• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

નાની વિરાણીનો જંદરોડી ડેમ 20 લાખના ખર્ચે નવનિર્માણ પામશે

દયાપર (તા. લખપત), તા. 25 : તાલુકાના નાની વિરાણી ખાતે ધોળકિયા ફાઉન્ડેશન અને કચ્છ જલધારા ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર `જંદરોડી' ડેમનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે કચ્છ જલધારા ટ્રસ્ટના પ્રભુભાઇ માકાણીએ ગામલોકોનું પણ શ્રમદાન ડેમનાં કાર્યમાં ભળશે તો ભવિષ્યમાં પાણીની સમસ્યા નહીં રહે. નર્મદા કેનાલ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, વર્ષ 2028 સુધી લખપત તાલુકાના ડેમોમાં નર્મદાનું પાણી આવી જશે. તાલુકામાં દયાપર, મેઘપર, દોલતપર કામ ચાલુ કરાયાં છે. ધોળકિયા ફાઉન્ડેશનના પ્રકાશભાઇએ ડેમનું કામ ચાલુ થાય ત્યારે દરરોજ નિરીક્ષણ કરવા ગામલોકો આવે અને જાતે પણ શ્રમદાન કરે તેવી અપીલ કરી હતી. મેઘપર ગામના અગ્રણી પ્રેમજીભાઇ  પટેલ, પરસોત્તમભાઇ વાગડિયાએ ડેમનાં કામમાં ક્યાંય રુકાવટ કે પ્રશ્ન આવે તો સાથે રહી સમસ્યા હલ કરવા જણાવ્યું હતું. આશીર્વચનમાં શાત્રી વિશ્વનાથ જોશીએ શાત્રમાં જળસંગ્રહને `યજ્ઞ' કહ્યો છે અને તેનું અનેકગણું મહત્ત્વ હોવાનું સમજાવ્યું હતું. ધારેશી પાટીદાર સમાજના પ્રમુખ હંસરાજભાઇ પટેલે વધુમાં વધુ જળસંગ્રહ થાય તેવા ડેમ બને તેવું વક્તવ્યમાં કહ્યું હતું. નાની વિરાણી પાટીદાર સમાજના પ્રમુખ જયંતીભાઇ પોકારે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા મશીનરી અપાઇ છે, અન્ય ખર્ચ 10 લાખથી ઉપર થશે અને ડેમનું પાણી ખેડૂતોને ઘણું ઉપયોગી થશે. અન્ય ત્રણ ડેમનું પણ નિર્માણ થશે, તેવું સંબોધનમાં કહ્યું હતું. સરપંચ ઇશા જતે ઇસ્લામ ધર્મમાં પણ માનવીય કામોને વધુ મહત્ત્વ અપાયું છે. પોતાના દ્વારા સહયોગની રકમ જાહેર કરાઈ હતી. ભૂમિપૂજનમાં યજમાન પદે દાતા મગનભાઇ કાનજીભાઇ ચૌધરી વતી ભાવેશભાઇ વી. ચૌધરી રહ્યા હતા. શાત્રોક્ત વિધિ શાત્રી વિશ્વનાથ જોશીએ કરાવી હતી. સંચાલન સમાજના ઉપપ્રમુખ જયંતીભાઇ ગોગારી તથા મણિલાલ આર. પટેલે કર્યું હતું. કિસાન અગ્રણી ભવાનભાઇ લીંબાણી, વીરજીભાઇ ચૌધરી, શૈલેશભાઇ લીંબાણી, મહેશભાઇ પટેલ, ઝવેરલાલ પટેલ, કાંતિભાઇ વાડિયા, પ્રવીણ નાકરાણી, મણિલાલ પટેલ, દામજીભાઇ પટેલ, હંસરાજભાઇ ભાદાણી, હરિભાઇ લીંબાણી (સિયોત), નરસિંહભાઇ સેંગાણી (દોલતપર), હિંમતભાઇ લીંબાણી (પાનેલી), મનસુખભાઇ પારસિયા (દયાપર) વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd