• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

પાકમાં અફઘાનનો હુમલો : 15 ચોકી કબજે

કાબુલ, તા. 26 : પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હુમલાના જવાબમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે બદલો લેવા માટે પાકમાં શ્રેણીબદ્ધ હુમલા શરૂ કર્યા છે. અફઘાને પૂર્વના પ્રાંતોમાં પાકની 15 ચોકી પર કબજો કરી લીધો છે અને સંખ્યાબંધ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, અફઘાન સેનાએ નાગરિકો પર પાકિસ્તાનના હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાની સુવિધાઓ અને લશ્કરી ઠેકાણાઓ પર હુમલા શરૂ કર્યા છે. અફઘાન સેના પાકિસ્તાન સામે મલ્ટિબેરલ રોકેટ લોન્ચરનો ઉપયોગ કરી રહી છે. મળતી માહિતી અનુસાર અફઘાન સેનાએ રાત્રે 9.30 વાગ્યાથી નાંગરહાર-ખૈબર સરહદ અને કુનાર-બાજૌર સરહદ પર ભારે હથિયારોથી હુમલો કર્યો છે. અફઘાન સેના ટેન્ક, તોપખાના, રોકેટ અને મોર્ટારનો ઉપયોગ કરી રહી છે. તાલિબાન સરકારના પ્રવક્તાએ દાવો કર્યો છે કે, અફઘાન સેનાએ 15 પાકિસ્તાની ચોકી પર કબજો કર્યો છે, ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. તાલિબાન સૈનિકો હવે નાંગરહાર સરહદ નજીક બે ચેકપોઇન્ટ, ગોશ્તા સરહદ નજીક ત્રણ ચેકપોઇન્ટ અને કુનાર સરહદ પર બે ચેકપોઇન્ટ પર હાજર છે. અફઘાન સેના 201 ખાલિદ બિન વાલિદ બ્રિગેડ અને 205 અલ બદ્ર બ્રિગેડ સાથે પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે. પાકિસ્તાને 22 ફેબ્રુઆરીના અફઘાનિસ્તાનમાં હવાઇ હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેનાના યુદ્ધવિમાનોએ નાંગરહાર પ્રાંતના ખોગ્યાની અને ઘાની ખેલ જિલ્લાઓ અને પાટિકા પ્રાંતના બર્મલ અને અર્ગુન જિલ્લામાં અનેક સ્થળોને નિશાન બનાવ્યા હતા, જેમાં એક જ પરિવારના 16 નાગરિકનાં મોત થયાં હતાં. તાલિબાને પાકિસ્તાનની આ કાર્યવાહીનો સખત વિરોધ કર્યો હતો અને સમય આવવા પર જરૂરી અને કડક જવાબ આપવાની ચેતવણી આપી હતી. 

Panchang

dd