પૂર્વી ગોસ્વામી : ભુજ , તા. 20 : સંતાનના સપનાઓને પાંખો આપીને
તેને આકાશ આંબવા દેનાર પિતા જ દરેક બાળકના સાચા સુપરહીરો હોય છે. પિતાનો અડગ વિશ્વાસ, મુક્ત આઝાદી અને સપોર્ટ જ સંતાનોને સફળતાના
શિખરે પહોંચાડે છે. ફાધર્સ ડે નિમિત્તે `થેન્ક યુ ફોર લાટિંગ મી ફ્લાય' (મને ઉડવા દેવા માટે આપનો આભાર)ની થીમ પર કચ્છના
યુવા ચહેરાઓ જેમણે પોતાની કળા, સંસ્કૃતિ અને સામાજિક કાર્યથી
પોતાનું નામ રોશન કર્યું છે, તેમણે પોતાના પિતાના સંઘર્ષ અને
આશીર્વાદને યાદ કરીને હૃદયસ્પર્શી સંદેશા આપ્યા છે. - મને માનવતા
મારા પપ્પા તરફથી વરસમાં મળી છે : મને ગર્વ છે કે, મારા પપ્પાએ એવા નવજાત બાળકોને ખુલ્લાં દિલથી
અપનાવ્યા, જેમને રસ્તા પર ત્યજી દેવાયા હતા. પપ્પા બહારથી કડક
છે, પણ અંદરથી એટલા જ કોમળ છે. બાળકોને દત્તક લેતાં પહેલાં પણ
તેમણે અમને અમુક સ્પષ્ટતા કરી હતી કે, આપણે આ બાળકો પાછળ ખર્ચ
કરીશું તો કદાચ વિદેશ ફરવા નહીં જવાય કે ડોનેશન લેતી કોલેજોમાં ઉચ્ચ ફી નહીં ભરી શકાય
અને એવું પણ બને કે તમારા ધામધૂમથી લગ્ન ન કરી શકાય. બે વર્ષ પહેલાં જ્યારે મારે મારી
પહેલી સેલેરીમાંથી વિદેશ જવું હતું, ત્યારે ઘરની જવાબદારીઓના
લીધે કોઈ સાથે આવી શકે તેમ નહોતું, પણ પપ્પાની હિંમત અને સપોર્ટના
કારણે જ હું એકલી સિંગાપોર ફરી શકી. આજે હું ઓટિઝમ પીડિત હોવા છતાં હું જેવી છું તેવી
મને સ્વીકારી છે. થેન્ક્સ ટુ પા! (સાઈ હોસ્પિટલ ચલાવતા જનરલ સર્જન પિતા ડો હિતેશની
પુત્રી; યોગા ટ્રેનર ગૌરી ઓટિઝમ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવા
અભિયાન ચલાવે છે, તેમણે આ માટે ઓટિઝમ એ ટુ ઝેડ નામનું પુસ્તક
પણ લખ્યું છે.) - ગૌરી હિતેશ
ઠક્કર, સોશિયલ ઇન્ફ્લુએન્સર - સામાજિક જીવનમાં
સરળતા મારા બાપુજીની દેન છે : સામાજિક જીવનમાં સરળતાથી જીવવું એ મારા પિતાની જ દેન છે. પિતાનો
મારા પ્રત્યેનો સંપૂર્ણ ભરોસો એ જ મારા જીવનની સૌથી મોટી મૂડી છે. પપ્પાએ જ્યારે જોયું
કે, મારો રસ સંગીતમાં છે, ત્યારે તેમણે અમારી ખેતીવાડી અને પરંપરાગત વ્યવસાય છોડીને મને સંગીત ક્ષેત્રમાં
આગળ વધવામાં ક્યારેય રોક્યો નથી. આજે હું સંગીત દુનિયામાં જે કંઈ પણ છું તે તેમના ભરોસાના
કારણે જ છું. મેં ગાયેલા `વાઘેશ્વરી
મા'ના ગીતો તેમને ખૂબ જ ગમે છે. પોતાના કામથી કામ
રાખવું અને સામાજિક જીવનમાં પોતાની સંસ્કૃતિને સરળતાથી આગળ લઈ જવાનો વારસો જ આજે મારી
કારકિર્દીના કેન્દ્રમાં છે. - અનિરુદ્ધ વાસણભાઈ ઢીલા (આહીર), લોકગાયક - મને ઊડવાનો
હિંમતભર્યો વિશ્વાસ મારા પિતાએ આપ્યો છે : તેઓ માત્ર મારા પિતા નથી,
પણ મારા સપનાંના સૌથી મોટા આધારસ્તંભ છે. અમે છ બહેનો છીએ, પણ પપ્પાએ મારા ભાઈની જેમ જ દીકરો સમજીને જ ઊછેર્યા છે. હું જ્યારે સિનેમા
લાઈનમાં આગળ વધી રહી હતી, ત્યારે સમાજે અમને રોકવાના ઘણા પ્રયત્નો
કર્યા, પણ પપ્પાએ એ બધું અવગણીને મારામાં સતત હિંમત પૂરી. કચ્છથી
કાન્સ સુધીની મારી આ સફરમાં જ્યારે પણ હું ડગમગાઈ, ત્યારે પપ્પાના
વિશ્વાસે મને નવી તાકાત આપી. એમના જ જીવનના સંઘર્ષે મને આગળ વધવાની પ્રેરણા આપી છે.
ફાધર્સ ડે પર સૌ પિતાને વિનંતી કે દીકરીઓને પાંખો આપજો, એ ક્યારેય
તમારું માથું ઝૂકવા નહીં દે! - કોમલ હંસરાજ ઠક્કર, અભિનેત્રી - મેં ગયેલું પ્રથમ ગીત પિતાને સમર્પિત હતું : મારા જીવનમાં પિતાનું
સ્થાન ઈશ્વરથી ઓછું નથી. બે ભાઈ ગુમાવ્યા પછી પણ મારા પિતાએ ક્યારેય મને હિંમત હારવા
દીધી નથી. કપરા સમયમાં પણ તેમણે મને સંગીતના ક્ષેત્રમાં આગળ વધવા પૂરો સપોર્ટ આપ્યો.
આજે હું જે કંઈ પણ છું, તે મારા પિતાના
સંઘર્ષ અને આશીર્વાદના કારણે જ છું. દરેક દીકરી માટે તેના પિતા જ તેનો અસલી હીરો હોય
છે. મેં મારી પ્રાથમિક શાળામાં પહેલું ગીત ગાયું હતું તે પણ પિતા-પુત્રીને વર્ણવતું
ગાયેલું, `બેટી હું
મેં બેટી, મેં તારા બનુંગી' અને
આજે એ સપનું પૂરું થયું છે. ફાધર્સ ડે પર હું દુનિયાના તમામ પિતાને વંદન કરું છું કે,
પોતાની દીકરીઓની પ્રતિભાને ઓળખો અને તેને પાંખો આપો. - ગીતા રબારી, લોકગાયિકા - રોયલ લીગસી
સાથે સપનાંઓ જીવવાની આઝાદી મળી છે મને પિતા તરફથી : તેરા રાજવી પરિવારનો હોવાને નાતે એક વારસો સાચવીને આગળ જવું
એ મારી જવાબદારી છે, એ સમજણ સાથે
પૂરેપૂરી સ્વતંત્રતા આપનારા મારા પિતાએ હંમેશાં કહ્યું છે, કે
તું જેમાં શ્રેષ્ઠ છો એમાં આગળ વધ, પણ તું અંદરથી ખુશ હોવો જોઈએ.
મને નાનપણથી જ આર્ટ, ક્રાફ્ટ અને ડ્રામામાં ભારે રસ હતો અને મારા
કળા પ્રત્યેના આ પ્રેમને પિતાએ સ્વીકાર્યો અને તેમને ડિઝાઇનિંગ ક્ષેત્રમાં બેચલર્સ
અભ્યાસ કરવાની મંજૂરી આપી. આજે હું `ઇંજઉં ડિઝાઇન' અને પ્રાગમહેલ ખાતે `ધ પેલેસ બુટીક' દ્વારા કચ્છની હેરિટેજ સંસ્કૃતિને આગળ ધપાવી રહ્યો છું, મારા દરેક આર્થિક-સામાજિક સંઘર્ષમાં તેમનો અડગ વિશ્વાસ જ મારી તાકાત રહ્યો
છે. - હર્ષઆદિત્ય મયૂરધ્વજસિંહ જાડેજા, રોયલ ડિઝાઇનર