ગાંધીધામ, તા. 15 : અંજારની વ્યાજખોર ટોળકીની વધુ
ત્રણ મિલકત પોલીસે ટાંચમાં લીધી હતી. મેઘપર બોરીચી અને અંજારની આ રૂા. 39,08,309ની મિલકતો જપ્ત કરી ટાંચમાં
લેવાતાં આવા તત્ત્વામાં ફફડાટ પ્રસર્યો હતો. પૂર્વ કચ્છમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરતી
ટોળકી વિરુદ્ધ જરૂરી કાયદાકીય પગલાં લઇ કાયદેસરની કાર્યવાહી કરવા પૂર્વ કચ્છ પોલીસ
અધીક્ષક સાગર બાગમારે પોલીસને સૂચના આપી હતી. દરમ્યાન, ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ
ક્રાઇમ એક્ટ-2015 મુજબના શિક્ષાને
પાત્ર ગુનાની વ્યાખ્યામાં આવતી હોય તેવી સંગઠિત ટોળકીના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવા
પોલીસે કમર કરી હતી. અંજારની રિયા ઇશ્વરગર ગોસ્વામી,
આરતી ઇશ્વરગર ગોસ્વામી તથા તેજસ ઇશ્વરગર ગોસ્વામી વિરુદ્ધ અગાઉ નાણાં
ધીરધાર સહિતની કલમો તળે ગુના નોંધાયેલા છે. પોતાના આર્થિક ફાયદા માટે ગુના આચરી મિલકતો
પ્રાપ્ત કરનાર તેમના વિરુદ્ધ ગુજસીટોકની કલમ-15 મુજબ કાર્યવાહી કરવા ગાંધીનગર
ગૃહ વિભાગને દરખાસ્ત મોકલવામાં આવી હતી. ત્યાંથી દરખાસ્ત મંજૂર થઇ હતી. દરમ્યાન, રિયા ગોસ્વામીના નામે આવેલ અંજાર વોર્ડ 12 પ્લોટ નં. 48, દેવનગર તથા તેમની માતાના નામે
વસાવેલ અંજાર વોર્ડ 12, ગંગોત્રી-02 પ્લોટ નંબર 132 અને મેઘપર બોરીચી મકલેશ્વર
નગર, પ્લોટ નં. 53 એમ કુલ રૂા. 39,08,309ની મિલકતો પોલીસે સીલ મારી
ટાંચમાં લીધી હતી. પોલીસની આવી કડક કાર્યવાહીથી આવાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હતો.