મુંદરા, તા. 26 : મુંદરા તાલુકાના બરાયા ગામ
નજીકનો બરાયા પુલ ખાતમુહૂર્ત થયાને લગભગ એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં સ્થળ ઉપર
કામ ન દેખાતાં હવે આ કામ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે એ સંબંધિત ફરિયાદ ઊઠી
હતી. જો કે, માર્ગ અને મકાન વિભાગે
સ્પષ્ટતા કરી હતી કે, બે દિવસમાં કામ ચાલુ થઈ જશે. નવી ડિઝાઇનને
મંજૂરી મળી ગઈ છે. જાગૃત નગરજનોએ કચ્છમિત્રને જણાવ્યું હતું કે, ખાતમુહૂર્ત થઈ ગયું પછી જર્જરિત પુલ તોડી નાખવામાં આવ્યો, પણ નવનિર્માણનું કામ શરૂ થવામાં લાંબો સમય નીકળી ગયો છતાં કામ દેખાતું નથી
અને અત્યારે ગામના બાયપાસમાંથી જવું પડે છે. જે બાયપાસમાં પણ રોડ નબળો છે. મુંદરા-
ભુજ વચ્ચે રિસર્ફાસિંગ થયું પણ આ બાયપાસની સ્થિતિ પણ પૂરી નથી સુધારાતી. એની વચ્ચે
આ પુલ ક્યારે બનશે કે કેટલો સમય સુધી આ સ્થિતિ રહેશે, એ પ્રશ્ન
છે. કમસે કમ કામ શરૂ થવું જોઈએ. નોંધનીય છે કે, બરાયા પુલ તેની
જર્જરિત અવસ્થાને કારણે લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો અને અંતે ગંભીરા પુલ દુર્ઘટના
બાદ રાજ્યભરમાં પુલના મુદ્દા ચર્ચાયા. અંતે જાહેરનામું પાડીને આ પુલ પરથી પરિવહન રોકતું
જાહેરનામું બહાર પડયું. આ પુલનું નવનિર્માણ અગાઉથી મંજૂરી જ હતું, પણ કાર્યવાહીમાં વિલંબ થતો હતો. એમાં અંતે ઝડપ આવી અને ખાતમુહૂર્ત પણ થઈ ગયું.
જો કે, ખાતમુહૂર્ત બાદ પણ કામ શરૂ ન થતાં તર્કવિતર્ક જાગ્યા હતા.
જો કે, માર્ગ અને મકાન વિભાગના સત્તાવાર વિશ્વસનીય વર્તુળોનો
સંપર્ક કરતાં તેમણે કચ્છમિત્રને જણાવ્યું કે, એક-બે દિવસમાં કામ
શરૂ થઈ જશે. ખાતમુહૂર્ત બાદ તુરત કામ શરૂ થયું જ હતું, પરંતુ
ટેકનિકલ અવરોધ આવ્યો હતો અને છ ફૂટ સુધી પાયાના ખોદાણ છતાં પણ રેતી જ નીકળી હતી. જે
પુલની મજબૂતાઈને અસરકારક મુદ્દો હોવાથી નવી ડિઝાઈન બનાવવામાં આવી. વધુ ત્રણ મીટર ઊંડે
પથરાળ જગ્યા મળી. એ પ્રમાણે હવે નવી ડિઝાઇન મુજબ છ મીટરને બદલે 9 મીટરનો મજબૂત પાયો રહેશે અને નવી ડિઝાઇનની
મંજૂરી હાલમાં જ આવી ગઈ છે અને હવે કામ શરૂ થઈ જશે.