• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

ભુજના હિલગાર્ડન ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના ફ્લાવર શોનો પ્રારંભ

ભુજ, તા. 26 : કચ્છના લોકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફ્લાવર શો માણવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે બહોળી સંખ્યામાં લાભ લેવાય તેવી અપીલ ફ્લાવર શોને ખુલ્લો મૂકતાં જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે કરી હતી. ભુજ શહેરી વિકાસ વિસ્તાર મંડળના ટાઉનપ્લાનર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ આ ફલાવર-શોનો વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ લેવા તેમજ હિલગાર્ડન કમિટીને બાળકોને નિ:શુલ્ક પ્રવેશ આપવા તથા સઘન વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. આ ફ્લાવર શો અંગેની વિગતો આપતાં રોટરી ચેરિટેબલ સોસાયટીના પ્રમુખ ડો. નવઘણ આહીરે  તા. 26/02/2026થી 31/03/2026 સુધી ચાલનારા આ ફલાવર શોને સફળ બનાવવા તથા મુલાકાતીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સમગ્ર હિલગાર્ડન કમિટી કાર્યરત હોવાનું જણાવ્યું હતું. હિલગાર્ડનના મુલાકાતીઓના મનોરંજન માટે એંસી લાખ રૂપિયાના ખર્ચે વિવિધ પશુ, પક્ષીઓ, ગેટ, વૃક્ષો સહિતની 100 ફ્લાવર કૃતિ તૈયાર કરાઈ છે, જેમાં ત્રણથી ચાર લાખ આર્ટિફિશિયલ ફૂલોનો ઉપયોગ કરાયો છે. છેલ્લા એક માસથી 40 તજજ્ઞ આર્ટિસ્ટો દ્વારા રાત-દિવસ જોયા વગર તૈયારીમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું આ આંતરરાષ્ટ્રીય કક્ષાના ફ્લાવર શો આ અગાઉ અમદાવાદ, રાજકોટ અને જામનગર ખાતે લોકપ્રિયતા બાદ અત્રે તેની પ્રસ્તુતિને માણવા એક માસ દરમિયાન બે લાખ લોકો મુલાકાત લે તેવી ધારણા વ્યક્ત કરાઈ હતી. હિલગાર્ડન કમિટીના ચેરમેન નરેન્દ્ર મીરાણીએ જણાવ્યું હતું કે સ્કૂલ પ્રવાસોને અગ્રતા આપતાં હિલગાર્ડન એન્ટ્રી પાસ મફત અપાશે તથા ફ્લાવર શો માટે 50 ટકા રાહત અપાશે. જિલ્લામાં ભુજ અને તેના આસપાસના સ્કૂલના 20,000 બાળકોને મફત પાસ આપવાનું આયોજન કરાયું છે. સંચાલક ચિરાગ પરમાર તથા કિરીટ વ્યાસે જણાવ્યું હતું કે બાળકોને મનગમતા એવા પશુ-પક્ષીઓ જેવા કે હાથી, ઘોડા, મોર, બતક, કાચબા, હરણ, ચકલીઓ, મિકીમાઉસ, કલાત્મક ગેટ વિગેરે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરાયા છે. ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જયેશ શાહ, સી.એ. ઈશ્વર દેસાઇ, રોટરી પ્રમુખ ધર્મેન્દ્રાસિંહ વાઘેલા, ડો. ઊર્મિલ હાથી, ભરત ત્રિવેદી, વિમલ ખારેચાએ ઉપયોગી સૂચનો કર્યાં હતાં. સંચાલન અને આભારવિધિ રોટરી લાયબ્રેરી ચેરમેન પ્રફુલ્લ ઠક્કરે કરી હતી  

Panchang

dd