નવી દિલ્હી, તા. 20 : છેલ્લા 12 દિવસથી થંભી ગયેલાં ચોમાસાંએ
સર્જેલા ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા સમાચાર મળી રહ્યા છે. દેશના મોસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું
હતું કે, ચોમાસું 23 જૂનથી આગળ વધી શકે છે. વરસાદી
મોસમ 23 જૂન પહેલાં છત્તીસગઢ પહોંચશે.
મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર,
છત્તીસગઢના કેટલાક ભાગોમાં ચોમાસાં માટે જરૂરી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે.
દરમ્યાન, વીજળી પડતાં બિહારમાં છ અને ઝારખંડમાં આઠ મળીને 14 લોકોનાં મોત થઇ ગયાં હતાં.
મધ્ય ભારતમાં ચક્રવાતી સિસ્ટમ સર્જાતાં વરસાદ વરસાવતાં ચોમાસુ વાદળો ઉત્તર ભારત તરફ
આગળ વધી શકે છે. આઠમી જૂનથી તેલંગાણામાં અટકી ગયેલું ચોમાસું 15 દિવસમાં દેશનાં 19 રાજ્ય સુધી પહોંચી ગયું છે.
છત્તીસગઢમાં 23મી જૂન સુધી તોફાન, વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે,
તેવો વર્તારો દેશના મોસમ વિજ્ઞાન વિભાગ તરફથી અપાયો હતો. પશ્ચિમ બંગાળનાં
કોલકાતા, સિલિગુડી તેમજ દાર્જિલિંગ જિલ્લામાં શનિવારે વરસાદ થયો
હતો. હવે ગુજરાત સહિત રાજ્યો વરસાદ ઝંખી રહ્યાં છે. - સાયકલોનિક
સકર્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે : અમદાવાદ,
તા. 20 (અમારા પ્રતિનિધિ
તરફથી) : ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના નાગરિકો
માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી
માહોલ જામવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની
આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતની રિજનની આસપાસ એક મજબૂત
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સાથે જ તેલંગાણા તરફથી એક ટ્રફ લાઇન પણ પસાર
થઈ રહી છે. આ બંને સિસ્ટમની સંયુક્ત અસરના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં પ્રી-મોન્સૂન
એક્ટિવિટી વેગ પકડશે અને મેઘરાજાની એન્ટ્રી થશે. આગામી 21 જૂનથી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત
અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.
આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે, જે લાંબા સમયથી ગરમી સહન કરી રહેલા લોકોને મોટી
રાહત આપશે. હવામાનમાં આવેલા આ મોટા ફેરફારને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં
પવનની ગતિ ભારે વધવાની આશંકા છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે તેમ હોવાથી હવામાન વિભાગે
સાવચેતીના પગલારૂપે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે કડક સૂચના અને એલર્ટ
જાહેર કર્યું છે.