• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

તાલુકા પંચાયતના પ્રમુખોને વર્તમાન બેઠક પર લડવા નહીં મળે..!

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 26 : ફેબ્રુઆરીના અંતમાં કચ્છમાં જિલ્લા અને તાલુકા પંચાયતની મુદત પૂર્ણ થતી હોવાથી સંભવત: એપ્રિલ-મેમાં આવનારી ચૂંટણીને ધ્યાને લઈ નવ તાલુકા પંચાયતની બેઠકોના રોટેશન જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે ઊડીને આંખે વળગે એવી બાબતો સામે આવી છે કેમ કે વર્તમાન તાલુકા પંચાયતના પ્રમુખો જે બેઠકો પરથી ચૂંટાયા હતા એ જ બેઠકો રોટેશનમાં બદલી જતાં નવી તાલુકા પંચાયતના સભ્યોમાં અત્યારના પ્રમુખોને પ્રવેશ મળવા સામે સવાલ ઊભા થયા છે અને જાણકારો તો સ્પષ્ટ કહે છે કે, પ્રમુખોને હવે સભ્ય તરીકે પણ તક મળી શકશે નહીં ! કચ્છની રાજકીય ઊથલપાથલ ઉપર નજર નાખનારાઓએ તો નવી તાલુકા પંચાયતમાં હવે શું થશે એનું પણ ગણિત માંડી લીધું છે. ભલે ગાંધીધામ મહાનગરપાલિકા બની  જતાં તાલુકા પંચાયત ખતમ થઈ ગઈ છે, તો નખત્રાણા નગરપાલિકા બની છે એટલે ગાંધીધામને બાદ કરતાં બાકીની નવ તાલુકા પંચાયત પૈકી નખત્રાણા અને અંજારનું રોટેશન  ગઇકાલે જાહેર કરવામાં આવ્યું છે. જાણકારો કહે છે કે, જે-તે તાલુકા પંચાયતમાં પ્રમુખપદનું રોટેશન હતું તેના પર જે બેઠક પરથી ચૂંટાય તે પ્રમુખ બનેલા આઠેઆઠ પ્રમુખોની સીટ બદલાઈ ચૂકી છે. ભલે તમામ તાલુકા પંચાયતોમાં સત્તા ભારતીય જનતા પક્ષ પાસે છે. એટલે લખપતની વાત કરીએ તો લખપત તાલુકા પંચાયતમાં પ્રમુખપદ સામાન્ય મહિલા અનામત  હોવાથી ગુનેરી બેઠક પરથી ચૂંટાયેલા દયાબા જશુભા જાડેજા પ્રમુખપદે કાર્યરત છે, પણ એ જ ગુનેરી બેઠક હવે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ત્રી માટે અનામત રાખવામાં આવી છે. એટલે ગુનેરી બેઠક પર હવે દયાબાને ટિકિટ મળી શકે નહીં. અબડાસા તાલુકા પંચાયતનું પ્રમુખપદ સામાન્ય હોવાથી વરાડિયા બેઠક પરથી ચૂંટાયેલા મહાવીરસિંહ જાડેજા પ્રમુખપદે તાલુકા પંચાયતનો વહીવટ ચાલે છે. પાંચ વરસ પહેલાં ચૂંટણી જાહેર થઇ હતી ત્યારે બહુમતી કોંગ્રેસની હતી, પરંતુ પાછળથી કોંગ્રેસના જ ચૂંટાયેલા સભ્યોએ કોંગ્રેસ છોડી ભગવો ખેસ ધારણ કરી લેતાં ભાજપે હસ્તગત કરી લીધી હતી. એ જ વરાડિયા સીટના સભ્યને પ્રમુખપદ મળ્યું હતું, પરંતુ વરાડિયા સીટ અનુસૂચિત જાતિ ત્રી માટે અનામત મુકરર કરી દેવાતાં વર્તમાન પ્રમુખને ત્યાંથી ચૂંટણી લડવાની તક ઝૂંટવી લેવાઇ હતી. એ જ રીતે માંડવી તાલુકા પંચાયતનું પ્રમુખપદ ઓ.બી.સી. માટે હતું એટલે ગોધરા બેઠક પરથી ચૂંટાયેલા કેવલભાઇ ગઢવી પ્રમુખપદે આરૂઢ થયા હતા. જે બેઠકે પ્રમુખપદની તક અપાવી એ જ કેવલભાઇની ગોધરા બેઠક નવા રોટેશનમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત કરાયેલી હોવાથી તેમના માટે ચૂંટણી લડવાનો છેદ ઊડી જાય છે. ભુજ તાલુકા પંચાયતનું પ્રમુખપદ પણ સામાન્ય હોવાના કારણે સુખપર-2 પરથી ચૂંટાયેલા વિનોદભાઇ વરસાણીને પ્રમુખપદે નિયુક્ત કરાયા હતા પરંતુ સુખપર-1 અને સુખપર-2 આ બંને બેઠકો મહિલા માટે અનામત રાખી દેવાતાં વિનોદભાઇને હવે તાલુકા પંચાયતમાં પહોંચવા બીજી બેઠક શોધવી પડશે. અંજારની વાત કરીએ તો અંજારમાં પ્રમુખપદ મહિલા માટે હોવાથી પાંચ વરસ પહેલાં મેઘપર (બો.) -2 પરની તા.પં. બેઠક પર ચૂંટાયેલા શોભનાબા જાડેજા પ્રમુખપદે આરૂઢ થયા હતા. પાંચ વરસ પછી રોટેશનમાં ચિત્ર બદલાઇ ગયું છે ને મેઘપર-(બો.)-2ની બેઠક જ હવે રદ થઇ ગઇ છે. મુંદરામાં સામાન્ય પ્રમુખપદ હોવાથી મહિપતસિંહ જાડેજા જે ભુજપુર બેઠક પરથી ચૂંટાયા હતા પણ ભુજપુર-1 અને 2 બંને બેઠકો હવે અનામત કરી દેવામાં આવી છે. ભુજપર-1 અનુ. જાતિ માટે જ્યારે નંબર 2 સા.શૈ. પછાત વર્ગ માટે જાહેર કરાઇ છે.ભચાઉમાં કંથકોટ બેઠક પરથી વિજેતા બનેલા રાણુભા જાડેજા તાલુકા પંચાયતના પ્રમુખ છે અને પ્રમુખપદ ભચાઉ માટે પણ સામાન્ય હતું. હવે પાંચ વરસે કંથકોટ બેઠક અનુ. આદિજાતિ મહિલા અનામત કરી દેવાતાં રાણુભા ક્યાં લડશે એ તો બેઠકો જાહેર થાય ત્યારે ખબર પડશે. રાપર તાલુકા પંચાયતમાં પ્રમુખનું રોટેશન અનુ. જાતિ માટે હોવાથી બેલા બેઠક પરથી જીત મેળવી તાલુકા પંચાયતમાં પ્રવેશ કરીને કેસરબેન ગેલાભાઇ બડગા પ્રમુખ બન્યા હતા. આવનારી ચૂંટણીમાં બેલા બેઠક અનુ. જાતિ આદિજાતિ માટે અનામત કરવામાં આવી હોવાથી કેસરબેનને અહીંથી ચૂંટણી લડવાની તક ગુમાવવી પડે તેમ છે. નખત્રાણા તાલુકા પંચાયતમાં પ્રમુખપદ મહિલા માટે અનામત હતું એટલે રવાપર બેઠક પરથી ચૂંટાયેલા ભાવનાબેન પટેલ પ્રમુખ બન્યા પણ નખત્રાણા તા.પં.નું નવું રોટેશન કાલે જ જાહેર થયું છે, તો આ બેઠક હવે બિનઅનામત જાહેર થતાં મહિલાને બદલે કોઇ મોટું માથું ચૂંટણી લડી શકે તેમ છે. 

Panchang

dd