અંજાર, તા. 20 : અહીંની નગરપાલિકા દ્વારા લોકોની
સુરક્ષા માટે અંદાજિત 60 લાખના ખર્ચે
શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા. અલબત્ત યોગ્ય જાળવણીના અભાવે આ તમામ કેમેરા શોભાના ગાંઠિયા બન્યા છે. આ ઉપરાંત
આ તમામ કેમેરાની બાજુમાં નેત્રમ પ્રકલ્પ તળેના
કેમેરા મૂકવામાં આવ્યા છે. સરકારી તંત્રો
વચ્ચે સંકલનના અભાવે આ સ્થિતિ સર્જાઈ હોવાનુ ચિત્ર ઉપસ્યું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર
અંદાજિત વર્ષ 2020ના અરસામાં અંજાર નગરપાલિકા
દ્વારા લોકોની સુરક્ષામાં વધારો થાય તે માટે
શહેરની ફરતે અંદાજિત 60 લાખના ખર્ચે
કેમેરા લગાડવાની ગતિવિધિ હાથ ધરાઈ હતી. આ પ્રકલ્પ તળે 62 જેટલા કેમેરા મૂકાયા હતા. આ
કામગીરી પૂર્ણ થયા બાદ થોડો સમય તેની જાળવણીનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતે, જે તે સમયે સુધરાઈ તમામ કેમેરાનુ સંચાલન સ્થાનિક
પોલીસને આપ્યુ હતું. કેમેરાનો કંટ્રોલરૂમ પણ
પોલીસ મથકમાં બનાવવામાં આવ્યો હતો. પાલિકાએ કેમેરાના નિયમિત મરંમતની જવાબદારી સ્થાનિક પોલીસ તંત્ર ઉપર ઢોળી હતી. આ અંગે વિધિવત રીતે પોલીસને
પત્ર પણ પાઠવવામાં આવ્યો હતો, તો બીજી બાજુ પોલીસ વિભાગ દ્વારા કેમેરાની જાળવણી માટે નાણાંની
ફાળવણીની જોગવાઈ ન હોવાના કારણે કેમેરા બંધ પડયા હતા. ભુતકાળમાં ફરિયાદો ઉઠતાં પોલીસે લોકભાગીદારી સાથે આ કેમેરાને ચાલુ કરાવ્યા હતા.
લગાવવામાં આવેલા કેમેરાની કાયમી જાળવણી અંગે નક્કર આયોજન થઈ શકયુ ન હતું. પરિણામે માતબર
રકમના ખર્ચે એળે ગયો હોય તે પ્રકારનુ સ્થિતિ સપાટી ઉપર આવી છે. કેમેરાની જાળવણીના પેચીદા પ્રશ્ન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા નેત્રમ
પ્રકલ્પ તળે શહેરમાં 106 કેમેરા લગાડવામાં આવ્યા હતા. શહેરના અનેક વિસ્તારમાં પાલિકાએ
મૂકેલા કેમેરાની બિલકુલ બાજુમાં વધારાના કેમેરા મૂકવામાં આવ્યા છે, નેત્રમ કેમેરાના કારણે પોલીસે પાલિકાના કેમેરા
ઉપર ધ્યાન હટાવી લીધુ હોવાનું મનાઈ રહ્યં છે, જેને કારણે સુધરાઈનું ત્રીજુ નેત્ર બંધ થઈ ગયું છે. સ્થાનિક પોલીસતંત્ર અને નગરપાલિકા એકમેક
સાથે સંકલન કરીને અન્ય જગ્યાએ આ કેમેરા મુકાવીને
નાગરિકોની સુરક્ષામાં વધારો કરી શકી હોય અલબત્ત આ પ્રકારની કોઈ હિલચાલ લાંબા સમય સુધી જોવા મળી નથી. આગામી
દિવસોમાં પાલિકા દ્વારા મૂકાયેલા કેમેરાને
ચાલુ કરી તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તેવી સમયની માંગ છે.