• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

કચ્છની શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો વધ્યો

ગાંધીનગર, તા. 26 : વિધાનસભામાં કચ્છમાં શિક્ષણ અને માર્ગ વિકાસના મુદ્દે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પૂછેલા પ્રશ્નોના જવાબો અપાયા હતા. દરમ્યાન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સવાલના જવાબમાં સરકારે આંકડા આપ્યા હતા, જે મુજબ કચ્છની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર વધારો થયો છે. વડગામના ધારાસભ્ય  જિજ્ઞેશ મેવાણી દ્વારા કચ્છ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, તા. 31-12-2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષ દરમિયાન કચ્છ અને દાહોદ જિલ્લામાં ધોરણ 1થી 8માં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓનો તાલુકાવાર ડ્રોપઆઉટ રેશિયો જાહેર થયો છે. વર્ષ 2023-24 દરમિયાન લખપત તાલુકામાં વિદ્યાર્થી 6.43 ટકા અને વિદ્યાર્થિની 4.69 ટકા, જ્યારે વર્ષ 2024-25માં તે વધીને અનુક્રમે 9.89 ટકા અને 9.42 ટકા રહ્યો હતો. રાપર તાલુકામાં 2023-24માં 5.47 ટકા અને 5.69 ટકા, જ્યારે 2024-25માં 7.90 ટકા અને 7.97 ટકા નોંધાયો હતો. ભચાઉમાં 4.51 ટકા અને 6.94 ટકાથી વધીને 6.41 ટકા અને 7.08 ટકા થયો હતો. અંજારમાં 3.10 ટકા અને 2.40 ટકાથી વધીને 8.40 ટકા અને 7.85 ટકા રહ્યો હતો. ભુજ તાલુકામાં 0.64 ટકા અને 1.97 ટકાથી વધીને 4.96 ટકા અને 5.29 ટકા નોંધાયો હતો. નખત્રાણામાં 4.28 ટકા અને 5.31 ટકાથી વધીને 6.48 ટકા અને 6.95 ટકા રહ્યો હતો. અબડાસામાં 5.67 ટકા અને 6.68 ટકાથી વધીને 5.98 ટકા અને 7.15 ટકા થયો હતો. માંડવીમાં 1.92 ટકા અને 3.80 ટકાથી વધીને 3.54 ટકા અને 2.96 ટકા નોંધાયો હતો.મુંદરામાં 2.43 ટકા અને 2.81 ટકાથી વધીને 4.18 ટકા અને 4.35 ટકા રહ્યો હતો. ગાંધીધામમાં 1.27 ટકા અને 1.24 ટકાથી વધીને 4.64 ટકા અને 4.57 ટકા નોંધાયો હતો. ડ્રોપઆઉટ ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પહેલ હાથ ધરી છે, જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધી મફત પરિવહન સુવિધા, કસ્તૂરબા ગાંધી વિદ્યાલય (ધોરણ 6થી 12), સિઝનલ/રેસીડેન્સિયલ હોસ્ટેલ (ધોરણ 1થી 8), વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને સહાય, માળખાકીય સુવિધાઓમાં વધારો, જી-શાળા એપ્લિકેશન, ઇ-કન્ટેન્ટ અને મહાવરો, ધોરણ 1થી 8 માટે મફત પાઠયપુસ્તકો તેમજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.  અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ મહિપતાસિંહ જાડેજા દ્વારા નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાઓમાં મંજૂર થયેલ માધ્યમિક શાળાઓ અંગે પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કેતા. 31-12-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન કચ્છ જિલ્લાના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાઓમાં નવી સરકારી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2024 અને 2025 દરમિયાન કુલ આઠ શાળા મંજૂર કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.  વર્ષ 2024 દરમિયાન અબડાસા તાલુકામાં બિબ્બર, રેલડિયા મંજલ, સાંધવ, વાઘા પદ્ધર અને ગઢવાડા ગામોમાં શાળાઓ મંજૂર કરવામાં આવી હતી. લખપત તાલુકામાં ફુલરા, કોટડા મઢ અને જાડવા ગામોમાં શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2025 દરમિયાન પણ સંબંધિત તાલુકાઓમાં વધારાની મંજૂરી આપવામાં આવી હોવાનું નોંધાયું છે. મંજૂર થયેલ આ શાળાઓમાં કુલ 274 વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવશે. તાલુકાવાર વિદ્યાર્થી સંખ્યા મુજબ નખત્રાણા તાલુકામાં બિબ્બરમાં 65 વિદ્યાર્થીઓ, અબડાસા તાલુકામાં રેલડિયા મંજલમાં 25 વિદ્યાર્થીઓ, વાઘા પદ્ધર ખાતે 28, ગઢવાડા ખાતે 48 અને સાંધવ ખાતે 18 વિદ્યાર્થી તેમજ લખપત તાલુકામાં ફુલરા ખાતે 55, કોટડા મઢ ખાતે 22 અને જાડવા ખાતે 13 વિદ્યાર્થીને શિક્ષણની સુવિધા મળશે. ગાંધીધામના ધારાસભ્ય માલતી કિશોર મહેશ્વરી દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ મુંદરા-બારોઈ નગરપાલિકામાં મંજૂર રોડ અંગે પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીએ જણાવ્યું હતું કે, તા. 31-12-2025ની સ્થિતિએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ નાણાકીય વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન મુંદરા-બારોઈ નગરપાલિકામાં કુલ ચાર રોડ કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં વર્ષ 2024-25માં ત્રણ કામ અને વર્ષ 2025-26માં એક કામ મંજૂર કરવામાં આવ્યું છે. મંજૂર થયેલ કામોની પ્રગતિ મુજબ વર્ષ 2024-25ના ત્રણ કામમાંથી બે કામ પૂર્ણ થઈ ગયા છે અને એક કામ ભૌતિક પ્રગતિ હેઠળ છે. વર્ષ 2025-26નું એક કામ હાલમાં ભૌતિક પ્રગતિ હેઠળ છે. આમ કુલ બે કામ પૂર્ણ થયા છે અને બે કામ પ્રગતિ હેઠળ છે. આ કામો માટે કુલ રૂા. 4.48 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં વર્ષ 2024-25 માટે રૂા. 3.68 કરોડ અને વર્ષ 2025-26 માટે રૂા. 0.80 કરોડ ફાળવાયા છે. તા. 31-12-2025 સુધીમાં કુલ રૂા. 3.85 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે, જેમાં વર્ષ 2024-25માં રૂા. 3.42 કરોડ અને વર્ષ 2025-26માં રૂા. 0.43 કરોડનો સમાવેશ થાય છે.  

Panchang

dd