ઢાકા, તા. 13 : ભારત સહિત દુનિયાની નજર જેના પર હતી એ બાંગલાદેશની હિંસાથી ખરડાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)નો દેખીતી રીતે વિજય થયો છે અને તારીક રહેમાન નવા વડાપ્રધાન બનવા માટે તૈયાર છે. મીડિયા અહેવાલો મુજબ બીએનપીએ 211, તો હરીફ પક્ષ જમાત-એ-ઈસ્લામીએ 68 બેઠક પર જીત મેળવી છે. જો કે, ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર જાહેરાત હજી બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રહેમાનને ફોન કરી અભિનંદન આપ્યા હતા. આમ, બાંગલાદેશમાં ખાલિદા ઝિયાની પાર્ટીની બે દાયકા બાદ સત્તામાં વાપસી થઈ રહી છે. બીજી તરફ લગભગ 35 વર્ષ બાદ દેશમાં કોઈ પુરુષ પીએમ બનશે. જમાતની હાર ભારત માટે રાહત રૂપ હેવાલ છે. જો કે, બીએનપીએ આજે જ ભારતમાં શરણ લેનારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ દોહરાવી છે, જે ભારત માટે ચિંતાજનક છે. હસીના સામે મોરચો માંડનારા છાત્ર નેતાઓના પક્ષ નેશનલ સિટીઝન પાર્ટી (એનસીપી)એ 30 પૈકી માત્ર પાંચ જ બેઠક જીતી હતી. દરમ્યાન અમેરિકાએ પણ બીએનપીને અભિનંદન આપ્યા છે. બાંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ તારીક રહેમાને બાંગલાદેશની 13મી સંસદીય ચૂંટણી જીતી લીધી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અને બીએનપી અધ્યક્ષ ખાલિદા ઝીયાના પુત્ર રહેમાને તેમનાં મૃત્યુ પછી તરત જ 9 જાન્યુઆરીએ ઔપચારિક રીતે પાટી અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. 2024ના વિશાળ વિરોધ પ્રદર્શનો પછી 12 ફેબ્રુઆરીના બાંગલાદેશમાં પ્રથમ રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની દેખરેખ હેઠળ યોજાઈ હતી. રહેમાને બે બેઠક પર ચૂંટણી લડી અને બંને (ઢાકા-17 અને બોગુરા-6) જીતી લીધી હતી. આ દરમ્યાન હસીનાના પક્ષ અવામી લીગને ચૂંટણી લડવાની પરવાનગી અપાઈ નહોતી. આ રાજકીય બદલાવની અસર માત્ર બાંગલાદેશ સુધી જ સીમિત રહેશે નહી, પાડોસી ભારત અને ક્ષેત્રીય ભૂ રાજનીતિ ઉપર પણ તેની અસર જોવા મળી શકે છે. છેલ્લા લગભગ 35 વર્ષ બાંગ્લાદેશમાં તારિક અનવરના માતા ખાલિદા જિયા કે અવામી લીગના શેખ હસીના વડા પ્રધાન રહ્યા બાદ હવે કોઇ પુરૂષ વડા પ્રધાન બાંગ્લાદેશમાં સત્તા સંભાળશે. દોઢ વર્ષ અગાઉ બાંગ્લાદેશમાં વિદ્રોહના પગલે વડા પ્રધાન શેખ હસિનાની સરકાર પડી ભાંગ્યા બાદ દેશનું શાસન કાર્યકારી મુખ્ય સલાહકાર મોહંમદ યુનુસ સંભાળતા હતા, એ વડા પ્રધાન નહોતા. એ પહેલા 35 વર્ષથી બાંગ્લાદેશમાં વારાફરતી દાયકા માટે ખાલિદા જિયા અને શેખ હસિનાનું શાસન રહ્યું છે. - રહેમાનને ફોન કરી વડાપ્રધાન મોદીએ આપી વિજયની વધામણી : નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બાંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી ના વિજય બાદ બીએનપી પ્રમુખ તારીક રહેમાનને ફોન કરી વિજયની વધામણી આપી હતી. વડાપ્રધાને ખુદ તારીક સાથે ફોન પર વાતની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, મેં બન્ને દેશની જનતાની શાંતિ, પ્રગતિ, સમૃદ્ધિ માટે ભારત સતત પ્રતિબદ્ધ છે એવી ખાતરી તારીક રહેમાનને આપી હતી. મોદીએ કહ્યું હતું કે, આ જીતે રહેમાનના નેતૃત્વમાં બાંગલાદેશની જનતાનો ભરોસો બતાવ્યો છે. મને તેમની સાથે વાત કરીને ખુશી થઈ. ભારતીય વડાપ્રધાનની વધામણીથી ખુશ થઈ જતાં બાંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી એ બાંગલાદેશના ચૂંટણી પરિણામોને માન્યતા આપવા બદલ મોદીનો આભાર માન્યો હતો.