• સોમવાર, 16 જૂન, 2025

મોદીયુગનાં 11 વર્ષ; નવા ભારતની દિશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની એન.ડી.એ. સરકારે ત્રીજા કાયકાળનું પહેલું વર્ષ પૂરું કરી લીધું છે. 400 બેઠકના લક્ષ્ય સાથે લોકસભા ચૂંટણી લડનાર ભાજપને પૂર્ણ બહુમતી ન મળી અને જેડી (યુ) તથા ટીડીપીના સાથથી સરકારની રચના થઇ, એ સમયે અંદાજ એવો હતો કે સરકારે  ભારે દબાણ હેઠળ કામ કરવું પડશે, પરંતુ ધારણાથી વિપરીત સુશાસનનું પહેલું વર્ષ રાજકીય દૃઢતા અને કડક નિર્ણયોનું રહ્યું. આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર ભારતની વીજળી ત્રાટકી... સિંધુ જળ સંધિ અને વેપાર સંબંધોય  સ્થગિત કરતા નિર્ણય સાથે `ઓપરેશન સિંદૂર' હાથ ધરીને નાપાક પડોશીને બરોબરનો પાઠ ભણાવાયો.

આમ, રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશનીતિ, અર્થતંત્ર તેમજ લોકોને સીધી મદદરૂપ થતી યોજનાઓને જોતાં આખું  વર્ષ સફળ રહ્યું. રાજકીય મોરચે જોઇએ, તો ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં નિષ્ફળતા મળી, પણ એ પછી મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હી ચૂંટણીમાં ભવ્ય જીતે સરકારનો આત્મવિશ્વાસ વધાર્યો... બે મોટા સહયોગી નીતીશકુમાર અને ચંદ્રાબાબુ પ્રેશર પોલિટિક્સ કરી ન શક્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક  સંદેશમાં યોગ્ય જ કહ્યું છે કે દેશની 140 કરોડ જનતાના આશીર્વાદથી ભારત નોંધપાત્ર પરિવર્તન લાવી શક્યું છે અને બીજી અનેક ઉપલબ્ધિ હાંસલ કરવાની દિશામાં અગ્રેસર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતનાં નિર્માણમાં રાજ્યનાં યોગદાનની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

મોદી સરકાર પાસે અનેક સિદ્ધિઓનું ભાથું છે, સાથે આવનારાં વર્ષો માટેનો પેન્ડિંગ એજન્ડાએ છે. નરેન્દ્ર મોદીએ સામાન્ય જનનું જીવન સરળ બને એ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ગયાં બજેટમાં 12 લાખ સુધીની આવક કરમુક્ત કરીને પગારદાર વર્ગને ખુશ કરી દીધો. એકીકૃત પેન્શન યોજના અને 70 વર્ષથી ઉપરની વયના બુઝુર્ગો માટે આયુષ્યમાન કાર્ડ યોજના જનઉપયોગી છે. એ ઉપરાંત, એક રાષ્ટ્ર એક  ચૂંટણી પર લોકસભામાં ખરડો લાવીને દૃઢ ઇચ્છાશક્તિ દર્શાવી છે. નવો ફોજદારી કાયદો, જાતિગત વસતી ગણતરી, વકફ કાનૂન સંશોધન જેવાં પગલાં ક્રાંતિકારી અને દુરોગામી અસર પાડનારાં કહી શકાય. સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓથી ચિંતિત સરકારે એ દિશામાં કાયદા ધારદાર બનાવ્યા અને લોકોને કૌભાંડીઓનો  શિકાર બનતા રોકવા માહિતી પ્રસારનાં પગલાં લીધાં છે.

નક્સલવાદ દેશ સામે મોટો પડકાર રહ્યો છે. માઓવાદ પર કમરતોડ પ્રહાર કરાતાં લાલ આતંકવાદ મરણપથારીએ છે. ગૃહમંત્રી અમિત શાહે માઓવાદને એપ્રિલ 2026 સુધીમાં નેસ્તનાબૂદ કરી દેવાની બાંહેધરી આપી છે. ત્રિપુરામાંય શાંતિ સમજૂતીથી ચાર દાયકાની અશાંતિનો અંત  આણ્યો છે. હા, હજુ મણિપુર સરકાર માટે  દૂઝતો ઘાવ છે. અહીં હિંસા રોકાવાનું નામ નથી લેતી. એ સિવાય દક્ષિણ રાજ્યોનો હિન્દી વિરોધ ભારતની એકતાનો રાગ  બેસૂરો બનાવી રહ્યો છે.

એનડીએ સકારની સિદ્ધિઓ વચ્ચે ભાજપના દાવા મુજબ મોદી સરકારના કાર્યકાળ દરમ્યાન 17 કરોડ નવી નોકરી થઇ અને સ્ટાર્ટ-અપથી 1.61 લાખ યુવાનને રોજગાર મળ્યો, પરંતુ કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી શાસનને વિફળ લેખાવી રહ્યા છે. ખાસ તો, રોજગારી મોરચે સરકાર કંઇ પરિણામ આપી શકી નથી એવો વિપક્ષનો આરોપ છે. અલબત્ત, ગરીબી નાબૂદીની દિશામાં સારી પ્રગતિ થઇ છે. છેલ્લાં 11 વર્ષમાં ગરીબીમાં 21.8 ટકાનો ઘટાડો નોંધાયો, એનો અર્થ એ કે દેશના 17 કરોડ લોકો અતિ ગરીબીની રેખામાંથી બહાર આવી શક્યા. ગરીબોને મફત અનાજ, ઉજ્જવલા યોજનાએ આ દિશામાં મોટી રાહત આપી છે. એ ઉપરાંત, ટેકનોલોજીના ઉપયોગથી રોજબરોજનું જીવન સરળ બનાવવાનાં પગલાંએ નોંધનીય છે. સરકારી યોજનાઓનાં નાણાં ગરીબ, શ્રમજીવી, કિસાનો, મહિલાઓનાં ખાતાંમાં જમા થઇ રહ્યાં છે એ ક્રાંતિકારી કદમ છે.

મોદી સરકારનું લક્ષ્ય 2047 સુધી `િવકસિત ભારત'નું છે. એ દિશામાં ઘણું કામ બાકી છે. એનડીએના ચૂંટણી ઘોષણાપત્રમાં સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ, સમાન નાગરિક કાનૂન તેમજ દેશમાં તમામ ચૂંટણીઓ માટે જ એક જ મતદાર યાદી જેવાં અપાયેલાં વચનોનું પાલન આવનારાં વર્ષોના એજન્ડામાં રહેશે. એ ઉપરાંત, હજુ ભ્રષ્ટાચાર નિર્મૂલન અને સમાજના વિભિન્ન વર્ગ વચ્ચે આવકની અસમાનતા દૂર કરવાનો પડકાર મોટો છે. `િવકસિત' દેશનું પ્રતિષ્ઠાભર્યું લેબલ ત્યારે જ લાગશે, જ્યારે યુરોપના દેશો જેવી આર્થિક સમાનતા હશે, માનવ સંસાધન ક્ષેત્રે  ઉચ્ચ માપદંડ પ્રાપ્ત કર્યા હશે. એ દિશામાં સરકારે ગતિશીલ બનવું રહ્યું.

વિરોધ પક્ષનો પોતાનો દૃષ્ટિકોણ હોય એ સ્વાભાવિક છે, પણ દેશની જનતા સરકારનાં કામકાજથી મહદ્ અંશે સંતુષ્ટ જણાય છે. વિશ્વ મોરચે ભારતનું માનપાન વધ્યું છે. કેનેડા સાથેના સંબંધોમાં કડવાશ છતાં ત્યાં યોજાનારી જી - 7 શિખર બેઠકમાં કેનેડિયન વડાપ્રધાનને નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ - ભારતની ભૂમિકા  અનિવાર્ય  લાગતી હોય, એ આપણી સફળતા છે.

આવનારાં વર્ષ મોદી સરકાર માટે ચાવીરૂપ રહેશે. બિહારમાં વિધાનસભા ચૂંટણી  વર્ષાન્તે છે. એ સિવાય રાજદ્વારી મોરચે અમેરિકા સાથે સંબંધોમાં સમતુલા કેળવવી પડશે. તરંગી ડોનાલ્ડ ટ્રમ્પને સાચવવા આસાન નહીં હોય. નાપાક પડોશી રાષ્ટ્ર તેના મિત્ર ચીન ઉપરાંત  બાંગલાદેશ ઉપરે ભારતે બાજનજર રાખવી રહી. ચીને ભારત સાથેના સંબંધોમાં સુધારાનો દેખાવ કર્યો છે. તેના વિદેશમંત્રી દ્વારા અધિકૃત નિવેદને આપ્યું છે, પરંતુ તેનો પાકિસ્તાન પ્રેમ જાણીતો છે. સિંધુનો પ્રવાહ રોકાયા પછી મુશ્કેલીમાં મૂકાયેલું પાકિસ્તાન ચીનના શરણે દોડવા માંડયું ને બીજિંગે બ્રહ્મપુત્રાનું પાણી ભારતને રોકવાની પરોક્ષ ચીમકીએ આપી છે. ટૂંકમાં આપણા પાડોશી દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધો કદીએ નહોતા એવા નાજૂક દોરમાં છે. મોદી સરકારે સમજદારીથી વાણી-વ્યવહાર કરવો પડશે. એકંદરે મોદી આત્મવિશ્વસ્થ અને  પોતાના વિચારોમાં સુસ્પષ્ટ છે, એમાં કોઇ મીનમેખ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd