• બુધવાર, 07 મે, 2025

બે અકસ્માતમાં ભુજના બે યુવાને જીવ ખોયા

ભુજ, તા. 5 : ગઇકાલે રાતે ભુજની ભાગોળે માંડવી રોડ તરફ લક્કીવાળી ચાડી પાસે ભુજના બાઇકચાલક યુવાન ધનજી લાખા જોગી (ઉ.વ. 46)ને અકસ્માત નડતાં તેનો જીવનદીપ બુઝાયો હતો, જ્યારે મુંદરા માર્ગે બાબિયા બાટિયા માર્ગમાં ખાડાના લીધે બાઇકે કાબૂ ગુમાવતાં બાઇકની પાછળ બેઠેલા ભુજના 23 વર્ષીય યુવાન નોતિયાર આસિફ સલીમને ગંભીર ઇજાનાં પગલે તેનું મોત નીપજ્યું હતું. ભુજના સરપટ નાકા બહાર રહેતા ધનજી જોગી ગઇકાલે રાત્રે ભુજથી માંડવી બાઇક નં. જી.જે. -12-ડી.પી.-6697 લઇને જઇ રહ્યા હતા ત્યારે શિવપારસ પાસે લક્કીવાળી ચાડી નજીક રાત્રે 8.45 વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં ધનજીને માથામાં ગંભીર પ્રકારની ઇજા પહોંચતાં તેને સારવાર અર્થે 108 મારફત ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ લઇ અવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબ મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસચોકીમાં મૃતકના ભાઇ દામજી કરમશી જોગીએ લખાવી છે. બીજીતરફ ગઇકાલે ભુજના બે યુવાન મિત્રો બાઇક લઇને મુંદરા જતા હતા, જેમાં ચાલક કેવર જાવેદ ઇકબાલ હુશેન અને તેની પાછળ નોતિયાર આસિફ સલીમ બેઠા હતા. આ બંને યુવાનો બપોરે 12.30 વાગ્યાના અરસામાં બાબિયા પાટિયાનાં ગામ પાસે પહોંચતાં માર્ગ વચ્ચે ખાડો આવતાં બાઇકે કાબૂ ગુમાવતાં આકસ્મિક રીતે આસિફ પાછળથી પડી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. 108 મારફત તેને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલની પોલીસ ચોકીમાં વિગતો જાહેર કરાઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd