• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

ભારત-ઈઝરાયલ વચ્ચે હવે વ્યૂહાત્મક ભાગીદારી

જેરુસલેમ, તા. 26 : ઈઝરાયલના પ્રવાસના બીજા દિવસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલી પીએમ બેન્જામીન નેતન્યાહુ બાદ રાષ્ટ્રપતિ આઈઝાક હેરઝોગ સાથે ફળદાયી મંત્રણા કરી હતી. મોદીએ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં ઈઝરાયલ સાથે મુક્ત વ્યાપાર કરાર થશે. સાથે જ હવે ઈઝરાયલમાં પણ ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ ચાલશે. બંને દેશ વચ્ચે ટેકનોલોજી, સંરક્ષણ, કૃષિ, એઆઈ અંગે પણ 16 એમઓયુ થયા હોવાના અહેવાલ છે. મોદીએ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝી શાસન દરમ્યાન માર્યા ગયેલા લાખો યહુદીઓને અંજલિ આપી હતી અને જણાવ્યું હતું કે, આતંકવાદના ખાત્મા માટે બંને દેશ એક થઈને લડશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત અને ઇઝરાયલે તેમના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત અને વિસ્તૃત કરવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ  દ્વારા ગુરુવારે દ્વિપક્ષીય સહયોગની સંપૂર્ણ શ્રેણી પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચામાં ટેકનોલોજી અને નવીનતા, કૃત્રિમ બુદ્ધિ (એઆઈ), આવશ્યક ખનિજો, સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર, શ્રમ ગતિશીલતા, શિક્ષણ, વાદળી અર્થતંત્ર, કૃષિ અને આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થતો હતો. પ્રાદેશિક અને વૈશ્વિક હિતના મુદ્દાઓ પર પણ વાટાઘાટ  કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને નેતાઓએ ભારત-ઇઝરાયલ સંબંધોને શાંતિ, નવીનતા અને સમૃદ્ધિ માટે એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવાની જાહેરાત કરી હતી. ટેકનોલોજી, વિજ્ઞાન, વેપાર, નાણાં, કૃત્રિમ બુદ્ધિ, કૃષિ, વાદળી અર્થતંત્ર, શ્રમ ગતિશીલતા, શિક્ષણ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં પણ ઘણા મહત્ત્વપૂર્ણ પરિણામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.  નરેન્દ્ર મોદીએ ભારત-ઇઝરાયલ સંબંધોને નવી દિશા આપવા માટે એઆઈ, ક્વોન્ટમ ટેકનોલોજી અને મહત્ત્વપૂર્ણ ખનિજોનાં ક્ષેત્રોમાં સહયોગ વધારવાની જાહેરાત કરી છે. મોદીએ કહ્યું હતું કે, `મને ખુશી છે કે ઇઝરાયલમાં યુપીઆઈના ઉપયોગ માટે એક કરાર થયો છે.' આતંકવાદના ખતરાનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે, ભારત અને ઇઝરાયલ આ ખતરા સામે એક થઈને લડશે. તેમણે સ્પષ્ટતા કરી, `ભારત અને ઇઝરાયલ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે, વિશ્વમાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. આતંકવાદ, કોઈપણ સ્વરૂપમાં, કોઈપણ અભિવ્યક્તિમાં, સાંખી લેવાય નહીં. અમે આતંકવાદ અને તેના સમર્થકોનો વિરોધ કરવામાં ખભેખભો મિલાવીને ઊભા રહ્યા છીએ, અને આમ કરતા રહીશું.' બંને નેતાઓએ ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોર અને ભારત-ઇઝરાયલ-યુએઆઈ-યુએસ માળખા હેઠળ સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. મોદી અને નેતન્યાહુ બન્ને નેતાઓ વચ્ચે આજે મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં બન્ને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, કૃષિ સહિત અનેક સેક્ટરોમાં સહયોગ વધારવા મુદ્દે વાતચીત કરવામાં આવી છે. ત્યારબાદ બન્ને નેતાઓને એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે સમજૂતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાને કહ્યું છે કે, બન્ને દેશોના સંબંધો તમામ કસોટીઓમાં સફળ થયા છે. આ ઉપરાંત ભવિષ્યમાં `ટેકનોલોજી'ને વધુમાં વધુ મહત્ત્વ આપીને તેમાં ભાગીદારી વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બેઠકમાં બન્ને નેતાઓ વચ્ચે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો, ક્રિટિકલ એન્ડ ઈમર્જિંગ ટેકનોલોજી પાર્ટનરશિપ, સેન્ટર ઓફ એક્સેલેન્સ અને વિલેજ ઓફ એક્સેલેન્સ, ઈન્ડિયા ઈઝરાયલ એકેડેમિક ફોરમ, વિવિધ ક્ષેત્રોમાં રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને કૃષિ અને આતંકવાદ વિરુદ્ધ સહયોગ વધારવા મુદ્દે સમજૂતી થઈ છે.  

Panchang

dd