• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

આત્મવિશ્વાસ સાથે કોઈ પણ ભય વિના પરીક્ષા આપવા છાત્રોને શીખ

ભુજ, તા. 25 : આવતીકાલથી શરૂ થનારી બોર્ડની જાહેર પરીક્ષા માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી  પરીક્ષા પહેલાં કરેલો પુરુષાર્થ એળે ન જાય તે માટે આત્મવિશ્વાસ સાથે અને કોઈ પણ ભય વિના પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને શીખ આપી હતી, તો તેમણે ટીમ એજ્યુકેશનને પણ અભિનંદન આપ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા સંદર્ભે સંદેશો આપી શુભેચ્છા પાઠવી હતી. આવતીકાલથી ધોરણ 10 અને 12ની શરૂ થયેલી બોર્ડ પરીક્ષા સંદર્ભે ઝોન કચેરી ખાતે પરીક્ષાની તૈયારીની જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સમીક્ષા હાથ ધરાઈ હતી. આ પરીક્ષામાં કચ્છમાં 45 હજાર વિદ્યાર્થી કસોટીની એરણે ચડશે. આ તકે શિક્ષણાધિકારી શ્રી પરમારે કચ્છ જિલ્લાના પાંચે ઝોનની મુલાકાત લઈ પરીક્ષાની તૈયારી નિહાળી જરૂરી સમીક્ષા કરી હતી તેમજ પરીક્ષાની તૈયારી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. કચ્છની તમામ 172 બિલ્ડિંગ પરીક્ષા માટે સુસજ્જ કરાઈ છે, જેમાં તમામ ભૌતિક સુવિધાઓ અને સીસીટીવીનું આખરી ચાકિંગ પણ કરી લેવામાં આવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને આવકારવાના કાર્યક્રમો રખાયા છે, જેમાં વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ, કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવી આવકાર અપાશે. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અમુક કેન્દ્ર પર છાશ વિતરણ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની હોલટિકિટમાં લોકેશન સાથે હોવાથી પ્રથમ દિવસે સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચશે તેમ છતાં કોઈ પણ વિદ્યાર્થી રસ્તામાં અટવાયેલા હશે તો રસિદ બતાવવાથી એસ.ટી. વિભાગ પોતાની બસમાં વિદ્યાર્થીને બિલ્ડિંગ સુધી પહોંચાડશે. પોલીસ હેલ્પલાઇન પર ફોન કરવાથી તેમજ જિલ્લા કંટ્રોલરૂમ 02832-250156 પર  ફોન કરવાથી સરકારી વાહન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડશે. આ પરીક્ષામાં અંદાજિત 150 દિવ્યાંગ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાના છે. 53 જેટલા વિદ્યાર્થીએ લહિયાની માગણી કરી છે. બોર્ડ દ્વારા પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓને એક કલાકની 20 મિનિટ એ રીતે કુલ 60 મિનિટ વધારાની આપવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર બે પુરુષ અને બે સ્ત્રી પોલીસકર્મી અને બે શિક્ષકની ટીમ દ્વારા દરેક વિદ્યાર્થીઓનું ફ્રિસાકિંગ કરવામાં આવશે. મોબાઈલ તેમજ કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વિદ્યાર્થીઓ સાથે ન લઈ જાય એવી ખાસ સૂચના આપવામાં આવી છે. અમુક કેન્દ્ર પર મેટલ ડિટેક્ટર લગાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. વધારામાં 14 પરીક્ષા કેન્દ્રો પર પેરામિલિટરી ફોર્સ અને 30 પરીક્ષા કેન્દ્રો પર તકેદારી અધિકારી તરીકે ફરજ બજાવશે અને શિક્ષણ વિભાગ દ્વારા આપેલ ચેકલિસ્ટ મુજબની વિગતો જિલ્લા કંટ્રોલરૂમ પર દરરોજ જમા કરાવશે. આ વર્ષે ત્રણ કેદી પણ પરીક્ષામાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, તેમના માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સવારે 7 વાગ્યાથી પ્રશ્નપત્રો અને પરીક્ષાલક્ષી અન્ય સાહિત્ય ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે-તે પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં આવશે. પરીક્ષાના ઝોનથી પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડ સુધી પાટા એપ્લિકેશન મારફતે પરીક્ષાના પેપરનું લાઈવ ટ્રાકિંગ કરવામાં આવશે. ચાલુ પરીક્ષાએ કોઈ પણ પરીક્ષા કેન્દ્રને લાઈવ કરી સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવશે. રાજ્ય કક્ષાએથી બે ફ્લાઇંગ સ્ક્વોર્ડ અને જિલ્લા કક્ષાએથી ચાર વિજિલન્સ ટીમ સ્ક્વોર્ડ તરીકેની કામગીરી કરશે અને સમગ્ર જિલ્લામાં પરીક્ષાની સંપૂર્ણ કામગીરીની દેખરેખ રાખશે. 

Panchang

dd