશમાં નીચલી અદાલતોની કામગીરીમાં
ભ્રષ્ટાચારના આરોપો સામે આવતા રહેતા હોય છે, પણ છેલ્લાં થોડા
વર્ષોથી ઉપલી અદાલતોની સામે પણ આવા ગંભીર આરોપો લાગવા માંડયા છે. આનાથી દેશમાં ન્યાયપાલિકાની સાખ સામે સવાલ ઊભા થઈ
રહ્યા છે. આવા ચિંતાજનક સવાલોના સંજોગો વચ્ચે દેશના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જે
રીતે આ સમસ્યાનો સ્પષ્ટપણે સ્વીકાર કર્યો છે અને તેના ઉકેલ માટે સંકલ્પનો પુનરોચ્ચાર
કર્યો છે તેનાથી હકારાત્મક પરિણામની આશા જાગી છે. એક ચર્ચામાં ભાગ લેતા મુખ્ય ન્યાયમૂર્તિએ
કહ્યંy કે, ભ્રષ્ટાચાર અને ગેરરીતિના બનાવોથી લોકોનો વિશ્વાસ તૂટે છે. આ વાત તેમણે દિલ્હીની
વડી અદાલતના ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસસ્થાનેથી મળેલી બળેલી રોકડ રકમના સંદર્ભમાં
કરી હતી. મુખ્ય ન્યાયાધીશે ભારતીય ન્યાયતંત્રમાં ઘર કરી રહેલી તમામ સમસ્યાઓનો સીધો
સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડાં વર્ષોથી સર્વોચ્ચ
અદાલત અને અમુક વડી અદાલતોના ન્યાયાધીશો દ્વારા રાજકીય દબાણ તળે અથવા વ્યક્તિગત સ્વાર્થ
માટે ચુકાદા અપાતા હોવા અંગે ભારે અસંતોષ વ્યક્ત થતો રહ્યો છે. અમુક ન્યાયમૂર્તિઓ નિવૃત્તિ
બાદ સરકારી પદ સ્વીકારતા થયા છે તો કોઈ ચૂંટણીમાં ઝંપલાવે છે. આ વલણને કોઈ પણ રીતે
નૈતિક માની શકાય નહીં. જો કે, હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોએ સંયુક્ત રીતે સંકલ્પ લીધો છે કે,
તેઓ નિવૃત્તિ બાદ કોઈ સરકારી હોદ્દાનો સ્વીકાર કરશે નહીં તથા રાજીનામું
આપીને ચૂંટણી લડશે નહીં. આનાથી આશા જાગી છે કે, સર્વોચ્ચ અદાલતના
ન્યાયાધીશ કોઈ પણ દબાણ વગર ચુકાદા આપી શકશે. ન્યાયતંત્ર કોઈ પણ દબાણમાં કે શેહ-શરમમાં
આવે નહીં તે માટે ચીફ જસ્ટિસના પ્રયાસ ખરા અર્થમાં આવકાર્ય ગણી શકાય તેવા છે. ન્યાયતંત્રમાં
વિશ્વાસ અતૂટ રહે એ દેશનાં હિતમાં અનિવાર્ય છે. ભારતીય લોકશાહી માટે ન્યાયતંત્ર એક
એવો સ્તંભ છે જે રાજકીય અને સરકારી આચરણ પર અંકુશ લગાવી શકવાનો અધિકાર ધરાવે છે,
જ્યારે જ્યારે ન્યાયતંત્રમાં નબળાઈ જણાઈ છે ત્યારે ત્યારે દેશમાં લોકશાહી
પણ નબળી પડે છે. આવા સંજોગોમાં ન્યાયતંત્રને મજબૂત રાખવા માટે ન્યાયાધીશોના આચરણ અનિવાર્ય
બની રહે છે. છેલ્લા થોડાં વર્ષોમાં આમાં આવેલી સમસ્યાના ઉકેલ માટે મુખ્ય ન્યાયાધીશે
જે રીતે સ્પષ્ટ વાત સાથે કમર કસી છે તેનાથી ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ફરી મજબૂત
બને એવી આશા જાગી રહી છે.